નવા સંસદભવનનું ઉદ્ઘાટન, વડા પ્રધાને વૈદિક મંત્રોચ્ચારની વચ્ચે લોકસભા ચેમ્બરમાં સ્પીકરની ખુરસીની જમણી બાજુ સેંગોલને સ્થાપિત કર્યો : મોદીના સાષ્ટાંગ દંડવત સાથે વૈદિક અને નવકાર મંત્રોચ્ચાર

તસવીર સૌજન્ય : એ. એન. આઈ.
સંસદભવનના ઉદ્ઘાટન પર સર્વધર્મ સમભાવની ભાવનાને આત્મસાત્ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વૈદિક મંત્રોચ્ચાર તો થયો જ હતો, પરંતુ સાથે વિશેષ રીતે સર્વધર્મ પ્રાર્થના કરવામાં આવી હતી. એમાં બૌદ્ધ, ખ્રિસ્તી, જૈન, પારસી, મુસ્લિમ, સિખ સહિત અનેક ધર્મોના ધર્મગુરુઓએ પોતપોતાની પ્રાર્થના કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજદંડને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા હતા. આ ઉપરાંત નવા સંસદભવનના ઉદ્ઘાટન પર જૈનાચાર્ય દ્વારા નવકાર મંત્રનું ઉચ્ચારણ થયું હતું. આ ઉદ્ઘાટન સમારોહથી પાછા ફર્યા બાદ જૈનાચાર્ય લોકેશ મુનિએ સર્વધર્મ પ્રાર્થનાને નિહાળીને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘સમગ્ર ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક છે. સંસદમાં ઐતિહાસિક, અલૌકિક અને અદ્ભુત પળ અમે ત્યારે જોઈ જ્યારે અમે સર્વધર્મ પ્રાર્થના જોઈ. રાજદંડને યોગ્ય સ્થાન મળ્યું છે. એટલા માટે જ મેં જૈન ધર્મની પ્રાર્થના, ભગવાન મહાવીરની વાણી, નવકાર મંત્ર પ્રસ્તુત કરીને સંપૂર્ણ જૈન સમાજ તરફથી વડા પ્રધાનનો આભાર અને અભિનંદન વ્યક્ત કર્યાં છે કે તેમણે રાજદંડને ફરી યોગ્ય આદર સાથે યોગ્ય સ્થાન આપ્યું છે.’
દેશના લોકશાહીના ઇતિહાસમાં ગઈ કાલનો દિવસ વિશેષ રીતે ગૌરવપૂર્ણ હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સવારે નવી દિલ્હીમાં નવા સંસદભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ઘાટનના કાર્યક્રમમાં સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ માત્ર એક ભવન નથી, પરંતુ ૧૪૦ કરોડ ભારતીયોની આકાંક્ષાઓ અને સપનાંનું રિફ્લેક્શન છે.
પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ મોદી ગેટ નંબર-1થી સંસદના પ્રિમાઇસિસમાં પ્રવેશ્યા હતા અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કર્ણાટકના શ્રિંગેરી મઠના પુજારીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચારની વચ્ચે વડા પ્રધાને દૈવી આશીર્વાદ મેળવવા માટે ગણપતિ હોમ કર્યો હતો.
વડા પ્રધાને સેંગોલ (રાજદંડ)ને દંડવત પ્રણામ કર્યા હતા અને હાથમાં પવિત્ર રાજદંડની સાથે તામિલનાડુના જુદા-જુદા સંતોના આશીર્વાદ મેળવ્યા હતા.
મોદીએ એ પછી નાદસ્વરમ અને વૈદિક મંત્રોચ્ચારની વચ્ચે લોકસભા ચેમ્બરમાં સ્પીકરની ખુરસીની જમણી બાજુ સેંગોલને સ્થાપિત કર્યો હતો.
આ પ્રસંગે રાજનાથ સિંહ, અમિત શાહ, એસ. જયશંકર, અશ્વિની વૈષ્ણવ, મનસુખ માંડવિયા અને જિતેન્દ્ર સિંહ સહિત અનેક કેન્દ્રીય પ્રધાનો, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વ સરમા અને બીજેપીના અધ્યક્ષ જે. પી. નડ્ડા ઉપસ્થિત રહ્યા હતા.
વડા પ્રધાને નવા સંસદભવનના નિર્માણમાં મહત્ત્વની કામગીરી કરવા બદલ કેટલાક વર્કર્સનું શાલ અને સ્મૃતિચિહ્નથી સન્માન કર્યું હતું. આ પ્રસંગે સર્વધર્મ પ્રાર્થના પણ થઈ હતી. બાદમાં વડા પ્રધાન, સ્પીકર અને અન્ય હસ્તીઓ જૂના સંસદભવનમાં પણ ગઈ હતી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે જ નવા સંસદભવનનું ઉદ્ઘાટન કરવામાં આવે એવી દિવસો સુધી માગણી કર્યા બાદ અનેક વિપક્ષોએ આ ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. આ ઉદ્ઘાટનમાં પચીસ પૉલિટિકલ પાર્ટીઓએ ભાગ લીધો હતો, જ્યારે ૨૦ પાર્ટીઓએ એનો બહિષ્કાર કર્યો હતો.
