૧૫૦૦ લોકોની અટકાયત બાદ પૂછપરછ શરૂ, સેનાએ બારામુલ્લામાં બે આતંકવાદીઓને ઉડાડી દીધા, હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાના મહત્ત્વના પુરાવા એજન્સીઓને હાથ લાગ્યા, ઘટનાસ્થળેથી મળી આવ્યાં ઍડ્વાન્સ્ડ કમ્યુનિકેશન ઉપકરણો
ગઈ કાલે જમ્મુ ઍન્ડ કાશ્મીર આર્મ્ડ પોલીસ હેડક્વૉર્ટરની બહાર ભારે સુરક્ષા-બંદોબસ્ત.
આતંકવાદીઓ પાકિસ્તાનના ઑપરેટિવના સંપર્કમાં હતા, મુઝફ્ફરાબાદ અને કરાચી સેફ હાઉસ સાથે થતી હતી વાતચીત
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના મુદ્દે આર્મી અને સુરક્ષા-એજન્સીઓએ ૧૫૦૦થી વધુ લોકોને અટકાયતમાં લઈને પૂછપરછનો દોર શરૂ કરી દીધો છે ત્યારે બીજી તરફ શ્રીનગરથી સાંજે ૬ વાગ્યે પાછા ફરેલા ગૃહપ્રધાન અમિત શાહ સીધા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને કૅબિનેટ કમિટી ઑન સિક્યૉરિટી (CCS)ની બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં પાકિસ્તાન સામે લેવામાં આવનારી ઍક્શનનો પ્લાન તૈયાર કરવામાં આવે એવી શક્યતા છે. બીજી તરફ બારામુલ્લામાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઉડાડી દીધા હતા અને તેમની પાસેથી શસ્ત્રો અને અન્ય સામગ્રી જપ્ત કરી હતી.
ADVERTISEMENT
ગઈ કાલે પહલગામના બૈસરનમાં સર્ચ-ઑપરેશન કરી રહેલો જવાન.
ગઈ કાલે ખીણ પ્રદેશમાંથી જે લોકોને અટકમાં લેવાયા છે તેઓ પાકિસ્તાની આતંકવાદીઓને સ્થાનિક સ્તરે સપોર્ટ કરતા હોવાનું માનવામાં આવે છે અને તેઓ ઓવર ગ્રાઉન્ડ વર્કર (OGW) તરીકે ઓળખાય છે.
સુરક્ષા-અધિકારીઓએ એ વાતની પુષ્ટિ કરી હતી કે ઉપયોગમાં લેવામાં આવેલાં હથિયારો અને જે ચોકસાઈથી હુમલો થયો એ સૂચવે છે કે આતંકવાદીઓને દૂરથી કોઈ માર્ગદર્શન આપતું હતું અથવા કોઈ સ્લીપર સેલ દ્વારા આ કાર્યવાહી પર નજર રાખવામાં આવી રહી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓ મુઝફ્ફરાબાદ અને કરાચીના સેફ હાઉસ સાથે સંપર્કમાં હતા. આ સંદર્ભમાં સુરક્ષા-એજન્સીઓએ ડિજિટલ પુરાવા એકઠા કરવાનું શરૂ કરી દીધું છે જે દર્શાવે છે કે આ હુમલાનું કનેક્શન પાકિસ્તાન સુધી પહોંચે છે.
અમિત શાહે ગઈ કાલે આતંકવાદી અટૅકના સ્થળની મુલાકાત લીધી હાતી અને હૉસ્પિટલમાં જઈને ઘાયલ વ્યક્તિઓના ખબરઅંતર પૂછ્યા હતા.
હુમલામાં સામેલ આતંકવાદીઓ પૈકી બેની ઓળખ પાકિસ્તાની તરીકે થઈ છે અને સુરક્ષા દળોએ આ આતંકવાદીઓના ફોટોગ્રાફ પણ જાહેર કર્યા છે. આમ આ હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનું સ્પષ્ટ દેખાય છે. ખીણ પ્રદેશમાં આવાં તત્ત્વો આતંકવાદને ભડકાવવાનું કામ કરે છે. ફૉરેન્સિક એક્સપર્ટ, ઇન્ટેલિજન્સ એજન્સીઓ અને સિક્યૉરિટી દળો દ્વારા હુમલાના સ્થળે કરવામાં આવેલી જૉઇન્ટ તપાસમાં મહત્ત્વના પુરાવા હાથ લાગ્યા છે જે પાકિસ્તાન તરફ આંગળી ચીંધે છે.
ફૉરેન્સિક ઍનૅલિસિસ અને જે લોકો બચી ગયા છે તેમણે આપેલી જાણકારી દર્શાવે છે કે આતંકવાદીઓ પાસે મિલિટરી જવાનો પાસે હોય એવાં શસ્ત્રો અને ઍડ્વાન્સ્ડ કમ્યુનિકેશન ઉપકરણો હતાં, જે દર્શાવે છે કે આ હુમલો ઉચ્ચ સ્તરની ટ્રેઇનિંગ અને જબરદસ્ત પ્લાનિંગ સાથે કરવામાં આવ્યો હતો.
ભારત તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થશે એવા ડરે પાકિસ્તાને LoC પર હાઈ અલર્ટ ઘોષિત કરી છે.
LoC પર ૪૨ લૉન્ચ-પૅડ સક્રિય
પાકિસ્તાન સાથેની સરહદ પર લાઇન ઑફ કન્ટ્રોલ (LoC) પાસે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં ૪૨ આતંકવાદી લૉન્ચ-પૅડ સક્રિય હોવાનું જાણવા મળ્યું છે. આ લૉન્ચ-પૅડમાં ૧૧૦થી ૧૩૦ આતંકવાદીઓ મોજૂદ છે અને તેઓ ચાન્સ મળે તો ભારતમાં ઘૂસણખોરી કરવા તૈયાર બેઠા છે. જમ્મુ, રાજૌરી અને પૂંછમાં ૬૦થી ૬૫ આતંકવાદીઓ સક્રિય છે અને કાશ્મીર ખીણ પ્રદેશમાં ૭૦થી ૭૫ આતંકવાદીઓ સક્રિય છે.
ઉડાડી દીધેલા બે આતંકવાદીઓ પાસેથી ચૉકલેટ, પાકિસ્તાની ચલણ, શસ્ત્રો મળ્યાં
સુરક્ષા દળોએ બારામુલ્લામાં ઍન્ટિ ટેરર ઑપરેશન દરમ્યાન બે આતંકવાદીઓને ઉડાડી દીધા હતા અને તેમની પાસેથી ચૉકલેટ, સિગારેટનાં પૅકેટ, પાકિસ્તાની ચલણ અને શસ્ત્રો મળી આવ્યાં હતાં. સરહદ પાસે તેઓ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા હતા. તેમની પાસેથી બે રાઇફલ, દારૂગોળો અને કારતૂસો પણ મળી આવી હતી.
અમિત શાહે આપી શ્રદ્ધાંજલિ
પહલગામની બૈસરન ઘાટીમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ૨૬ લોકોના પાર્થિવ દેહને ગઈ કાલે સવારે શ્રીનગર લાવવામાં આવ્યા હતા અને પોલીસ કન્ટ્રોલ રૂમની બહાર આ કૉફિન મૂકવામાં આવ્યાં હતાં. ગૃહપ્રધાન અમિત શાહે આ કૉફિન પર પુષ્પચક્ર અર્પણ કરીને મૌન શ્રદ્ધાંજલિ આપી હતી અને એ સમયે વાતાવરણ ગમગીન બની ગયું હતું.

