૧૯૬૬માં ૨૬ જાન્યુઆરીએ જન્મ થયો ત્યારે દેશભક્ત પિતાએ દીકરાનું અનોખું નામ પાડ્યું
છબ્બીસ જનવરી
આપણા દેશમાં ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ આવે છે અને એ દિવસે આખો દેશ દેશભક્તિના હિલોળે ચડે છે, પણ ૧૯૬૬માં મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લામાં એક દેશભક્ત શિક્ષક પિતાના ઘરે આ જ તારીખે પુત્રનો જન્મ થયો અને પિતાએ તેનું નામ રાખી દીધું છબ્બીસ જનવરી. ભવિષ્યમાં પુત્રને આ નામ સાથે ઘણી મુશ્કેલીઓ આવશે એની તેમને ખબર નહોતી. પુત્રને પણ ઘણી વાર અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પણ તે જરાય ગભરાયો નહીં અને સાહસી પિતાએ આપેલા નામ પર તેને ગર્વ છે. તેણે પિતાની ભાવનાની કદર કરી છે. દેશ જ્યારે ૭૬મો સ્વતંત્રતા દિવસ ઊજવી રહ્યો હતો ત્યારે છબ્બીસ જનવરી ટેલર નામની આ વ્યક્તિએ પોતાની ૫૯મી વર્ષગાંઠ ઊજવી હતી. ટેલર તેમની અટક છે.
છબ્બીસ જનવરી ટેલર હાલમાં મધ્ય પ્રદેશના શિક્ષણ અને ટ્રેઇનિંગ વિભાગમાં કામ કરે છે અને તેમના સહકર્મીઓ તેમની પ્રશંસા કરતાં થાકતા નથી.
ADVERTISEMENT
નામને કારણે તેમનો ઉપહાસ કરવામાં આવતો હતો. બૅન્કમાં અકાઉન્ટ ખોલાવવામાં પણ તેમને પરેશાની આવી. એક વાર તો તેમનો પગાર આવા નામને કારણે અટકાવી દેવામાં આવ્યો હતો. તમામ કાનૂની વિધિ પાર પાડ્યા બાદ તેમને પગાર મળ્યો હતો. જોકે તમામ પરેશાની છતાં તેમણે પિતાએ આપેલા નામને પૂરા સન્માનથી રાખ્યું અને આ નામ સાથે પોતાની વેગળી ઓળખ ઊભી કરી. તેમની કાર્યકુશળતાથી તેમની સાથે કામ કરતા લોકો તેમને આદર આપે છે. સ્ટાફને હવે તેમના માટે ગર્વ છે. ૨૬ જાન્યુઆરીએ આખો સ્ટાફ તેમનો બર્થ-ડે મનાવે છે. ઘણી વાર કલેક્ટરો પણ તેમનું નામ જાણીને તેમને મળવાની ઇચ્છા વ્યક્ત કરે છે.


