આ સર્ટિફિકેટની મદદથી તેઓ સરળતાથી લોન, સરકારી સબસિડી અને કૃષિવિષયક સેવાઓનો લાભ મેળવી શકશે
ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર કૅબિનેટે મહિલા ખેડૂતોને આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવા માટેના ડ્રાફ્ટ બિલને મંજૂરી આપી દીધી છે. આ કાયદા હેઠળ જમીનની માલિકી ન ધરાવતી મહિલાઓને પણ કાનૂની રીતે ખેડૂત તરીકે માન્યતા આપવામાં આવશે, જેથી તેઓ સરકારી કલ્યાણકારી યોજનાઓ અને સબસિડીઓનો સીધો લાભ મેળવી શકે. કૅબિનેટ દ્વારા મંજૂર કરાયેલા મહારાષ્ટ્ર મહિલા ખેડૂત સશક્તીકરણ બિલ ૨૦૨૬ના મુસદ્દામાં ખેતી અને એને સંલગ્ન ક્ષેત્રોમાં કામ કરતી જમીનવિહોણી મહિલાઓ માટે ખાસ મહિલા ખેડૂત સર્ટિફિકેટ આપવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ સર્ટિફિકેટની મદદથી તેઓ સરળતાથી લોન, સરકારી સબસિડી અને કૃષિવિષયક સેવાઓનો લાભ મેળવી શકશે. ગુરુવારે કૅબિનેટની લીલી ઝંડી મળ્યા બાદ હવે આ બિલને રાજ્ય વિધાનસભાના ચાલુ ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે. ખેતીકામ ઉપરાંત અન્ય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી મહિલાઓને પણ મહિલા ખેડૂત ગણવામાં આવશે જેમાં પશુપાલન અને ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ અને મરઘા પાલન, રેશમના કીડા ઉછેર અને મધમાખી પાલન અને ગૌણ વનપેદાશો એકઠી કરતી મહિલાઓનો સમાવેશ થાય છે.
બાંદરા-વર્સોવા સી-લિન્ક બ્રિજમાંથી બાંદરા ફોર્ટને જોડતો કનેક્ટર બનાવવા કૅબિનેટની મંજૂરી
ADVERTISEMENT
રાજ્ય સરકારની સબ-કમિટી ફૉર ઇન્ફ્રાસ્ટ્રક્ચરે વિધાનભવનમાં આયોજિત કરાયેલી બેઠકમાં બાંદરા-વર્સોવા સી-લિન્ક બ્રિજથી બાંદરા ફોર્ટને જોડતો કનેક્ટર બનાવવાની મંજૂરી આપી છે. આ ૩.૫૫ કિલોમીટર લાંબો કનેક્ટર સી-લિન્કને બાંદરા ફોર્ટની પાસે જોડશે. એક વાર આ કનેક્ટર તૈયાર થઈ જશે એ પછી ત્યાં સુધી પહોંચવા પહેલાં જે વીસથી ૪૫ મિનિટનો સમય લાગતો હતો એ ઘટીને ૧૦ મિનિટનો થઈ જશે. આ પ્રોજેક્ટ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC) હૅન્ડલ કરશે. આ પ્રોજેક્ટ માટે ૧૭૨૨.૪૦ કરોડ રૂપિયાનો પ્રસ્તાવ સબ-કમિટી ફૉર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામે મૂકવામાં આવ્યો હતો જે કમિટીએ મંજૂર રાખ્યો છે. બાંદરા–વર્સોવા સી-લિન્ક ૨૦૨૮ સુધીમાં પૂરી થાય એવી શક્યતા છે.
ઓમરાજે નિમ્બાળકર અને શ્રીકાંત શિંદેએ ૧૧ કિલોમીટરની પદયાત્રા કરીને તિરુપતિ બાલાજીનાં દર્શન કર્યાં

શિવસેના (UBT) છોડીને શિવસેનામાં જોડાયેલા ધારશિવના સંસદસભ્ય ઓમરાજે નિમ્બાળકરે એકનાથ શિંદેના સંસદસભ્ય પુત્ર શ્રીકાંત શિંદે અને સંસદસભ્ય શ્રીરંગ બારણે તથા અન્યો સાથે ગઈ કાલે વહેલી સવારે તિરુપતિ બાલાજીનાં દર્શન કર્યાં હતાં અને એ માટે તેમણે તિરુપતિથી તિરુમલા ડુંગર પર આવેલા મંદિરમાં જવા ૧૧ કિલોમીટરનું અંતર પગપાળા કાપ્યું હતું. એ પછી તેમણે વિજયવાડાનાં કન્યકાદેવીનાં પણ દર્શન કર્યાં હતાં.
