આ ફેરફારોથી ઑટો-ડેબિટ સિસ્ટમ પહેલાં કરતાં વધુ સુરક્ષિત બની છે.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ ઈ-મૅન્ડેટ સંબંધિત નવા નિયમો લાગુ કર્યા છે. આ ફેરફારોથી ઑટો-ડેબિટ સિસ્ટમ પહેલાં કરતાં વધુ સુરક્ષિત બની છે. આ નવા ફેરફારથી એ લોકોને ફાયદો થશે જેમના ઇક્વેટેડ મન્થ્લી ઇન્સ્ટૉલમેન્ટ (EMI), સબસ્ક્રિપ્શન અથવા વિવિધ બિલ દર મહિને તેમના બૅન્ક-ખાતામાંથી આપમેળે કપાઈ જાય છે.
નવા નિયમોમાં સૌથી મહત્ત્વપૂર્ણ ફેરફાર એ છે કે ગ્રાહકોને હવે કોઈ પણ ઑટો-પેમેન્ટ કરતાં પહેલાં જાણ કરવી જરૂરી રહેશે. બૅન્ક અથવા સંબંધિત કંપનીએ ઓછામાં ઓછા ૨૪ કલાક અગાઉ ઑટો-ડેબિટ વિશે જાણકારી મોકલવાની રહેશે. એમાં કંપનીનું નામ, કાપવામાં આવનારી રકમ, તારીખ અને અન્ય જરૂરી માહિતી સામેલ હશે. આનાથી ગ્રાહકોને અગાઉથી ખબર પડી જશે કે તેમના ખાતામાંથી ક્યારે અને કેટલા પૈસા કાપવામાં આવશે. જો કંઈક અયોગ્ય અથવા અનિચ્છનીય લાગે છે તો ગ્રાહકો એને સમયસર રોકી શકે છે.
ADVERTISEMENT
વળી હવે ઑટો-પેમેન્ટ સક્રિય કરતાં પહેલાં મંજૂરીની જરૂર પડશે. નવા નિયમો અનુસાર ગ્રાહકોએ હવે કોઈ પણ ઑટો-પેમેન્ટ સક્રિય કરતાં પહેલાં એક વાર રજિસ્ટ્રેશન કરાવવાનું જરૂરી રહેશે. ગ્રાહકો માટે વધારાની ચકાસણી પણ ફરજિયાત બનાવવામાં આવી છે. આમ ગ્રાહકની પરવાનગી વિના કોઈ પણ ઑટો-ડેબિટ સક્રિય કરી શકાશે નહીં. આનાથી ખાતાની સુરક્ષામાં વધારો થશે.
કોને લાગુ થશે અને કોણ બાકાત?
આ નવા ઑટો-પેમેન્ટ નિયમો ઓવર ધ ટૉપ (OTT) સબસ્ક્રિપ્શન્સ, વીમા- પ્રીમિયમ, વીજળી અને પાણીનાં બિલ અને EMI જેવી સેવાઓ પર લાગુ થશે. કાર્ડ્સ, યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) અથવા પ્રી-પેઇડ ઉપકરણો દ્વારા કરવામાં આવતા ઑટો-ડેબિટ્સ પણ આ કાર્યક્ષેત્રમાં આવશે. આ નિયમો ટોલ ભરવા માટેના ફાસ્ટૅગ અને નૅશનલ કૉમન મોબિલિટી કાર્ડના ઑટો-રીચાર્જ પર લાગુ થશે નહીં. આ સેવાઓ માટે હાલની સિસ્ટમ ચાલુ રહેશે.
