Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સોનમ વાંગચુકને હૉસ્પિટલમાં ઍડ્‌મિટ કરાવો, તેમને પરાણે લિક્વિડ ડાયટ આપો; નહીંતર બે દિવસમાં તેમનો જીવ જઈ શકે

સોનમ વાંગચુકને હૉસ્પિટલમાં ઍડ્‌મિટ કરાવો, તેમને પરાણે લિક્વિડ ડાયટ આપો; નહીંતર બે દિવસમાં તેમનો જીવ જઈ શકે

Published : 16 July, 2026 02:36 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે દિલ્હી હાઈ કોર્ટમાં ઍડ્વોકેટ રાકેશ કુમાર સૈનીએ કરેલી આવી અપીલ પર હાઈ કોર્ટે અર્જન્ટ સુનાવણી કરીને કેન્દ્ર અને દિલ્હી સરકારને આજે સવાર સુધીમાં તાત્કાલિક જવાબ આપવા કહ્યું

કૉક્રૉચ જનતા પાર્ટીના અભિજિત દીપકે અને અન્ય કાર્યકરોએ દિલ્હીના જંતરમંતર પર ભૂખહડતાળ પર ઊતરેલા પર્યાવરણવિદ સોનમ વાંગચુકને હડતાળના અઢારમા દિવસે ગ્રાઉન્ડમાં ચલાવ્યા હતા.

કૉક્રૉચ જનતા પાર્ટીના અભિજિત દીપકે અને અન્ય કાર્યકરોએ દિલ્હીના જંતરમંતર પર ભૂખહડતાળ પર ઊતરેલા પર્યાવરણવિદ સોનમ વાંગચુકને હડતાળના અઢારમા દિવસે ગ્રાઉન્ડમાં ચલાવ્યા હતા.


નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG) પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અને પેપર-લીકના વિરોધમાં દિલ્હીના જંતર-મંતર ખાતે ઉપવાસ પર બેઠેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની સ્વાસ્થ્ય-સુરક્ષા માટે દિલ્હી હાઈ કોર્ટમાં એક પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (PIL) દાખલ કરવામાં આવી છે. ઍડ્વોકેટ રાકેશ કુમાર સૈની દ્વારા દાખલ કરાયેલી આ અરજીમાં કેન્દ્ર અને દિલ્હી સરકારને તાકીદે નિર્દેશ આપવા માગણી કરાઈ છે કે ૫૯ વર્ષના સોનમ વાંગચુકને તાત્કાલિક સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવે અને તેમના જીવનની રક્ષા માટે જરૂરી પોષક તત્ત્વો ધરાવતો પ્રવાહી આહાર આપવાની વ્યવસ્થા કરવામાં આવે. કોર્ટમાં થયેલી યાચિકામાં કહેવાયું છે કે જો ભૂખહડતાળ આમ જ ચાલુ રહી તો બે દિવસમાં તેમનું મૃત્યુ થઈ શકે છે.

ગઈ કાલે કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના આંદોલનને ૨૫ દિવસ પૂર્ણ થયા છે, જ્યારે સોનમ વાંગચુકની ભૂખહડતાળનો ૧૮મો દિવસ હતો. ચીફ જસ્ટિસ ડી. કે. ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કારિયાની ખંડપીઠ સમક્ષ આ બાબત બુધવારે સુનાવણી માટે લિસ્ટ થઈ હતી, પરંતુ વકીલો કામથી અલિપ્ત રહ્યા હોવાને કારણે હવે આ મામલે ગુરુવારે સુનાવણી હાથ ધરાશે. કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને આ મામલે આજે સવાર સુધીમાં જવાબ નોંધાવવાનું કહ્યું છે.



અરજીમાં બીજું શું-શું કહેવાયું છે?
સોનમ વાંગચુકની હાલત સતત કથળી રહી છે. જો આમ જ ચાલ્યું તો આગામી બે દિવસમાં તેમનો જીવ પણ જઈ શકે છે. 
૨૮ જૂને અનિશ્ચિતકાળની ભૂખહડતાળ શરૂ થઈ એ પછીથી તેમનું ૮.૫ કિલો વજન ઘટી ગયું છે. તેમનું બ્લડપ્રેશર ઘટીને ૧૦૭/૭૦ થઈ ગયું છે. બ્લડ-શુગર લેવલ ઘટીને ૬૭ થઈ ગયું છે. 
સોનમ વાંગચુકનો જીવ બચાવવો આ સમયે બહુ મહત્ત્વનો છે. તેમની ઇચ્છા વિરુદ્ધ પણ તેમને સરકારી હૉસ્પિટલમાં ભરતી કરીને નસો અને નળી દ્વારા જરૂરી પોષક તત્ત્વો આપવાં જોઈએ. જો કંઈક થઈ જશે તો એ દેશ માટે બહુ શરમની વાત હશે.
સરકાર સોનમ વાંગચુક સાથે એવું વર્તન કરે છે જાણે તેઓ કોઈ કટ્ટર અપરાધી, આતંકવાદી કે દેશદ્રોહી હોય અને તેમના સ્વાસ્થ્યની પ્રશાસનને કોઈ ચિંતા જ નથી.


સોનમ વાંગચુકની ભૂખહડતાળના સમર્થનમાં આજે કૉક્રૉચ જનતા પાર્ટીનું સામૂહિક ઉપવાસનું આહ્‌વાન

નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG) પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અને પેપર-લીકના વિરોધમાં દિલ્હીના જંતર-મંતર ખાતે કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)નું પ્રદર્શન છેલ્લા ૨૫ દિવસથી સતત ચાલુ છે. આ આંદોલનના ભાગરૂપે સામાજિક કાર્યકર સોનમ વાંગચુક છેલ્લા ૧૮ દિવસથી આમરણાંત ભૂખહડતાળ પર બેઠા છે. વાંગચુક અને દેશના વિદ્યાર્થીઓના સમર્થનમાં CJPએ આજે એટલે કે ૧૬ જુલાઈએ એકદિવસીય સામૂહિક ભૂખહડતાળનું આહ્‌વાન કર્યું છે. પક્ષે સોશ્યલ મીડિયા દ્વારા લોકોને આ ઉપવાસમાં જોડાવા અપીલ કરી છે.


CJPના સ્થાપક અભિજિત દીપકેએ જણાવ્યું હતું કે ‘બે અઠવાડિયાં કરતાં વધુ સમયથી અન્નનો ત્યાગ કરવાના કારણે સોનમ વાંગચુકની તબિયત ઝડપથી લથડી રહી છે. ઉપવાસની શરૂઆતથી અત્યાર સુધીમાં તેમણે આશરે ૮.૫ કિલો વજન ગુમાવ્યું છે. તબિયત બગડવા છતાં વાંગચુક પોતાની માગણી પર મક્કમ છે અને તેમણે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર પ્રદર્શનકારીઓ સાથે સત્તાવાર વાતચીત શરૂ નહીં કરે ત્યાં સુધી તેઓ ઉપવાસ આટોપશે નહીં.’

દેશની અનેક હસ્તીઓ ચિંતિત

સોનમ વાંગચુકની બગડતી તબિયતને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલ, તૃણમૂલ કૉન્ગ્રેસનાં ચીફ મમતા બૅનરજી, કૉન્ગ્રેસના સંસદસભ્ય શશી થરૂર અને અનેક અગ્રણીઓએ તેમને ઉપવાસ સમાપ્ત કરવા વિનંતી કરી છે.

Whatsapp-channel Whatsapp-channel

16 July, 2026 02:36 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK