ભારતમાં હિન્દુઓની વસ્તી ૭૭ ટકા રહેશે, જ્યારે મુસ્લિમોની વસ્તી ૧૮ ટકા સાથે ૩૧ કરોડના આંકડાને પાર જશે : વિશ્વમાં ખ્રિસ્તી અને ઇસ્લામ બાદ ત્રીજા સ્થાને રહેશે હિન્દુ ધર્મ
પ્રતીકાત્મક તસવીર
આજથી આશરે ૨૫ વર્ષ બાદ ૨૦૫૦માં કયા ધર્મને માનનારા કેટલા લોકો હશે એ વિશે પ્યુ રિસર્ચ સેન્ટર નામની એક અમેરિકન સંસ્થાએ ‘ધ ફ્યુચર ઑફ વર્લ્ડ રિલિજિયન્સ’ શીર્ષક હેઠળની એક સ્ટડીમાં દાવો કર્યો છે કે ૨૦૫૦ સુધીમાં વિશ્વમાં હિન્દુઓની સંખ્યા ૧.૪ અબજ થશે અને ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ ધર્મ બાદ હિન્દુ ધર્મ ત્રીજો મોટો ધર્મ બની જશે. વિશ્વમાં હિન્દુઓની ટકાવારી ૧૪.૯ ટકા જેટલી રહેશે. ભારતની કુલ વસ્તીમાં હિન્દુઓની સંખ્યા ૭૭ ટકા રહેશે. ૨૦૫૦માં ઘણા દેશોમાં હિન્દુઓની સંખ્યામાં ઘટાડો થશે જેમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલાદેશનો સમાવેશ છે.
ભારતમાં મુસ્લિમો કેટલા હશે?
ADVERTISEMENT
આ રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં મુસ્લિમોની સંખ્યા ૧૮ ટકા સાથે ૩૧ કરોડના આંકડાને પાર જશે અને ઇન્ડોનેશિયાને પછાડીને સૌથી વધારે મુસ્લિમો ભારતમાં હશે. ભારતમાં હિન્દુઓની બહુમતી હશે, પણ અન્ય કોઈ પણ ઇસ્લામિક દેશ કરતાં વધારે મુસ્લિમો ભારતમાં હશે. વળી તેઓ સૌથી મોટા અલ્પસંખ્યક બની રહેશે.
મુસ્લિમોની સંખ્યા ઘટશે
એશિયા પૅસિફિક રીજનમાં ૨૦૧૦માં મુસ્લિમોની વસ્તી ૬૧.૭ ટકા હતી જે ૨૦૫૦માં આશરે ૯ ટકા ઘટીને ૫૨.૮ ટકા રહેવાનું અનુમાન છે. યુરોપમાં મુસ્લિમોની વસ્તી ૨૦૧૦માં ૨.૭ ટકા હતી અને ૨૦૫૦માં પણ એટલી જ રહેવાનું અનુમાન છે.
કયા ધર્મને માનનારા કેટલા ટકા લોકો?
૨૦૫૦ સુધીમાં ખ્રિસ્તી ધર્મને માનનારા લોકોની સંખ્યા ૩૧.૪ ટકા જ્યારે ઇસ્લામ ધર્મને માનનારા લોકોની સંખ્યા ૨૯.૭ ટકા રહેશે. ૧૪.૯ ટકા સાથે હિન્દુ ધર્મને માનનારા લોકો ત્રીજા સ્થાને રહેશે.


