Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જો રામ મંદિર ચોરીના અસલી દોષિતોનાં નામ કહીશ તો મને નિપટાવી દેવામાં આવશે

જો રામ મંદિર ચોરીના અસલી દોષિતોનાં નામ કહીશ તો મને નિપટાવી દેવામાં આવશે

Published : 01 July, 2026 10:20 AM | IST | Ayodhya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ડોનેશિયાના જકાર્તામાં કથા દરમ્યાન બાબા બાગેશ્વરે વ્યક્ત કર્યો આ ડર; કહ્યું કે માત્ર નાની માછલીઓ પકડાઈ છે, મોટા મગરમચ્છ બાકી છે

બાબા બાગેશ્વર

બાબા બાગેશ્વર


અયોધ્યાના રામ મંદિરમાં દાન અને ચડાવાની કથિત હેરાફેરીના મામલે બાગેશ્વર ધામના પ્રમુખ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ એક અત્યંત ચોંકાવનારો અને સનસનાટીભર્યો દાવો કર્યો છે. હાલ ઇન્ડોનેશિયાના જકાર્તામાં કથા કરી રહેલા બાબા બાગેશ્વરે દેશની કાયદાવ્યવસ્થા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સાફ શબ્દોમાં જણાવ્યું કે જો તેઓ પોતાના દિવ્ય દરબારની પર્ચી ખોલીને આ કૌભાંડના મુખ્ય દોષિતોનાં મોટાં નામો જાહેર કરી દેશે તો તેમને ‘નિપટાવી’ દેવામાં આવશે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે તેઓ આ સમગ્ર મામલે અસલી ગુનેગારોને સારી રીતે જાણે છે, પરંતુ જીવના જોખમને કારણે હાલ ચૂપ રહેવું જ તેમના માટે યોગ્ય છે.

બાબા બાગેશ્વરે ભારતીય કાયદાની સરખામણી કરોળિયાના જાળા સાથે કરતાં કટાક્ષ કર્યો કે આ વ્યવસ્થામાં માત્ર નાની માછલીઓ જ ફસાય છે અને મોટા મગરમચ્છો આસાનીથી નીકળી જાય છે. ૫૦૦ વર્ષની લાંબી રાહ અને પૂર્વજોના બલિદાન બાદ બનેલા ભવ્ય રામ મંદિરમાં આવી ચોરી સનાતનીઓ માટે અત્યંત દુઃખદાયક છે એમ જણાવતાં તેમણે રમૂજી અંદાજમાં ઉમેર્યું કે જ્યારે તેઓ આ વિષય પર મૌન રહે છે ત્યારે સોશ્યલ મીડિયા પર ટ્રોલર્સ એવી અફવા ઉડાવે છે કે બાબાનું વાઇ-ફાઇ કામ નથી કરતું, પરંતુ પોતે એક મોટા ધર્મસંકટનો સામનો કરી રહ્યા છે; જ્યાં સત્ય બોલશે તો જીવનું જોખમ છે.



રામ મંદિરના ૧૬૦૦ CCTV કૅમેરાની અને વાયરલેસ નેટવર્કની જવાબદારી સંભાળતા રેડિયો મેઇન્ટેનન્સ ઑફિસરની આખરે બદલી


૧૭ વર્ષથી અયોધ્યામાં જામી પડ્યા હતા, દર વખતે ટ્રાન્સફરનો આદેશ રદ કરાવી લેતા હતા

રામ મંદિરમાં દાન અને ચડાવાની કથિત ચોરીના મામલે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના અહેવાલ બાદ વહીવટીતંત્ર દ્વારા એક પછી એક ઍક્શન લેવામાં આવી રહી છે. આ કેસમાં સૌથી મોટી અને મહત્ત્વની કાર્યવાહી રેડિયો મેઇન્ટેનન્સ ઑફિસર (RMO) અર્જુન દેવ સામે કરવામાં આવી છે, જે ૨૦૦૯થી એટલે કે છેલ્લાં ૧૭ વર્ષથી અયોધ્યામાં જ તહેનાત હતા. અગાઉ ઘણી વખત તેમની બદલીના આદેશો થયા હતા. જોકે દર વખતે તેઓ પોતાની વગ અને ટ્રસ્ટના અમુક પદાધિકારીઓ સાથેના નજીકના સંબંધોના કારણે એને રદ કરાવવામાં સફળ રહ્યા હતા. તાજેતરમાં લખનઉ ખાતે થયેલી તેમની બદલી પણ રદ થઈ હતી, પરંતુ ચોરીના આ ચકચારી કૌભાંડ બાદ આખરે તંત્રએ તેમને તાત્કાલિક અસરથી ગોરખપુર મોકલી દીધા છે. અર્જુન દેવ પાસે 
રામ મંદિર પરિસરમાં લાગેલા ૧૬૦૦ જેટલા CCTV કૅમેરા અને વાયરલેસ નેટવર્કના મૉનિટરિંગની મુખ્ય જવાબદારી હતી.SITના રિપોર્ટ મુજબ અર્જુન દેવ સત્તાવાર ફરજો ઉપરાંત VIP દર્શનની વ્યવસ્થા સહિતના મંદિર પ્રબંધનમાં પણ દખલ કરતા હોવાનું સામે આવ્યું છે.


આરોપીઓ પૈકીના એક લવકુશ મિશ્રાની આશરે ૧.૫ કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ પણ પોલીસના રડારમાં આવી છે.

અયોધ્યામાં કૉન્ગ્રેસના ઉત્તર પ્રદેશના પ્રમુખ અજય રાય નજરકેદ

રામ મંદિરમાં દર્શન અને ચડાવાની ચોરીના મામલે તપાસ કરવા જતા રોકવામાં આવ્યા

અયોધ્યામાં કૉન્ગ્રેસના ઉત્તર પ્રદેશના પ્રમુખ અજય રાયને સોમવારે મોડી રાત્રે એક હોટેલમાં અટકાવી દેવામાં આવતા રાજકીય ગરમાવો આવી ગયો હતો. કૉન્ગ્રેસનો આરોપ છે કે પ્રદેશ પ્રમુખને હોટેલ પદ્‍મશ્રી પૅલેસમાં નજરકેદ (હાઉસ-અરેસ્ટ) કરી દેવામાં આવ્યા હતા. અજય રાય મંગળવારે રામ મંદિરમાં દર્શન કરવા અને ત્યાં થયેલા ગોટાળાના મામલે માહિતી મેળવવા માટે ૯ સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે અયોધ્યા પહોંચ્યા હતા. કૉન્ગ્રેસે આ સરકારી કાર્યવાહીને લોકતાંત્રિક અધિકારોનું હનન ગણાવીને તીખો વિરોધ નોંધાવ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

01 July, 2026 10:20 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK