રક્ષા મંત્રાલયે ગુરુવારે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને આ બાબતે વિસ્તૃત માહિતી આપી હતી અને સમજાવ્યું હતું કે આપણાં બાળકો નવા હીરોઝ વિશે જાણે એ કેમ જરૂરી છે.
મોહમ્મદ ઉસ્માન, સૅમ માણેકશૉન, મેજર સોમનાથ શર્મા
નૅશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશન રિસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગ (NCERT) દ્વારા અભ્યાસક્રમમાં ત્રણ વીર સૈનિકોની જીવનકથા અને બલિદાનની કહાણી ભણવા મળશે. આ ત્રણ રિયલ હીરો છે ફીલ્ડ-માર્શલ સૅમ માણેકશૉ, બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માન અને મેજર સોમનાથ શર્મા. રક્ષા મંત્રાલયે ગુરુવારે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને આ બાબતે વિસ્તૃત માહિતી આપી હતી અને સમજાવ્યું હતું કે આપણાં બાળકો નવા હીરોઝ વિશે જાણે એ કેમ જરૂરી છે.
રક્ષા મંત્રાલયે જાહેર કર્યું હતું કે ફીલ્ડ-માર્શલ માણેકશૉ અને મેજર સોમનાથની કહાણી આઠમા ધોરણમાં અને બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માનની કહાણી સાતમા ધોરણમાં સામેલ કરવામાં આવશે. એનાથી બાળકોને સૈનિકોની વીરતા અને ત્યાગભાવનામાંથી પ્રેરણા મળે.
ADVERTISEMENT
કોણ હતા આ વીરો?
ફીલ્ડ-માર્શલ સૅમ માણેકશૉને લોકો સૅમ બહાદુર તરીકે પણ ઓળખે છે. તેઓ દેશના પહેલા ફીલ્ડ-માર્શલ હતા જે ૧૯૭૩માં આ રૅન્ક સુધી પહોંચ્યા હતા. તેમણે ૧૯૭૧માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી જેમાં ૯૩,૦૦૦ પાકિસ્તાની સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હતું.
બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માન ભારતના એ મુસ્લિમ સૈનિકોમાંના એક હતા જેઓ ૧૯૪૮માં જંગના મેદાનમાં શહીદ થઈ ગયા હતા. તેમણે જમ્મુ-કાશ્મીરમાં ઝંગરને દુશ્મનો પાસેથી પાછું લેવાની કસમ ખાધી હતી અને એ માટે જીવ આપી દીધો હતો.
મેજર સોમનાથ શર્મા દેશના પહેલા પરમવીર ચક્ર વિજેતા હતા જેમણે શ્રીનગર ઍરપોર્ટની સુરક્ષા માટે દુશ્મનો સામે બાથ ભીડી હતી.


