શનિવારે નવી દિલ્હી રેલવે-સ્ટેશન પર થયેલી નાસભાગમાં ૧૮ પ્રવાસીઓના મૃત્યુ થયા બાદ ગઈ કાલે પણ સ્ટેશન પર ભારે ભીડ હતીઃ રેલવેનું કહેવું છે કે એક વ્યક્તિનો પગ લપસવાને લીધે દુર્ઘટના બની હતી
નવી દિલ્હી રેલવે-સ્ટેશન પર નાસભાગ થઈ એ પહેલાંની અમાનવીય ગિરદી.
શનિવારે રાત્રે દિલ્હી રેલવે-સ્ટેશન પર મહાકુંભમાં જવા પ્રયાગરાજ જતી ટ્રેન પકડવા માટે મચેલી નાસભાગમાં ૧૮ લોકોનાં મૃત્યુ થયાં હતાં. ટ્રેન મોડી પડતાં સ્ટેશન પર ભારે ભીડ થઈ હતી અને તેથી આ નાસભાગ મચી હતી.
નાસભાગ વિશે દિલ્હી પોલીસે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે બે ટ્રેનોનાં એક જેવાં નામને કારણે પ્રવાસીઓમાં અસમંજસની પરિસ્થિતિ ઊભી થઈ હતી અને એને કારણે નાસભાગ થઈ હતી. પ્રયાગરાજ જવા માટે પ્રયાગરાજ એક્સપ્રેસ અને પ્રયાગરાજ સ્પેશ્યલ એમ બે ટ્રેન રવાના થવાની હતી. પ્રયાગરાજ સ્પેશ્યલ પ્લૅટફૉર્મ-નંબર ૧૬ પર આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી. આના કારણે પ્રવાસીઓમાં કન્ફ્યુઝન થયું હતું, કારણ કે પહેલેથી જ પ્રયાગરાજ એક્સપ્રેસ ટ્રેન પ્લૅટફૉર્મ-નંબર ૧૪ પર ઊભી હતી. જે લોકો પ્લૅટફૉર્મ-નંબર ૧૪ પર પહોંચી શક્યા નહોતા તેમને એમ થયું કે તેમની ટ્રેન ૧૬ નંબરના પ્લૅટફૉર્મ પર આવી રહી છે. આથી નાસભાગ મચી હતી. હકીકતમાં આ બે ટ્રેનો અલગ હતી, પણ તેમનાં નામ એક જેવાં હતાં.
ADVERTISEMENT
પ્રયાગરાજ જવા માટે ચાર ટ્રેન હતી જેમાંથી ત્રણ ટ્રેન મોડી દોડતી હતી. આથી પણ ભારે ભીડ હતી.
આ ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે પ્રયાગરાજ એક્સપ્રેસ ટ્રેન બીજા પ્લૅટફૉર્મ પર આવવાની હતી. આના પગલે નાસભાગ મચી હતી. જોકે રેલવે સત્તાવાળાઓએ આ વાતને રદિયો આપ્યો હતો.
પગ લપસવાથી થઈ દુર્ઘટના
નૉર્ધર્ન રેલવેના મુખ્ય પબ્લિક રિલેશન્સ ઑફિસર હિમાંશુ શેખર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે રેલવે-સ્ટેશન પર પહેલાંથી ભારે ગિરદી હતી અને દાદરા પર એક વ્યક્તિનો પગ લપસ્યો એને પગલે નાસભાગ મચી હતી.
રેલવેએ શું કહ્યું?
રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘નવી દિલ્હી રેલવે-સ્ટેશન પર પ્લૅટફૉર્મ-નંબર ૧૩ અને ૧૪ પર પહેલેથી જ ભીડ હતી. એક ટ્રેન મગધ એક્સપ્રેસ હતી અને બીજી ટ્રેન જમ્મુ જઈ રહી હતી. એ ટ્રેન મોડી પડી હતી. એવામાં મહાકુંભ જતી સ્પેશ્યલ પ્રયાગરાજ એક્સપ્રેસ ટ્રેન પ્લૅટફૉર્મ-નંબર ૧૪ પરથી ૧૦.૧૦ વાગ્યે ઊપડવાની હતી. આ ટ્રેન પ્લૅટફૉર્મમાં આવી રહી હતી ત્યારે પ્લૅટફૉર્મ પર ભારે ભીડ જમા થઈ હતી. પહેલાંની ભીડ અને નવી ગિરદીને કારણે નાસભાગ મચી હતી. વળી જનરલ ડબ્બાની એક હજાર કરતાં વધારે ટિકિટ વેચાઈ હતી જેઓ પણ આ ટ્રેન દ્વારા મહાકુંભ જવાના હતા. કોઈ ટ્રેન કૅન્સલ થઈ નહોતી કે કોઈ ટ્રેનનું પ્લૅટફૉર્મ પણ બદલવામાં આવ્યું નહોતું. તમામ ટ્રેનો એના સમય પર દોડતી હતી.’

