વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વિદ્યાર્થીઓના વિરોધ-પ્રદર્શન અને લાઠીચાર્જનો મુદ્દો ઉઠાવ્યો હતો
મલ્લિકાર્જુન ખડગે
સંસદના મૉન્સૂન સત્રના બીજા દિવસે પણ વિપક્ષોના હંગામા વચ્ચે કાર્યવાહી થઈ નહોતી અને આજ સુધી સદનને મુલતવી રાખવામાં આવ્યું હતું. પહેલા દિવસની કાર્યવાહી પણ ધોવાઈ ગઈ હતી.
બીજા દિવસે પણ વિપક્ષોએ રામ મંદિરની દાનચોરી અને પેપર-લીકના મુદ્દે હંગામો કર્યો હતો. લોકસભા શરૂ થતાં જ વિપક્ષના સભ્યો વેલમાં ધસી ગયા હતા અને સૂત્રોચ્ચાર કર્યો હતો. હંગામાને કારણે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ બે મિનિટમાં જ કાર્યવાહી સ્થગિત કરી હતી. પછી બપોરે ૧૨ વાગ્યા સુધી અને પછી બે વાગ્યા સુધી કામકાજ સ્થગિત રહ્યું હતું અને છેવટે આજ સુધી કાર્યવાહી મુલતવી રાખવામાં આવી હતી.
રાજ્યસભામાં બીજા દિવસની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વિદ્યાર્થીઓના વિરોધ-પ્રદર્શન અને લાઠીચાર્જનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાક્રિષ્નને ગૃહને બપોરે ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. પછી બપોરે બે વાગ્યા સુધી અને છેવટે આખા દિવસ માટે કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. અધ્યક્ષ દ્વારા કાર્યવાહી ચાલુ રાખવા માટે વારંવાર અપીલ કરવા છતાં વિપક્ષી સભ્યોનો હંગામો જારી રહ્યો હતો.
