બિઝનેસમેન અને પ્રૉપર્ટી ટ્રેડર્સ પાસેથી ખંડણી ઉઘરાવનારી લૉરેન્સ ગૅન્ગ વિરુદ્ધ સુખદેવ સિંહ ગોગામેડી મેદાને પડ્યા હતા એટલે એનો બદલો લેવાયો
ગોગામેડીની હત્યાના કેસમાં આરોપીઓ રામવીર જાટ, રોહિત રાઠોડ અને નીતિન ફૌઝી.
નવી દિલ્હી : રાજપૂત લીડર અને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ચીફ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના કાવતરા પરથી આખરે પડદો હટ્યો છે. પોલીસ સોર્સિસે આ કાવતરાની પૂરેપૂરી ડીટેલ્સ આપી હતી. સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં જોવા મળ્યું હતું કે પાંચમી ડિસેમ્બરે ગોગામેડી જયપુરમાં તેમના ઘરે ચાર જણની સાથે બેઠા હતા. એ પછી ઓચિંતા વાતચીતની વચ્ચે જ એમાંથી બે જણ ઊભા થઈને ગોળીબાર કરવા લાગ્યા હતા.
સોર્સિસે જણાવ્યું છે કે આ હત્યાના કાવતરાનો માસ્ટરમાઇન્ડ રાજસ્થાનનો ગૅન્ગસ્ટર રોહિત ગોદારા છે, જે કૅનેડામાં રહેતો હોવાની શંકા છે. તે ગોલ્ડી બ્રાર અને લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ્સની સાથે જોડાયેલો છે. ગયા વર્ષે પંજાબી સિંગર સિધુ મૂસેવાલાની હત્યામાં આ ગૅન્ગ્સનો હાથ છે.ગોદારાએ ગોગામેડીની હત્યા કરવાની અને એના માટે શૂટરને હાયર કરવાની જવાબદારી તેના સાથી વીરેન્દ્ર ચરણને આપી હતી. ચરણ અને ગોદારા રાજસ્થાનના અજમેરમાં જેલમાં મળ્યા હતા. સવાલ એ છે કે ગોદારાએ શા માટે ગોગામેડીની હત્યા કરી હતી.
ADVERTISEMENT
ગોદારા ૨૦૧૯માં ચુરુના સરદાર સિટીમાં ભિનવરાજ સરણની હત્યામાં મુખ્ય આરોપી હતો. તેણે ૨૦૨૨માં ગૅન્ગસ્ટર રાજુ તેહાટની હત્યાની જવાબદારી સ્વીકારી હતી. તેહાટના મર્ડર પછી લૉરેન્સ ગૅન્ગે રોહિત મારફત બિઝનેસમેન અને પ્રૉપર્ટી ટ્રેડર્સ પાસેથી ખંડણી ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. આ ગૅન્ગ રોહિત ગોદારા મારફત રાજસ્થાનના શેખાવતીમાં આતંક ફેલાવવા ઇચ્છતી હતી, જેમાંથી અનેક બિઝનેસમેન ગોગામેડીની નજીકના હતા. ગોગામેડી અનેક કેસમાં લૉરેન્સ ગૅન્ગની વિરુદ્ધ મેદાને પડ્યા હતા.
લૉરેન્સ ગૅન્ગ તરફથી અનેક ધમકીના પગલે ગોગામેડીના નાના ભાઈ મનજિત પાલ સિંહે જે બિઝનેસમેન અને પ્રૉપર્ટી ડીલર્સને ધમકી આપવામાં આવી હતી એમની જાહેરમાં તરફેણ કરી હતી.
ગૅન્ગસ્ટરને શૂટર્સના ફોન કૉલ્સથી ધરપકડ થઈ
ગોગામેડીની હત્યા બદલ બે શૂટર્સ સહિત ત્રણ જણની શનિવારે ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસ અને રાજસ્થાન પોલીસ દ્વારા કરવામાં આવેલા એક જૉઇન્ટ ઑપરેશનમાં શનિવારે સાંજે બે શૂટર્સ-રોહિત રાઠોડ અને નીતિન ફૌઝીની ચંડીગઢમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેમની સાથે તેમનો બીજો એક સાથી ઉધમ સિંહ પણ પકડાયો હતો. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ચાર જણની ધરપકડ કરી છે. રાજસ્થાન પોલીસે શૂટર્સ રોહિત અને નીતિનને મદદ કરવા બદલ રામવીર જાટની ધરપકડ કરી હતી. શૂટર્સના મોબાઇલ ફોન્સ દ્વારા તેમનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું, કેમ કે તેઓ ભાગી રહ્યા હતા ત્યારે તેમણે વીરેન્દ્ર ચરણને કૉલ્સ કર્યા હતા.