શનિવારે થયેલી ભાગદોડમાં ઘાયલ થયેલી મહિલાને ઊંચકીને લઈ જઈ રહેલા કુલીઓ.
બે સભ્યોની સમિતિ તપાસ કરશે
આ નાસભાગ દુર્ઘટના બાબતે બે સભ્યોની ઉચ્ચ સમિતિ તપાસ કરવાની છે. આ તપાસ અધિકારીઓમાં નૉર્ધર્ન રેલવેના પ્રિન્સિપલ ચીફ કમર્શિયલ મૅનેજર નરસિંહ દેવ અને નૉર્ધર્ન રેલવેના પ્રિન્સિપલ ચીફ સિક્યૉરિટી કમિશનર પંકજ ગંગવારનો સમાવેશ છે. આ સમિતિએ ન્યુ દિલ્હી રેલવે-સ્ટેશનનાં તમામ વિડિયો ફુટેજ મગાવ્યાં છે.

૧૮ લોકોના જીવ ગયા બાદ પણ ગઈ કાલે નવી દિલ્હી સ્ટેશન પર પ્રવાસીઓની ગિરદી ઓછી નહોતી થઈ.
સાત વર્ષની છોકરીનો માથામાં ઘૂસી ગયેલા ખીલાએ લીધો જીવ
નવી દિલ્હી રેલવે-સ્ટેશન પર થયેલી નાસભાગમાં સાત વર્ષની એક છોકરીના માથામાં લોખંડનો ખીલો ઘૂસી ગયો હોવાનો દાવો તેના પિતાએ કર્યો હતો. સાત વર્ષની દીકરીના પિતા એવા ઉત્તર પ્રદેશના ઉન્નાવના રહેવાસી ઓપિલ સિંહ પાસે આખા પરિવારની પ્રયાગરાજ જવાની કન્ફર્મ ટિકિટ હતી. તેણે જણાવ્યું હતું કે ‘અમે ૧૪ નંબરના પ્લૅટફૉર્મ પરથી નીચે ઊતરી રહ્યા હતા, પણ ભીડ જોઈને પાછા ફરવા લાગ્યા હતા. મેં કહ્યું કે ઘરે જતા રહીએ છીએ, બાળકોને લઈને જવું નથી, નાનાં બાળકોને સૂવાની પણ જગ્યા નથી. અમે ફરી ઉપર ચડવા લાગ્યા. માત્ર છ પગથિયાં બચ્યાં હશે ત્યારે ભીડમાં મારી છોકરી ફસાઈ ગઈ. તે પડી ગઈ અને તેના પરથી પાંચથી છ હજાર લોકો જતા રહ્યા. લોકો પડવા લાગ્યા. કોઈને સરખા થવાનો મોકો પણ મળ્યો નહીં. મારી છોકરીના માથામાં ખીલો ઘૂસી ગયો, તેના શરીરમાં લોહી જામી ગયું અને આખું શરીર કાળું પડી ગયું હતું.’
ત્યાર બાદ કુલીની મદદથી તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પણ ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કરી હતી.
ખિસ્સાકાતરુઓની અમાનવીય હરકત
આવી નાસભાગમાં પણ કેટલાક ખિસ્સાકાતરુઓએ પ્રવાસીઓનાં ખિસ્સાં કાપ્યાં હતાં. તેઓ બ્લેડ અને ચાકુનો ઉપયોગ કરી રહ્યા હતા એને કારણે ઘણા લોકોને ચાકુ અને બ્લેડના ઘસરકા પણ લાગ્યા હતા.


