મહાકુંભમાં બુધવારના દિવસે કૉન્ગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને તેમનાં બહેન પ્રિયંકા ગાંધી-વાડ્રા ડૂબકી લગાવશે
ગઈ કાલે રવિવાર હોવાથી મોટી સંખ્યામાં ભાવિકો ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા પહોંચ્યા હતા.
મહાકુંભમાં બુધવારના દિવસે કૉન્ગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને તેમનાં બહેન પ્રિયંકા ગાંધી-વાડ્રા ડૂબકી લગાવશે. ઉત્તર પ્રદેશના કૉન્ગ્રેસના નેતા અજય રાયે કહ્યું હતું કે ‘૧૯ ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી મહાકુંભમાં આવી રહ્યાં છે. અમે પણ તેમની સાથે જઈશું, સંગમમાં સ્નાન કરીશું અને હર હર મહાદેવનો ઉદ્ઘોષ કરીશું.’
નાસભાગ અટકાવવા નવી વ્યવસ્થા
ADVERTISEMENT
ગઈ કાલે રવિવારે ભારે ભીડને પગલે પોલીસે નાસભાગ રોકવા નવી વ્યવસ્થા કરી હતી. ભાવિકોના મોટા ગ્રુપની સૌથી આગળ પોલીસ ચાલતી હતી. સુરક્ષામાં તહેનાત જવાનોએ અનેક સ્થળે રસ્સી બાંધીને શ્રદ્ધાળુઓને રોક્યા હતા અને વિભિન્ન ઘાટ તરફ ડાયવર્ટ કર્યા હતા.
સંગમતટે બે બોટ ટકરાઈ
ગઈ કાલે ગંગા અને યમુના નદીના સંગમતટે બે બોટ ટકરાઈ હતી. એક બોટ ડૂબી જતાં પાંચ ભાવિકો ડૂબવા લાગ્યા હતા, પણ NDRFની ટીમે તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
૨૦ ફેબ્રુઆરી સુધી સ્કૂલોમાં રજા
ભીડને કારણે પ્રયાગરાજમાં આઠમા ધોરણ સુધીની સ્કૂલોમાં રજા ૨૦ ફેબ્રુઆરી સુધી લંબાવી દેવામાં આવી છે. હાલમાં તમામ ક્લાસ ઑનલાઇન લેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
યોગી આદિત્યનાથે હવાઈ નિરીક્ષણ કર્યું
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગઈ કાલે પ્રયાગરાજ આવીને હેલિકૉપ્ટરમાંથી હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને લોકોને અપીલ કરી હતી કે તેમણે વાહનો પાર્કિંગ-સ્લૉટમાં જ પાર્ક કરવાં જોઈએ, રસ્તા પર પાર્ક થયેલાં વાહનોને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.
૫૨.૮૩ કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી ડૂબકી
ગઈ કાલે મહાકુંભના ૩૫મા દિવસે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૧.૩૬ કરોડ લોકોએ કુંભમાં સ્નાન કર્યું હતું અને ૧૩ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ ૫૨.૮૩ કરોડ લોકોએ ડૂબકી લગાવી છે. ૨૬ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિએ મહાકુંભની સમાપ્તિ થશે.