તાતા પ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા આ સંસદભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં ભારતના લોકતાંત્રિક વારસાને દર્શાવવા ભવ્ય બંધારણ હૉલ, સંસદસભ્યો માટે લૉન્જ, લાઇબ્રેરી, મલ્ટિપલ કમિટી રૂમ્સ, ડાઇનિંગ એરિયા અને ખૂબ જ વિશાળ પાર્કિંગ સ્પેસ છે.
આ બિલ્ડિંગમાં ત્રણ મુખ્ય ગેટ્સ- જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર છે. એમાં વીઆઇપી, સંસદસભ્યો અને વિઝિટર્સ માટે અલગ-અલગ એન્ટ્રન્સ છે.
ઉદ્ઘાટન કાર્યક્રમમાં પૂજા કરી રહેલા નરેન્દ્ર મોદી અને ઓમ બિરલા
આ રહ્યા પીએમની સ્પીચના મહત્ત્વના અંશો...
૧) દરેક દેશની વિકાસયાત્રામાં કેટલીક પળ એવી આવે છે જે હમેશાં માટે અમર થઈ જાય છે. ૨૦૨૩નો આ દિવસ આવો જ શુભ અવસર છે.
૨) દેશ આઝાદીનાં ૭૫ વર્ષ પૂરાં થતાં અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. આ અમૃત મહોત્સવમાં ભારતના લોકોએ પોતાની લોકશાહીને સંસદના નવા ભવનની ગિફ્ટ આપી છે. ગઈ કાલે સવારે જ સંસદના પરિસરમાં સર્વધર્મ પ્રાર્થના થઈ છે.
૩) આ માત્ર એક ભવન નથી, પરંતુ ૧૪૦ કરોડ ભારતીયોની આકાંક્ષાઓ અને સપનાંનું રિફ્લેક્શન છે. એ વિશ્વને ભારતના દૃઢ સંકલ્પનો સંદેશ આપે છે.
૪) આ નવું સંસદભવન યોજનાને ખરા અર્થમાં, નીતિને નિર્માણથી, ઇચ્છાશક્તિને ક્રિયાશક્તિથી, સંકલ્પને સિદ્ધિની સાથે જોડનારી મહત્ત્વની કડી પુરવાર થશે. આ નવું ભવન આપણા આઝાદીના લડવૈયાઓનાં સપનાંને સાકાર કરવાનું માધ્યમ બનશે. આ નવું ભવન આત્મનિર્ભર ભારતના સૂર્યોદયનું સાક્ષી બનશે.
૫) આ નવું ભવન વિકસિત ભારતના સંકલ્પોની સિદ્ધિ થતી જોશે. આ નવું ભવન નૂતન અને પ્રાચીનના સહઅસ્તિત્વનો પણ આદર્શ છે. આજે નવું ભારત નવા ટાર્ગેટ્સ સેટ કરે છે. નવો જોશ અને ઉમંગ છે. દિશા, દૃષ્ટિ, સંકલ્પ અને વિશ્વાસ નવાં છે. આજે સમગ્ર વિશ્વ ભારતને, ભારતની સંકલ્પની દૃઢતાને, ભારતીય જનશક્તિની જિજીવિષાને આદર અને આશાની નજરે જોઈ રહ્યો છે. ભારત આગળ વધે છે ત્યારે વિશ્વ આગળ વધે છે.
૬) આ ઐતિહાસિક અવસરે સંસદના આ નવા ભવનમાં પવિત્ર સેંગોલની પણ સ્થાપના કરવામાં આવી છે. મહાન ચોલ સામ્રાજ્યમાં સેંગોલને કર્તવ્ય પથ, સેવા પથ અને રાષ્ટ્ર પથનું પ્રતીક માનવામાં આવતું હતું. રાજાજી અને આદિનમ સંતોના માર્ગદર્શનમાં આ જ સેંગોલ સત્તાના ટ્રાન્સફરનું પ્રતીક બન્યો હતો.
લોકસભા ચેમ્બરમાં સેંગોલની સ્થાપના કર્યા બાદ પીએમ મોદી અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા
64,500
ત્રિકોણાકાર ચાર માળના બિલ્ડિંગનો બિલ્ટ-અપ એરિયા આટલા ચોરસ મીટર છે.
સંસદમાં પીએમને સ્ટૅન્ડિંગ ઑવેશન મળ્યું હતું
આરજેડીએ નવા સંસદભવનની સરખામણી કૉફિનની સાથે કરી
રાષ્ટ્રીય જનતા દળે ગઈ કાલે નવા સંસદભવનના આર્કિટેક્ચરની કૉફિનની સાથે સરખામણી કરી હતી. બીજેપીએ એની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં આવા જ કૉફિનમાં લોકો બિહારની આ પાર્ટીને દફનાવશે.
પીએમ દ્વારા નવા સંસદભવનનું ઉદ્ઘાટન કરવામાં આવતાં જ બિહારમાં શાસક પાર્ટીએ એક ટ્વીટમાં બાજુ-બાજુમાં એક કૉફિન અને નવું સંસદભવન બતાવ્યું હતું અને સાથે સવાલ કર્યો હતો કે ‘યે ક્યા હૈ?’
બીજેપીના બિહાર યુનિટે એ ટ્વીટના જવાબમાં લખ્યું હતું કે ‘પહેલું પિક્ચર (કૉફિનનું) તમારું ફ્યુચર છે, જ્યારે બીજું ભારતનું. સમજ્યા?’