NTAએ સોશ્યલ મીડિયા પર પરીક્ષાનું પેપર લીક થયાનું માન્યા બાદ CBIએ કોર્ટને સુપરત કરેલા રિપોર્ટમાં કહ્યું કે જે પેપર લીક થયું હતું એ એક્ઝામ-સેન્ટર સુધી જ સીમિત હતું : ગઈ કાલે મોકૂફ રહેલી સુનાવણી હવે આવતા ગુરુવારે
ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી ત્યારે બહાર સ્ટુડન્ટ્સ શું ચુકાદો આવે છે એના ઇન્તેજારમાં ઊભા હતા.
નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવતી નૅશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડર ગ્રૅજ્યુએટ્સ (NEET-UG)ની પરીક્ષામાં આચરવામાં આવેલી ગેરરીતિના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી યાચિકાઓની ગઈ કાલની સુનાવણી ૧૮ જુલાઈ પર મુલતવી રાખવામાં આવી છે.
ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાના વડપણ હેઠળની બેન્ચ પરીક્ષામાં થયેલી ગેરરીતિઓને લીધે ફેરપરીક્ષા કરાવવી જોઈએ કે નહીં એના સહિત વિવિધ મુદ્દાઓ પર પોતાનો ચુકાદો આપવાની છે. કોર્ટના આદેશ મુજબ NTA અને કેન્દ્ર સરકારે કોર્ટમાં સોગંદનામું દાખલ કરી દીધું છે જેમાં એણે ફેરપરીક્ષાની જરૂર ન હોવાનું કહ્યું છે. જ્યારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ બંધ કવરમાં સુપરત કરેલા પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે સોશ્યલ મીડિયા પર પરીક્ષાનું પેપર લીક નથી થયું અને એ એક્ઝામ-સેન્ટર્સ સુધી જ સીમિત હતું.
ADVERTISEMENT
નવાઈની વાત એ છે કે આ પહેલાંની સુનાવણી વખતે NTAએ કોર્ટ સમક્ષ માન્યું હતું કે સોશ્યલ મીડિયા પર પેપર લીક થયું હતું. આ જ સંદર્ભમાં બિહાર અને ગુજરાતમાં અત્યાર સુધી ધરપકડ પણ કરવામાં આવી હતી.
અમુક પિટિશનરોને NTA અને કેન્દ્ર સરકારે દાખલ કરેલા ઍફિડેવિટની કૉપી મળી ન હોવાથી ગઈ કાલની સુનાવણી મોકૂફ રાખી હતી. ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ આજે સુનાવણી રાખવા માગતા હતા, પણ સૉલિસિટર જનરલ બિઝી હોવાથી આગામી સુનાવણી આવતા ગુરુવાર પર મુલતવી રાખવામાં આવી છે.
CBIએ પેપર-લીકના મુખ્ય આરોપીઓમાંના એકની ઝારખંડથી ધરપકડ કરી
NEET-UGની પરીક્ષાના પેપર-લીકના મામલામાં CBIએ ગઈ કાલે મુખ્ય આરોપીઓમાંના એક રાકેશ રંજન ઉર્ફે રૉકીની ઝારખંડના ધનબાદથી ધરપકડ કરી હતી. રૉકી આ કેસના માસ્ટરમાઇન્ડ સંજીવ મુખિયાનો સંબંધી છે. તે છેલ્લા થોડા સમયથી ભાગતો ફરતો હતો.


