વડા પ્રધાને દરજી કનૈયાલાલની હત્યાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે અહીં એક પણ તહેવાર શાંતિપૂર્વક મનાવી શકાતો નથી
રાજસ્થાનના ચિત્તોડગઢના સાંવલિયા સેઠ મંદિરમાં ગઈ કાલે પૂજા-અર્ચના કરતા વડા પ્રધાન
ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન અશોક ગેહલોટે રાજસ્થાનમાં તેમની સરકારની કોઈ પણ યોજના બંધ નહીં કરવાની માગ કરીને પહેલાંથી જ હાર સ્વીકારી લીધી છે. એટલે બીજેપીએ બાંયધરી આપી છે કે તેઓ કોઈ પણ યોજના બંધ નહીં કરે, પણ ફક્ત એમાં સુધારો લાવશે.’ ચિત્તોડગઢમાં આયોજીક રૅલીમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે, બીજેપી રાજ્ય પ્રમુખ સીપી જોશી, વિરોધપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડ, કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાળ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. એવી ઘણી અટકળો ચાલી રહી છે કે વસુંધરા રાજેને બીજેપી રાજસ્થાનમાં મુખ્ય પ્રધાનના ચહેરા તરીકે જાહેર કરી શકે છે.
દરજી કનૈયાલાલની ઘાતકી હત્યાના સંદર્ભમાં પીએમ મોદીએ સવાલ કર્યો કે શું લોકો આ માટે કૉન્ગ્રેસને મત આપશે?’ કેટલાક લોકો કપડાં સિવડાવવાના નામે આવ્યા તેમ જ ગળું કાપી નાખ્યું. વળી એનો વિડિયો પણ બનાવ્યો.’ ઇસ્લામની નિંદા કરવા બદલ ગયા વર્ષે ૨૮ જૂનના રોજ આ હત્યા કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. મોદીએ વધુમાં કહ્યું હતું કે ‘અહીં એક પણ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઊજવી શકાતો નથી. બીજેપી આવશે તો સમૃદ્ધિ, રોજગાર અને મહિલાઓને સલામતી આપશે.’


