LPG e-KYC Rule: તમારે હવે આધાર વેરિફિકેશન દ્વારા e-KYC કરાવવું ફરજિયાત રહેશે. પ્રાપ્ત રિપોર્ટ્સ અનુસાર આવતી ૧લી ઓક્ટોબરથી સબસિડીવાળા ગૅસ સિલિન્ડર માટે આધાર વેરિફિકેશન ફરજિયાત થઈ જવાનું છે.
પ્રતીકાત્મક તસવીર
LPG ગૅસ વાપરનારાઓ માટે મહત્ત્વના સમાચાર છે. હવે ૧લી ઓકટોબરથી સિલિન્ડરના બુકિંગના નિયમોમાં મોટા ફેરફાર થઈ જવાના છે. જો તમે ઈચ્છો છો કે રાંધણ ગૅસના સિલિન્ડર પર સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી ચાલુ રહે તો તમારે હવે આધાર વેરિફિકેશન દ્વારા e-KYC (LPG e-KYC Rule) કરાવવું ફરજિયાત રહેશે. પ્રાપ્ત રિપોર્ટ્સ અનુસાર આવતી ૧લી ઓક્ટોબરથી સબસિડીવાળા ગૅસ સિલિન્ડર માટે આધાર વેરિફિકેશન ફરજિયાત થઈ જવાનું છે. અત્યારસુધી એવું બનતું આવ્યું છે કે આ સબસિડીનો લાભ ગેરપાત્ર હોય એવી વ્યક્તિને પણ મળી જાય છે. જેને લીધે ઘણા યોગ્ય અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ આ સબસિડીનો લાભથી વંચિત રહી જાય છે. બીજું કે, કમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ કામકાજ માટે જે રીતે રાંધણ સિલિન્ડરનો ગેરઉપયોગ થઈ રહ્યો છે તેના પર અંકુશ લાવવા અને બોગસ કનેક્શન રદ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પહેલાં સરકારે આધાર વેરિફિકેશન માટે ૩૦મી જૂન સુધીની મુદ્દત આપી હતી. પછી તે લંબાવવામાં આવી હતી. પરંતુ હવે સબસિડીનો લાભ ચાલુ રાખવા ઇચ્છુક દરેક ઉપભોક્તાએ e-KYC કરાવવું ફરજિયાત રહેશે. અહીં એ પણ નોટ કરવું રહ્યું કે જે ગ્રાહકોએ ઓલરેડી e-KYC (LPG e-KYC Rule) કરી લીધું છે તો પછી તેઓએ આ પ્રક્રિયા ફેર કરવાની જરૂર નથી.
ADVERTISEMENT
કઈ કઈ રીતે કરી શકાય છે આધાર વેરિફિકેશન?
ડિલિવરી બોય પાસે: જ્યારે તમારા ઘરે ગૅસ સિલિન્ડર ડિલિવરી કરવા માટે વ્યક્તિ આવે છે ત્યારે તેની પાસે પોઈન્ટ ઓફ સેલ (POS) મશીન દ્વારા બાયોમેટ્રિક આધાર વેરિફિકેશન કરાવી શકાય છે.
ગેસ એજન્સી પાસે: કસ્ટમર્સ પોતાના ગૅસ એજન્સીની ઓફિસે જઈને પણ આધાર વેરિફિકેશન (LPG e-KYC Rule) કરાવી શકે છે.
મોબાઈલ ઍપ થકી: ઈન્ડિયન ઓઈલ વન (IndianOil One), હેલો બીપીસીએલ (Hello BPCL), અથવા એચપી પે (HP Pay) જેવી ઓફિશિયલ મોબાઈલ એપ્સનો ઉપયોગ કરીને પણ ડિજિટલ આધાર વેરિફિકેશન કરી શકાય છે.
તમને જણાવી દઈએ કે ઘરગથ્થુ LPG સિલિન્ડર (LPG e-KYC Rule) તેના પ્રોડક્શન કૉસ્ટ કરતાં પણ ઓછા રૂપિયામાં આવે છે. સપ્ટેમ્બર ૨૦૨૬માં ૧૪.૨ કિલોના LPG સિલિન્ડર પર અંદાજિત સબસિડી ૨૧૦ રૂપિયા હતી, જૂન મહિનામાં તેમાં વધારો કરવામાં આવતા તે ૭૨૧ રૂપિયા થઈ હતી. સરકારે આધાર વેરિફિકેશન માટે અગાઉ અનેક વખત મુદ્દત લંબાવી હતી, પણ હવે ૧લી ઓક્ટોબરથી તો આ નિયમો એકદમ કડક થઈ જવાના છે. આ સાથે જ કોઈપણ પ્રકારની મદદ કે મૂંઝવણ થાય તો તેના ઉકેલ માટે ટોલ-ફ્રી નંબર 1800 2333 555 આપવામાં આવ્યો છે.
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગૅસ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા અનુસાર ૧૯ સપ્ટેમ્બર સુધી દેશભરના ૨૭.૪૩ કરોડ એક્ટિવ રાંધણ ગૅસના યુઝર્સે કહેતાંકે આશરે ૮૯.૯ ટકા વપરાશકર્તાઓએ બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ કરી લીધેલ છે.
