દિલ્હીના મુખ્ય પ્રધાન તપાસ એજન્સી સમક્ષ ગઈ કાલે હાજર ન થયા
મધ્ય પ્રદેશમાં સિંગ્રૌલીમાં ગઈ કાલે વિધાનસભાની ચૂંટણી પહેલાં એક રોડ-શો દરમ્યાન પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનની સાથે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ. પી.ટી.આઇ.
નવી દિલ્હી ઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)ની ઑફિસમાં ગઈ કાલે હાજર નહોતા થયા. તેમણે દિલ્હી લિકર પૉલિસી કેસમાં તેમનું સ્ટેટમેન્ટ નોંધાવવા માટે ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે ઈડીની દિલ્હીસ્થિત ઑફિસમાં હાજર થવાનું હતું. જોકે તેમણે ઈડીને એક લેટર લખીને તેમને આપવામાં આવેલા સમન્સને પાછું લઈ લેવા જણાવ્યું હતું. તેમણે આ સમન્સને ગેરકાયદે અને રાજકીય પ્રેરિત પણ ગણાવ્યું હતું. ઈડી કેજરીવાલને નવા સમન્સ આપે એવી શક્યતા છે.
એક વ્યક્તિ મૅક્સિમમ ત્રણ વખત ઈડીના સમન્સને ટાળી શકે છે, જેના પછી ઈડી બિનજામીનપાત્ર વૉરન્ટ મેળવી શકે છે. કેજરીવાલે ઈડીને મોકલેલા લેટરમાં જણાવ્યું હતું કે ‘ઈડીની નોટિસ ગેરકાયદે અને રાજકીય પ્રેરિત છે. બીજેપીના કહેવાથી એ નોટિસ મોકલાઈ છે.’
બે પાનાંના લેટરમાં કેજરીવાલે કહ્યું હતું કે ‘આ સમન્સમાં ચોક્કસ વિગતો નથી કે મને વ્યક્તિગત રીતે કે દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે કે આમ આદમી પાર્ટીના નૅશનલ કન્વેનર તરીકે સમન્સ મોકલવામાં આવ્યું છે.’
આમ આદમી પાર્ટીએ આરોપ મૂક્યો હતો કે કેન્દ્ર સરકાર રાજકીય પ્રેરિત કેસમાં કેજરીવાલની ધરપકડ કરવા ઇચ્છે છે. ૩૩૮ કરોડ રૂપિયાના ટ્રાન્ઝૅક્શનને લઈને સુપ્રીમ કોર્ટે દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની જામીન અરજીને ફગાવી દીધા બાદ આપના લીડર્સ વિરુદ્ધનો ઈડીનો કેસ મજબૂત બન્યો છે.


