ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદથી કેટલાય લોકોનાં મોત, નદીઓએ ભયજનક સપાટી વટાવી
કાનપુરમાં ઓવરફ્લો થયેલી પાંડુ નદીને કારણે જળબંબાકાર થયેલો રહેણાક વિસ્તાર.
દેશભરમાં ચોમાસાએ ફરી એક વાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઉત્તર ભારતનાં અનેક રાજ્યોમાં ભારે વરસાદથી જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.
ઉત્તરાખંડમાં જળપ્રલય : છેલ્લા ત્રણ દિવસથી સતત ખાબકી રહેલા વરસાદને કારણે ૧૨ લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. નૈની તળાવની સપાટી ૮૮ ફુટને પાર કરી જતાં પાણી છોડવા ચૅનલ ખોલવામાં આવી હતી. જોકે અેમ છતાં ૧૭૨ રસ્તાઓ સંપૂર્ણપણે બંધ છે.
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશમાં આફત : સીતાપુરમાં દીવાલ પડવાથી અને ગાઝીપુરમાં ગંગા નદીમાં તણાઈ જવાથી કુલ ૪ લોકોનાં મોત થયાં છે. લખનઉમાં રસ્તો ધસી પડતાં ૧૦ ફુટ ઊંડો ખાડો પડ્યો હતો જેમાં એક બાઇકચાલક ખાબક્યો હતો.
બિહારમાં પૂરનો ખતરો : ગંગા અને પુનપુન નદીઓ ભયજનક સપાટીની ઉપર વહી રહી છે. ભાગલપુરમાં ૧૦૦ વર્ષ જૂનું દુર્ગા મંદિર નદીના ધસમસતા પ્રવાહમાં ધોવાઈ ગયું હતું. ૩૧ જિલ્લામાં ઑરેન્જ અલર્ટ અપાયું છે.
મધ્ય પ્રદેશમાં જળબંબાકાર : ચિત્રકૂટમાં મંદાકિની નદીએ ગાંડુંતૂર સ્વરૂપ ધારણ કરતાં રામઘાટ પર આવેલી ૪૦૦ દુકાનો અને પચીસ જેટલી હોટેલ ડૂબી ગઈ છે. સતનામાં શાળાઓ અને કૉલેજો બંધ રાખવાનો આદેશ અપાયો છે.
દિલ્હીમાં રેડ અલર્ટ : હવામાન વિભાગે દિલ્હીમાં ભારે વરસાદનું રેડ અલર્ટ આપ્યું છે. અહીં ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે અતિભારે વરસાદની ચેતવણી અપાઈ છે.
હિમાચલમાં અત્યંત નુકસાન : આ વખતના ચોમાસામાં હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં કુલ ૨૫૯ લોકોનાં મોત થયાં છે અને ૧૨૦૦ કરોડ રૂપિયાથી વધુનું જંગી નુકસાન નોંધાયું છે.
