રાક્ષસ બનેલા ઍક્ટરે સ્ટેજ પર ડુક્કર મારીને એનું કાચું માંસ ખાધું, બે જણની ધરપકડ
પ્રતીકાત્મક તસવીર
ઓડિશાના ગંજમ જિલ્લામાં સ્ટેજ પર રામાયણ ભજવાતું હતું ત્યારે રાક્ષસની ભૂમિકા ભજવી રહેલા ૪૫ વર્ષના બિંબાધર ગૌડા નામના ઍક્ટરે સ્ટેજ પર જ એક ડુક્કરને મારી નાખીને એનું કાચું માંસ લોકો સમક્ષ ખાધું હતું. આ ઘટનાનો વિડિયો વાઇરલ થતાં પોલીસે ગૌડા અને એક આયોજકની ધરપકડ કરી છે. આ ઘટના ૨૪ નવેમ્બરે હિંજિલી પોલીસ-સ્ટેશનની હદમાં આવેલા રાલાબ ગામમાં બની હતી.
આ ઘટના વિશે પોલીસ-સ્ટેશનના અધિકારી શ્રીનિવાસ સેઠીએ જણાવ્યું હતું કે ‘રાક્ષસ બનેલા ગૌડાએ લોકોનું મનોરંજન કરવા માટે ચાકુથી ડુક્કરનું પેટ ફાડી નાખ્યું હતું અને સ્ટેજની છત પર લટકાવી દીધું હતું. ત્યાર બાદ એનાં કેટલાંક અંગ ખાધાં હતાં. એ પહેલાં સ્ટેજ પર જીવતા સાપો પણ લાવવામાં આવ્યા હતા. આ સંદર્ભે ગુનો નોંધીને ગૌડા અને એક આયોજકની ધરપકડ કરવામાં આવી છે. જીવતા સાપ લાવનારા લોકો સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.’
ADVERTISEMENT
આ ઘટનાના આખા રાજ્યમાં તીવ્ર પ્રત્યાઘાત પડ્યા છે અને વિધાનસભામાં પણ આ મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો હતો.