Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રામ મંદિરના દાનની ચોરી કરનારાઓ સામે બુલડોઝર કાર્યવાહી, ગૅન્ગસ્ટર ઍક્ટ પણ લાગશે

રામ મંદિરના દાનની ચોરી કરનારાઓ સામે બુલડોઝર કાર્યવાહી, ગૅન્ગસ્ટર ઍક્ટ પણ લાગશે

Published : 02 July, 2026 09:32 PM | Modified : 02 July, 2026 09:58 PM | IST | Ayodhya
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઘટનાની જાણ થતાં મંદિર ટ્રસ્ટે સૌથી પહેલા પોતાના સ્તરે તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ પોલીસે દરોડા પાડી રોકડ રકમ પણ જપ્ત કરી હતી. મામલો સામે આવ્યા બાદ અને દબાણ વધતાં રાજ્ય સરકારને એસઆઈટી તપાસની ભલામણ કરવામાં આવી હતી.

રામ મંદિર ફાઇલ તસવીર

રામ મંદિર ફાઇલ તસવીર


અયોધ્યાના રામ મંદિર દાનચોરી કેસમાં ઝડપાયેલા આરોપીઓ સામે કાર્યવાહી વધુ કડક કરવામાં આવી રહી છે. એક આરોપીના ઘર પર બુલડોઝર કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે. આ માટે તેના ઘરનું સર્વેક્ષણ પણ કરવામાં આવ્યું છે. બુલડોઝર કાર્યવાહી સાથે તમામ આરોપીઓ સામે ગૅન્ગસ્ટર ઍક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે. આરોપી લવકુશ મિશ્રાના ઘરે અયોધ્યા વિકાસ પ્રાધિકરણની ટીમ પહોંચી હતી. ટીમે સહાદતગંજ વિસ્તારમાં બની રહેલા તેના નવા મકાનનું સર્વેક્ષણ કર્યું. અધિકારીઓએ તેના પરિવારજનોની પણ પૂછપરછ કરી હતી. હવે તેને નોટિસ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીની તપાસ અને કાર્યવાહીમાં મળેલા પુરાવા ગૅન્ગસ્ટર ઍક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે પૂરતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ગૅન્ગસ્ટર ઍક્ટ હેઠળ કાર્યવાહી માટે કાનૂની અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે. શ્રીરામ મંદિરના દાનચોરીનો મામલો જૂનના પહેલા અઠવાડિયાથી ચર્ચામાં છે. ઘટનાની જાણ થતાં મંદિર ટ્રસ્ટે સૌથી પહેલા પોતાના સ્તરે તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ પોલીસે દરોડા પાડી રોકડ રકમ પણ જપ્ત કરી હતી. મામલો સામે આવ્યા બાદ અને દબાણ વધતાં રાજ્ય સરકારને SIT તપાસની ભલામણ કરવામાં આવી હતી. એસઆઈટીની ટીમે પણ લગભગ એક અઠવાડિયા સુધી ત્યાં રહીને તપાસ કરી હતી. તપાસ દરમિયાન ચોરીના પુરાવા મળતાં આ સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો હતો.

આરોપીઓ પાસેથી અત્યાર સુધી 80 લાખ રૂપિયા મળી આવ્યા



આ દરમિયાન મંદિર ટ્રસ્ટ સામે પણ એફઆઈઆર નોંધવાની માગ છે. એસઆઈટીનો રિપોર્ટ મળ્યા બાદ ટ્રસ્ટના સભ્ય કૃષ્ણમોહને 8 નામજોગ અને અન્ય લોકો સામે એફઆઈઆર નોંધાવી હતી. પોલીસે રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ, તેના સંબંધિ મનીષ યાદવ, કેશ ગણતરીમાં જોડાયેલા અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, અવિનાશ શુક્લા, રામશંકર મિશ્રા અને કરુણેશ પાંડેની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ પાસેથી મળીને અંદાજે 80 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. અવિનાશ શુક્લા પાસેથી 20 લાખ રૂપિયા મળી આવ્યા હતા. રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ પાસેથી પણ 20 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. કરુણેશ પાંડે પાસેથી 18 લાખ રૂપિયા મળી આવ્યા હતા. અનુકલ્પ મિશ્રા પાસેથી 16 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. લવકુશ મિશ્રા પાસેથી 14 લાખ 32 હજાર રૂપિયા મળી આવ્યા હતા. રામશંકર મિશ્રા પાસેથી 7 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે મનીષ યાદવ પાસેથી 2 લાખ રૂપિયા મળી આવ્યા હતા.


