આખા રાજ્યમાં ૨૪ કલાક OPD બંધ રહેશે, બધાં જ ઑપરેશન મુલતવી, ઇમર્જન્સી વૉર્ડમાં જ કામ શરૂ રહેશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ડૉક્ટરો, નર્સ તથા હૉસ્પિટલના અન્ય સ્ટાફ પર થતા હુમલાઓના વિરોધમાં આખા મહારાષ્ટ્રના ડૉક્ટરોએ ૨૦ જુલાઈએ હડતાળ પાડવાનો નિર્ણય લીધો છે. ૨૪ કલાકની આ હડતાળની જાહેરાત ઇન્ડિયન મેડિકલ અસોસિએશન (IMA) દ્વારા કરવામાં આવી હતી. ૨૦ તારીખે હડતાળ હોવાથી દરદીઓ પહેલેથી જ હૉસ્પિટલનો સંપર્ક કરીને તેમની સારવાર બાબતે પૂછપરછ કરીને યોજના બનાવે એવી અપીલ IMAએ કરી છે. હડતાળ દરમ્યાન બધી જ હૉસ્પિટલોમાં આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ (OPD) બંધ રહેશે. જોકે હડતાળ વખતે ડૉક્ટરો ઇમર્જન્સી સેવા આપવાનું ચાલુ રાખશે એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશનની હૉસ્પિટલમાં શિવસેનાના નગરસેવક રમેશ મ્હાત્રેએ ડૉક્ટરો અને નર્સ પર હુમલો કર્યો ત્યાર પછી મેડિકલ ક્ષેત્રે રોષ જોવા મળી રહ્યો છે અને એના જ ભાગરૂપે આ હડતાળની જાહેરાત કરવામાં આવી છે. આ હડતાળ ૨૦ જુલાઈએ સવારે ૬ વાગ્યાથી ૨૧ જુલાઈએ સવારે ૬ વાગ્યા સુધી પાળવામાં આવશે.
ADVERTISEMENT
હડતાળ ૨૦ જુલાઈ સવારે ૬ વાગ્યાથી ૨૧ જુલાઈ સવારે ૬ વાગ્યા સુધી ચાલશે.
આ સેવાઓ શરૂ રહેશે
ઇમર્જન્સી વૉર્ડ, ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU) વૉર્ડ, મૅટર્નિટી વૉર્ડ, જીવ જોખમમાં હોય એવા દરદીનો ઉપચાર, ઇમર્જન્સી ઑપરેશન
આ સેવાઓ રહેશે બંધ
આઉટડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ (OPD), રેગ્યુલર ચેક-અપ, પહેલેથી નક્કી થયેલાં ઑપરેશનો, સામાન્ય મેડિકલ ટ્રીટમેન્ટ
