કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ, તમામ પક્ષોને ૪ અઠવાડિયામાં જવાબ આપવાનો આદેશ
દિલ્હી હાઇકોર્ટ
કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ની સંસદકૂચ દરમ્યાન દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલા અતિશય બળપ્રયોગ સામે દાખલ થયેલી જનહિતની અરજીઓ પર દિલ્હી હાઈ કોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ પાઠવી છે. ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કારિયાની બેન્ચે કડક વલણ અપનાવતાં આ ઘટનાના તમામ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ, બૉડી-કૅમેરા અને વિડિયોગ્રાફીના રેકૉર્ડ્સ સાચવવાનો આદેશ આપ્યો છે.
સુનાવણી દરમિયાન ઍડિશનલ સૉલિસિટર જનરલ (ASG) એસ. વી. રાજુએ આ અરજીઓને સોશ્યલ મીડિયા આધારિત અને ‘પબ્લિસિટી મેળવવાનો સ્ટન્ટ’ ગણાવી હતી. કેન્દ્ર સરકારની આ દલીલ સામે સખત વાંધો ઉઠાવતાં હાઈ કોર્ટે પૃચ્છા કરી હતી કે ‘શું આ કોઈ એકાદ-બે છૂટાછવાયા બનાવો છે? બિલકુલ નહીં. જો ગેરકાયદે મંડળી હતી તો પણ અેની સાથે નિપટવાના કાયદાકીય નિયમો છે.’
અરજદારોના વરિષ્ઠ વકીલોએ કોર્ટમાં વિડિયો-પુરાવા ટાંકીને આરોપ લગાવ્યો હતો કે પોલીસે ખીલી જડેલી લાઠીઓ, ઇલેક્ટ્રિક લાઠીઓ અને છરાનો ઉપયોગ કરીને ૯૦થી વધુ વિદ્યાર્થીઓને ઇજાગ્રસ્ત કર્યા હતા, જેમાં મહિલા પ્રદર્શનકારીઓની પણ છેડતી કરાઈ હતી. અદાલતે તમામ પક્ષોને ૪ અઠવાડિયાંમાં જવાબ આપવાનો આદેશ આપીને આગામી સુનાવણી ૧૧ સપ્ટેમ્બરે નક્કી કરી છે.
