રાહુલ ગાંધીને દિલ્હીમાં તેમનો બંગલો પાછો મળ્યો અને વધુ સમાચાર
મિડ-ડે લોગો
કલમ ૩૭૦ નાબૂદ કરવાના મામલે જનમતનો સવાલ નથી : સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ ૩૭૦ને નાબૂદ કરવાના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુનાવણી કરવામાં આવી રહી છે. અદાલતે ગઈ કાલે જણાવ્યું હતું કે આ મામલે બ્રેક્ઝિટની જેમ જનમતનો સવાલ જ નથી. ભારત બંધારણીય લોકશાહી છે કે જ્યાં સ્થાપિત સંસ્થાનો દ્વારા જ ભારતીયોની ઇચ્છા નિર્ધારિત કરી શકાય છે. યુનાઇટેડ કિંગડમ યુરોપિયન યુનિયનમાંથી નીકળી ગયું એને બ્રેક્ઝિટ નામ અપાયું હતું. ચીફ જસ્ટિસ ડી.વાય. ચન્દ્રચૂડના વડપણ હેઠળની પાંચ જજોની બેન્ચે સિનિયર ઍડ્વોકેટ કપિલ સિબલની રજૂઆતના પગલે જનમતની શક્યતા ફગાવી હતી. સિબલે દલીલ કરી હતી કે બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરવી એ બ્રેક્ઝિટ જેવો રાજકીય નિર્ણય હતો. બ્રેક્ઝિટ માટે જનમત દ્વારા બ્રિટિશ નાગરિકોનો અભિપ્રાય મેળવાયો હતો. જોકે, કલમ ૩૭૦ નાબૂદ કરવામાં આવી ત્યારે એમ નહોતું થયું. સિબલ નૅશનલ કૉન્ફરન્સના લીડર મોહમ્મદ અકબર લોન તરફથી રજૂઆત કરી રહ્યા હતા.
ADVERTISEMENT
‘ન્યુઝ ક્લિક સ્કૅમ’ : પ્રકાશ કરાત અને નેવિલ સિંઘમની ઈ-મેઇલ્સ બહાર આવી
નવી દિલ્હી : પોર્ટલ ન્યુઝ ક્લિક ચીનનો પ્રોપગૅન્ડા ચલાવે છે અને ચીનના ફન્ડિંગથી ચાલતું હોવાનું એક રિપોર્ટમાં જણાવાયા બાદ ભારતના રાજકારણમાં હંગામો મચી ગયો છે. હવે કેટલીક ઈ-મેઇલ્સને લઈને ખળભળાટ મચી ગઈ છે. આ ઈ-મેઇલ્સ અમેરિકન કરોડપતિ નેવિલ રૉય સિંઘમ, ન્યુઝ ક્લિકના એડિટર પ્રબીર પુર્કાયસ્થ, જુદા-જુદા પત્રકારો તેમ જ સીપીઆઇ (એમ)ના લીડર પ્રકાશ કરાત વચ્ચે આ ઈ-મેઇલ્સ એક્સચેન્જ થઈ છે. જેમાં ચીનના પ્રૉપગૅન્ડા વિશે વાત છે.
રાહુલ ગાંધીને દિલ્હીમાં તેમનો બંગલો પાછો મળ્યો
નવી દિલ્હી : કૉન્ગ્રેસના લીડર રાહુલ ગાંધીને સંસદસભ્યપદ ફરી હાંસલ થયાને એક દિવસ બાદ ગઈ કાલે નવી દિલ્હીમાં તેમને તેમનો બંગલો પાછો મળી ગયો છે. ઑફિશ્યલ રેસિડન્સ પાછું મળવા વિશે પૂછવામાં આવતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘મેરા ઘર પૂરા હિન્દુસ્તાન હૈ.’ રાહુલ ડિસક્વૉલિફાય થયા બાદ તેમને જે બંગલો ખાલી કરવા કહેવામાં આવ્યું હતું એ જ બંગલો તેમને ફાળવવાનો લોકસભાની ગૃહ કમિટીએ નિર્ણય કર્યો હતો. સોર્સિસ અનુસાર રાહુલને એ બંગલો ફરીથી ફાળવવામાં આવ્યો હોવાનું જણાવતો લેટર મળી ગયો છે. મોદી સરનેમ કેસમાં રાહુલને દોષી ગણાવતા ચુકાદા પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યા બાદ સ્પીકર ઓમ બિરલા દ્વારા લોકસભામાં રાહુલ ગાંધીની મેમ્બરશિપ પુનઃ સ્થાપિત કરવામાં આવી હતી.
ભારતીય મૂળના વૈભવની ટેસ્લાના ચીફ ફાઇનૅન્શિયલ ઑફિસર તરીકે નિમણૂક કરાઈ
ન્યુ યૉર્ક : ભારતીય મૂળના વૈભવ તનેજાની ટેસ્લાના નવા ચીફ ફાઇનૅન્શિયલ ઑફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ પહેલાંના ફાઇનૅન્સ ચીફ ઝાકેરી કિરહૉર્ને રાજીનામું આપવાની જાહેરાત કરી છે. ૪૫ વર્ષના વૈભવ તનેજા ટેસ્લાના ચીફ અકાઉન્ટિંગ ઑફિસર તરીકે કાર્યરત હતા. તેઓ આ પદ ઉપરાંત ચીફ ફાઇનૅન્શિયલ ઑફિસર રહેશે. વૈભવ તનેજા માર્ચ ૨૦૧૯થી ટેસ્લાના સીએઓ છે. તેઓ માર્ચ ૨૦૧૬થી સોલરસિટી કૉર્પોરેશનમાં વિવિધ ફાઇનૅન્સ અને અકાઉન્ટિંગ પોઝિશન્સ પર રહ્યા હતા. સોલરસિટી કૉર્પોરેશનને ટેસ્લા દ્વારા ૨૦૧૬માં હસ્તગત કરવામાં આવી હતી.


