Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > લોકસભાના સ્પીકર સામેના અવિશ્વાસ પ્રસ્તાવ પર સદનમાં સાત કલાકની ચર્ચા સમાપ્ત, આજે ત્રણ કલાકની ચર્ચા થશે

લોકસભાના સ્પીકર સામેના અવિશ્વાસ પ્રસ્તાવ પર સદનમાં સાત કલાકની ચર્ચા સમાપ્ત, આજે ત્રણ કલાકની ચર્ચા થશે

Published : 11 March, 2026 09:58 AM | Modified : 11 March, 2026 10:03 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કિરેન રિજિજુએ કહ્યું કે પ્રિયંકા ગાંધીને વિપક્ષનાં નેતા બનાવવામાં આવ્યાં હોત તો સારું થાત

સ્પીકર ઓમ બિરલા

સ્પીકર ઓમ બિરલા


લોકસભામાં હંગામો: કૉન્ગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ કહ્યું કે લોકશાહી બચાવવા માટે આમ કરવું જરૂરી હતું, વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સ્પીકર ઓમ બિરલાએ ૨૦ વખત અટકાવ્યા હતા : કિરેન રિજિજુએ કહ્યું કે પ્રિયંકા ગાંધીને વિપક્ષનાં નેતા બનાવવામાં આવ્યાં હોત તો સારું થાત

લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામે વિપક્ષોએ ગઈ કાલે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને  પચાસથી વધુ સંસદસભ્યોએ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યા બાદ સદનમાં ચર્ચાનો આરંભ થયો હતો. આ ચર્ચા માટે ફાળવવામાં આવેલા ૧૦ કલાકમાંથી ૭ કલાકની ચર્ચા સમાપ્ત થઈ હતી અને આજે ૩ કલાકની ચર્ચા થશે. વિપક્ષે ઓમ બિરલા પર ગૃહની કાર્યવાહીમાં પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો છે. આ ચર્ચા દરમ્યાન લોકસભામાં હંગામો મચી ગયો હતો.



આ ચર્ચાની શરૂઆત કરતાં કૉન્ગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ કહ્યું હતું કે ‘આ પગલું વ્યક્તિગત કારણોસર નહીં પરંતુ લોકશાહી અને સંસદની ગરિમા બચાવવા માટે લેવામાં આવ્યું છે. ઓમ બિરલા સાથે મારા સારા અંગત સંબંધો છે, પરંતુ સંસદ અને બંધારણના નિયમોનું રક્ષણ કરવાની જવાબદારી દરેક સંસદસભ્યની છે. આ પ્રસ્તાવ કોઈ ચોક્કસ વ્યક્તિ વિરુદ્ધ નહીં પરંતુ સંસદીય શિષ્ટાચાર જાળવવાના ઉદ્દેશથી લાવવામાં આવ્યો છે. બજેટસત્ર દરમ્યાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સ્પીકર ઓમ બિરલાએ ૨૦ વખત અટકાવ્યા હતા અને વારંવાર તેમને બંધારણની બુક બતાવવામાં આવતી હતી. તેમણે તેમના ભાષણમાં એક લેખ ટાંક્યો હતો. આ માટે તેમને ઠપકો આપવામાં આવ્યો હતો, પરંતુ શાસક પક્ષના સંસદસભ્યોએ ગૃહમાં ભારતમાં પ્રતિબંધિત પુસ્તકો પ્રદર્શિત કર્યાં ત્યારે તેમને કંઈ કહેવામાં આવ્યું નહોતું. આ પ્રકારનો ભેદભાવ અસ્વીકાર્ય છે.’


માત્ર બે વાર બોલ્યા છે રાહુલ ગાંધી : કિરેન રિજિજુ

આ ચર્ચામાં ભાગ લેતાં સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું હતું કે ‘આ લોકોએ પહેલાં આરોપ લગાવ્યો હતો કે વિપક્ષના નેતાને બોલવાની મંજૂરી નથી. હું કહું છું કે પંદરમી લોકસભામાં વિપક્ષના નેતાએ ફક્ત બે વાર જ વાત કરી હતી. જ્યારે સત્ર ચાલુ હોય છે ત્યારે તેઓ વિદેશ જાય છે. વિપક્ષના નેતા પોતાનું ભાષણ આપીને ગૃહમાંથી ભાગી જાય છે. તેઓ બીજા કોઈનું સાંભળતા નથી. પછી તેઓ કહે છે કે તેમને બોલવાની મંજૂરી નથી. મેં પહેલી વાર એવું દૃશ્ય જોયું કે વિપક્ષના નેતા વડા પ્રધાનને ગળે લગાવી રહ્યા છે. તેમની સીટ પર બેસીને તેઓ તેમના સંસદસભ્ય તરફ આંખ મારતા હોય છે. જો નેતા તેમના જેવા હશે તો બાકીના સંસદસભ્યો પણ તેમના જેવા હશે. તેમના સભ્યો અધ્યક્ષને ‘યાર’ કહે છે અને પાછા કહે છે કે આમાં શું ખોટું છે? આના કરતાં તો પ્રિયંકા ગાંધીને વિપક્ષનાં નેતા બનાવ્યાં હોત તો સારું થાત.’


રાહુલનું સત્ય પચાવી શકતા નથી : પ્રિયંકા ગાંધી વાડ્રા

કિરેન રિજિજુને જવાબ આપતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે ‘આ દેશમાં ફક્ત એક જ વ્યક્તિ (રાહુલ ગાંધી) છે જે આ ૧૨ વર્ષમાં તેમની સામે ઝૂકી નથી. તે વિપક્ષના નેતા છે અને તે વિપક્ષના નેતા આ ગૃહમાં ઊભા છે અને તેમને સત્ય કહે છે. તેઓ સત્ય પચાવી શકતા નથી.’

રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયેલા ૨૬ ઉમેદવારોમાં શરદ પવાર અને રામદાસ આઠવલેનો સમાવેશ

રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયેલા ૨૬ ઉમેદવારોમાં શરદ પવાર અને રામદાસ આઠવલેનો સમાવેશ થાય છે. ઉમેદવારીપત્રો પાછાં ખેંચવાની છેલ્લી તારીખ પછી હવે બિહારમાં પાંચ, ઓડિશામાં ૪ અને હરિયાણામાં બે સહિત રાજ્યસભાની ૧૧ બેઠકો માટે ચૂંટણી ૧૬ માર્ચે યોજાશે. બિહારના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્ય પ્રધાન નીતીશ કુમાર અને BJPના પ્રમુખ નીતિન નબીન દ્વિવાર્ષિક ચૂંટણીમાં રાજ્યસભામાં ચૂંટાય એવી શક્યતા છે.

Whatsapp-channel Whatsapp-channel

11 March, 2026 10:03 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK