આજે એક્સાઇઝ પૉલિસીના મની લૉન્ડરિંગ કેસમાં ઈડીએ મુખ્ય પ્રધાન કેજરીવાલને પૂછપરછ માટે બોલાવીને ધરપકડ કરે એવી આશંકા
કેજરીવાલ
જો બીજી નવેમ્બરના ઈડી દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવશે તો દિલ્હીની સરકાર અને આમ આદમી પાર્ટી જેલમાંથી સરકાર ચલાવશે. આપ નેતા સૌરભ ભારદ્વાજે ગઈ કાલે આ નિવેદન આપ્યું હતું. દિલ્હી એક્સાઇઝ પૉલિસીમાં કથિત મની લૉન્ડરિંગ કેસમાં સંભવિત એજન્સી આપ સુપ્રીમોને આજે ૧૧ વાગ્યે સમન્સ પાઠવી શકે છે. આપે મંગળવારે આશંકા વ્યક્ત કરી હતી કે ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા કેજરીવાલની ધરપકડ કરવામાં આવી શકે છે. અન્ય બે સૌથી વરિષ્ઠ આપ નેતાઓ મનીષ સિસોદિયા અને સંજય સિંહ આવા જ આરોપોમાં પહેલેથી જ જેલમાં છે. પાર્ટીની વ્યૂહરચના વિશે પૂછવામાં આવતાં ભારદ્વાજે કહ્યું કે ‘જો કેજરીવાલ જેલમાં જાય તો પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ભવિષ્યની કાર્યવાહી જેલમાંથી નક્કી કરશે. પાર્ટીની કાર્યવાહી તો પાર્ટીના વરિષ્ઠ નેતાઓ દ્વારા નક્કી કરવામાં આવશે, પરંતુ જો આખી પાર્ટી જેલમાં હશે તો સરકાર અને પાર્ટી બન્ને જેલમાંથી જ ચાલશે. બીજેપી આ જ ઇચ્છે છે કે દરેક જેલમાં હોય... તેઓ ઇચ્છે છે કે મફત શિક્ષણ, મફત વીજળી, મફત પાણી, મફત તીર્થયાત્રા, હૉસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક્સ બંધ થાય; પરંતુ અરવિંદ કેજરીવાલ આમ થવા દેશે નહીં.’


