રક્ષા મંત્રી રાજનાથ સિંહે INS વિક્રાંત દ્વારા પાકિસ્તાનને કડક સંદેશ આપતા કહ્યું કે ઑપરેશન સિંદૂર ફક્ત વૉર્મઅપ હતું. સાથે જ જણાવ્યું કે ભારતીય નૌસેનાએ પાકિસ્તાન નૌસેનાને તેના જ તટ નજીક સીમિત કરી દીધી હતી.
રાજનાથ સિંહ (તસવીર સૌજન્ય મિડ-ડે)
રક્ષા મંત્રી રાજનાથ સિંહ આઈએનએસ વિક્રાંત પર નૌસેનિકોને સંબોધિત કરતાં કહ્યું કે, "હું તમને બધાને કહેવા માગું છું કે તમે તમારી તૈયારીઓમાં કોઈ ઓછ ન રાખો. અત્યાર સુધી જે થયું તે થયું, તે તો ફક્ત વૉર્મઅપ હતું, જો પાકિસ્તાન તરફથી ફરી કોઈપણ હિંમત થઈ, તો આ વખતે નૌસેના પણ હરકતમાં આવશે અને પછી ભગવાન જાણે પાકિસ્તાનનું શું થશે. હું જાણું છું, પહલગામ બાદ તમારા બધાના મનમાં બદલાની આગ જ્વલિત થઈ હતી. તમે આને ફક્ત હુમલો નહીં, પણ દેશની ગરિમા પર વાર માન્યો. તમને બધાને મારો ફક્ત એક જ આગ્રહ છે કે તમારી તૈયારીમાં કોઈ ઢીલ ન આવવા દો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલા જ સ્પષ્ટ કહી દીધું છે કે ભારતની ધરતી પર જો કોઈ આતંકવાદી હુમલો થયો, તો અમે તેને એક્ટ ઑફ વૉર માનીશું અને તેનો જવાબ પણ એ જ ભાષામાં આપીશું."
પાકિસ્તાને હાફિઝ સઈદ અને મસૂદ અઝહરને સોંપવા જોઈએ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે INS વિક્રાંત પરથી પાકિસ્તાનને કડક સંદેશ આપતા કહ્યું કે, `હાફિઝ સઈદ `મુંબઈ હુમલા`નો દોષી છે. દરિયાઈ માર્ગે મુંબઈમાં મોતનો વરસાદ કરવાના તેના સંગઠન દ્વારા કરવામાં આવેલા ગુના માટે ન્યાય થવો જોઈએ. પાકિસ્તાનમાં આવું ન થઈ શકે. મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને તાજેતરમાં ભારત લાવવામાં આવ્યો છે. પાકિસ્તાન વારંવાર વાતચીતની ઓફર કરી રહ્યું છે. ગઈકાલે જ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે આ વાતનો પુનરોચ્ચાર કર્યો છે. પરંતુ ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે જો વાતચીત થશે તો તે આતંકવાદ પર, PoK પર થશે. જો પાકિસ્તાન વાતચીત પ્રત્યે ગંભીર છે, તો તેણે હાફિઝ સઈદ અને મસૂદ અઝહર જેવા આતંકવાદીઓને ભારતને સોંપવા જોઈએ, જેથી ન્યાય થઈ શકે. પાકિસ્તાનના પક્ષમાં રહેશે કે તે પોતાની જમીન પર ચાલી રહેલી આતંકવાદની નર્સરીને પોતાના હાથે ઉખેડી નાખે. તેણે હાફિઝ સઈદ અને મસૂદ અઝહર જેવા આતંકવાદીઓને ભારતને સોંપીને શરૂઆત કરવી જોઈએ. આ બંને ફક્ત ભારતમાં `મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ`ની યાદીમાં જ નથી, પરંતુ સંયુક્ત રાષ્ટ્રની આતંકવાદીઓની યાદીમાં પણ છે.`
ADVERTISEMENT
પાકિસ્તાન ખૂબ નસીબદાર છે...! નહિતર
સંરક્ષણ મંત્રીએ નૌકાદળના કર્મચારીઓને કહ્યું કે જે રીતે તમે આપણી દરિયાઈ સરહદોનું રક્ષણ કરો છો, જે તીવ્રતાથી તમે હિંદ મહાસાગરમાં દરેક ગતિવિધિ પર નજર રાખો છો, જો તમારી તે ક્ષમતા આ મિશનનો ભાગ હોત, તો પાકિસ્તાનનું શું થયું હોત તે કહેવાની જરૂર નથી. એક રીતે, પાકિસ્તાન ખૂબ નસીબદાર છે કે આપણી નૌકાદળે ઑપરેશન સિંદૂર દરમિયાન પોતાની શક્તિનું પ્રદર્શન ન કર્યું.
પાકિસ્તાન 4 ભાગોમાં વહેંચાઈ ગયું હોત
1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધને યાદ કરતા રાજનાથ સિંહે કહ્યું, `1971 એ હકીકતનો સાક્ષી છે કે જ્યારે ભારતીય નૌકાદળ કાર્યવાહીમાં આવ્યું ત્યારે પાકિસ્તાન એકમાંથી બે બન્યું. જો ભારતીય નૌકાદળ ઑપરેશન સિંદૂરમાં તેના સંપૂર્ણ સ્વરૂપમાં આવ્યું હોત, તો પાકિસ્તાન બે ભાગોમાં વહેંચાયું ન હોત, પરંતુ મને લાગે છે કે તે ચાર ભાગોમાં વહેંચાઈ ગયું હોત. એક રસપ્રદ વાત એ છે કે પાકિસ્તાન પણ તમારી બહાદુરીથી સારી રીતે વાકેફ છે. `પાકિસ્તાન જાણે છે કે જ્યારે ભારતીય નૌકાદળ સંપૂર્ણ તાકાતથી કામ કરે છે ત્યારે શું થાય છે.`
સંરક્ષણ મંત્રીએ કહ્યું કે આજે આપણે ગોવાના દરિયાકાંઠેથી થોડા જ અંતરે છીએ. તમે બધા જાણતા હશો કે 1961માં ગોવા સ્વતંત્રતા ઑપરેશનમાં, ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજોએ દુશ્મનના યુદ્ધ જહાજો અને તેના લશ્કરી ઠેકાણાઓ પર નિર્ણાયક ઑપરેશન કર્યું હતું. તે ઑપરેશનમાં ભારતમાંથી ગુલામીના છેલ્લા અવશેષોનો નાશ થયો હતો. તે ઑપરેશનમાં પણ, ભૂતપૂર્વ INS વિક્રાંતે ભારતીય નૌકાદળના કાફલાનું નેતૃત્વ કર્યું હતું. આજે ફરી એકવાર, INS વિક્રાંત તેના નવા અવતારમાં આતંકવાદ સામે ભારતના સંકલ્પનું નેતૃત્વ કરી રહ્યું છે.


