પશ્ચાત્તાપરૂપે ત્રણ દિવસના ઉપવાસ રાખવાની જાહેરાત કરી હતી.
સંબિત પાત્રા
ઓડિશાના રાજકારણમાં સોમવારે પુરીના ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર સંબિત પાત્રાએ એક વિવાદિત નિવેદન આપતાં એક ઓરિયા ચૅનલને કહ્યું હતું કે ભગવાન જગન્નાથ પણ વડા પ્રધાન મોદીના ભક્ત છે. જોકે આ નિવેદન બાદ વિરોધીઓ તેમના પર તૂટી પડ્યા હતા અને તેથી તેમણે માફી માગી લીધી હતી અને પશ્ચાત્તાપરૂપે ત્રણ દિવસના ઉપવાસ રાખવાની જાહેરાત કરી હતી.
માફી માગવાના મુદ્દે બોલતાં સંબિત પાત્રાએ કહ્યું હતું કે ‘કોઈ માણસ તેની હોશભરી અવસ્થામાં પણ આવી વાતો ન કરી શકે કે ભગવાન કોઈ માણસના ભક્ત છે. મેં પહેલાં કહ્યું હતું કે મોદી ભગવાન જગન્નાથના પરમ ભક્ત છે, પણ બીજી વાર હું ઊલટું બોલી ગયો. હું જાણું છું કે મારા આવા નિવેદનથી ઘણા લોકોને ઠેસ પહોંચી હશે. ભગવાન પણ અજાણતાં થયેલી ભૂલોને માફ કરી દે છે. હું મારા નિવેદન માટે માફી માગું છું. હું ભૂલથી બોલી ગયો છું અને કોઈ પણ માણસથી આવી ભૂલ થઈ શકે છે. આની મજાક ન ઉડાવવી જોઈએ અને એને મુદ્દો પણ ન બનાવવો જોઈએ.’
તેમણે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર પશ્ચાત્તાપરૂપે લખ્યું હતું કે ‘મહાપ્રભુ શ્રી જગન્નાથજી વિશે મારાથી જે ભૂલ થઈ છે એનાથી મારું અંતરમન અત્યંત પીડિત છે. હું મહાપ્રભુ શ્રી જગન્નાથજીનાં ચરણોમાં શીશ ઝુકાવીને ક્ષમા ચાહું છું. મારી આ ભૂલ સુધારવા અને પશ્ચાત્તાપને કારણે આગલા ત્રણ દિવસ હું ઉપવાસ રાખીશ.’
ADVERTISEMENT
સંબિત પાત્રાના નિવેદન વિશે મુખ્ય પ્રધાન નવીન પટનાયકે સોશ્યલ મીડિયાની એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘ભગવાન ઓડિયા અસ્મિતાના સૌથી મોટા પ્રતીક છે. હું સંબિત પાત્રાના નિવેદનની સખત શબ્દોમાં નિંદા કરું છું અને તેમને અપીલ કરું છું કે તેઓ ભગવાનને કોઈ પણ રાજકીય ચર્ચામાં સામેલ ન કરે.’