આરોપીઓને પકડવા ફરી પોલીસની મોટી કાર્યવાહી

બીજી તરફ આરોપીઓને લઈને ફરી એકવાર એકાએક દરોડા પાડયા છે. અનુકલ્પ મિશ્રાએ પણ તાજેતરમાં કૌશલપુરી વિસ્તારમાં એક મકાન ખરીદ્યું હોવાનું સામે આવ્યું છે. આ માહિતી સામે આવતા જ પોલીસની ટીમ હરકતમાં આવી ગઈ હતી. બુધવારે બપોરે રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનની ટીમ રુદૌલી પોલીસ સાથે મળીને ફગૌલી ઠાકુરાન ગામમાં આવેલા લવકુશના ઘરે પહોંચી હતી. પોલીસે પરિવારજનો પાસેથી લવકુશની આવકના સ્ત્રોત વિશે માહિતી મેળવી હતી. ઉપરાંત છેલ્લા એક વર્ષમાં ખરીદેલી જમીન અને અન્ય કિંમતી સંપત્તિ અંગે પણ પૂછપરછ કરવામાં આવી હતી.


ભૂસાના ઢગલાની પણ તપાસ કરવામાં આવી

પોલીસે લવકુશના ઘરે હાજર તેની દાદી ગિરિજા દેવીની લાંબા સમય સુધી પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન અનેક મહત્તવની માહિતી મેળવી હતી. પોલીસે પરિવારજનોની પૂછપરછ કરવા ઉપરાંત ઘરની પણ તપાસ કરી હતી. સાથે જ ભૂસાના ઢગલાની પણ સઘન તપાસ કરવામાં આવી હતી. લાકડી વડે ભૂસાનો ઢગલો ખોદીને તપાસ કરવામાં આવી હતી. દાનની ચોરીના પૈસા ત્યાં છુપાવવામાં આવ્યા છે કે નહીં તે જાણવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. અગાઉ પણ લવકુશના ઘરેથી ઉપલાના ઢગલામાંથી રોકડ રૂપિયા મળી આવ્યા હતા. તેથી આ વખતે ભૂસાના ઢગલાની પણ ખાસ તપાસ કરવામાં આવી હતી.

પોલીસની બે ટીમ કરુણેશના ઘરે તપાસ માટે પહોંચી

ખંડાસા પોલીસ સ્ટેશનની પોલીસ સાથે અયોધ્યાથી બે વાહનમાં પોલીસની ટીમ જયરાજપુર ગામમાં પહોંચી હતી. અહીં ટીમ આરોપી કરુણેશ પાંડેના વતનના ઘરે તપાસ માટે પહોંચી હતી. બપોરે લગભગ 1:30 વાગ્યે તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસે લગભગ બે કલાક સુધી કરુણેશના ઘરની સઘન તપાસ કરી હતી. જોકે તપાસ પૂર્ણ થયા બાદ પોલીસે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી. આ સમગ્ર કાર્યવાહીમાં લગભગ 25 પોલીસકર્મીઓ સામેલ હતા. બીજી તરફ પોલીસની ત્રીજી ટીમ ઇનાયતનગર પોલીસ સ્ટેશન વિસ્તારના બસાવાં ગામમાં પહોંચી હતી. અહીં આરોપી અનુકલ્પ મિશ્રાનું વતનનું ઘર આવેલું છે. પોલીસે ત્યાં પણ ખૂણે-ખૂણે તપાસ હાથ ધરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

02 July, 2026 09:58 PM IST | Ayodhya | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK