કુલ ૧૩૦૦ રેલવે-સ્ટેશનોની થશે કાયાપલટ : દરેક રેલવે-સ્ટેશનને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા ઉપરાંત જે-તે ક્ષેત્રની સાંસ્કૃતિક ઝલકના નિરૂપણ થકી દરેકને યુનિક બનાવવામાં આવી રહ્યાં છે
૧૦૩ અમૃત ભારત રેલવે-સ્ટેશનોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે બિકાનેરમાં ભારતભરનાં ૧૦૩ અમૃત ભારત રેલવે-સ્ટેશનોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. એ ઉપરાંત ૨૬,૦૦૦ કરોડ રૂપિયાના ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. અમૃત ભારત સ્ટેશન પ્રોજેક્ટ અંતર્ગત કુલ ૧૩૦૦થી વધુ રેલવે-સ્ટેશનોને આધુનિક સુવિધાઓ સાથે રીડેવલપ કરવામાં આવશે. ૧૮ રાજ્યોના ૮૬ જિલ્લાઓમાંથી ૧૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલાં ૧૦૩ રીડેવલપ્ડ રેલવે-સ્ટેશનોનું લોકાર્પણ થયું હતું.

ADVERTISEMENT
અમૃત ભારત સ્ટેશન યોજના છે શું?
આ પ્રોજેક્ટમાં ભારતનાં કુલ ૧૩૦૦ રેલવે-સ્ટેશનોની કાયાપલટ થશે. સ્ટેશનોને સુંદર બનાવવા ઉપરાંત દરેક સ્ટેશન સ્થાનિક ખાસિયત મુજબ યુનિક થીમ પર બનાવવામાં આવશે. આર્ટ, કલ્ચર અને વાઇલ્ડલાઇફની ઝલક પણ એમાં જોવા મળશે. રેલવે-સ્ટેશનોને સાફસૂથરાં અને આરામદાયક બનાવવા માટે વેઇટિંગ રૂમ, વૉશરૂમ અને પૂરું પ્લૅટફૉર્મ કવર જેવી સુવિધાઓ હશે. એન્ટ્રી અને એક્ઝિટ પૉઇન્ટને આકર્ષક બનાવવા ઉપરાંત ફ્રી વાઇફાઇ અને લિફ્ટ જેવી આધુનિક સુવિધાઓ હશે. રેલવે-સ્ટેશન સુધી પહોંચવાના રસ્તાને પહોળો કરવો, પાર્કિંગની સુવિધા તેમ જ પદયાત્રીઓ માટે પેવમેન્ટવાળા માર્ગ જેવી બેઝિક ફૅસિલિટીને આવરીને સર્વાંગીણ ડેવલપમેન્ટનું આયોજન થાય છે.


