વડા પ્રધાને રાજસ્થાન કૉન્ગ્રેસની મજાક ઉડાવતાં આમ જણાવ્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે રાજસ્થાનના તારાનગર ખાતે યોજાયેલી એક જાહેર સભામાં પક્ષનો પ્રચાર કર્યો હતો અને કૉન્ગ્રેસ પર પ્રહાર કર્યા હતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ક્રિકેટની ભાષામાં રાજસ્થાન કૉન્ગ્રેસની મજાક ઉડાવી હતી. તેમણે કહ્યું હતું કે રાજસ્થાન કૉન્ગ્રેસની હાલત ક્રિકેટની એવી ટીમ જેવી છે જેના બૅટ્સમેનો પાંચ વર્ષ સુધી એકબીજાને રનઆઉટ કરવાની ટ્રાય કરતા રહે છે.
જુનજુનુ જિલ્લામાં ભાજપ વતી પ્રચાર કરતાં અને કૉન્ગ્રેસ પર પ્રહાર કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસે ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટીકરણની નીતિ અપનાવી જેના કારણે દેશને ઘણું જ નુકસાન થયું છે. ૨૫ નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જ મત આપજો.’
ADVERTISEMENT
રાજ્યના મુખ્ય પ્રધાન અશોક ગેહલોટ અને તેમના ડેપ્યુટી સચિન પાઇલટનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે ‘ક્રિકેટની ટીમમાં બૅટ્સમેનો તો પોતાની ટીમ માટે રન કરવા આવતા હોય છે, પરંતુ અહીં તો આ બૅટ્સમેનો પાંચ વર્ષ સુધી એકબીજાને રનઆઉટ કરવા માટે પ્રયાસ કરતા રહે છે. આ રીતે જ બૅટ્સમેનો એકબીજાને આઉટ કરવાની કોશિશ કરશે તો તેઓ શું વિકાસ કરશે, શું રન કરશે અને શું કામ કરશે?’
તેમણે વધુ કહ્યું હતું કે ‘જો ભાજપ સત્તા પર આવશે તો રાજસ્થાનના બધા જ ભ્રષ્ટાચારીઓને તગેડી મૂકશે અને રાજ્યનો બહુ જ ઝડપથી વિકાસ થશે. કૉન્ગ્રેસ અને વિકાસ એકબીજાના દુશ્મન છે. કૉન્ગ્રેસે ફર્ટિલાઇઝરનું કૌભાંડ કરીને લોકોને લૂંટ્યા છે. આજે ભારત દરેક ક્ષેત્રમાં આગળ છે. કોઈ પણ ક્ષેત્ર લઈ લો, એમાં ભારતે બહુ વિકાસ કર્યો છે.’
રેડ ડાયરીનો ઉલ્લેખ કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે બરતરફ કરવામાં આવેલા પ્રધાન રાજેન્દ્ર ગુહાએ એવો આક્ષેપ કર્યો છે કે અશોક ગેહલોટ તથા અન્ય પ્રધાનોએ બહુ જ મોટાં કૌભાંડો કર્યાં છે.
રાજસ્થાનમાં પેટ્રોલના ભાવ ઘણા વધુ હોવા માટે પણ નરેન્દ્ર મોદીએ કૉન્ગ્રેસને જવાબદાર ઠેરવી હતી. ૨૦૦ બેઠકો ધરાવતી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી ૨૫ નવેમ્બરે યોજાવાની છે.