મધ્ય પ્રદેશની એક કૉન્વેન્ટ સ્કૂલમાં ભણાવ્યા હિન્દુ વિદ્યાર્થીઓને મદરેસાના પાઠ્યપુસ્તકમાંથી
બાળકોના પાઠ્યપુસ્તકમાં ઇસ્લામિક પ્રતીકો જોઈને રોષે ભરાયેલા વાલીઓ પોલીસ સાથે સ્કૂલમાં ધસી આવ્યા હતા.
મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લાની એક કૉન્વેન્ટ સ્કૂલમાં સરકારી માર્ગદર્શિકાની વિરુદ્ધ અને પરંપરાગત શિક્ષણથી દૂર નર્સરીનાં બાળકોને ઇસ્લામિક શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું. આ વાત બહાર આવતાંની સાથે જ વાલીઓ અને હિન્દુ સંગઠનોએ સ્કૂલ સામે હોબાળો મચાવ્યો હતો. શિક્ષણ વિભાગે આ મામલે તપાસ કરવાના આદેશ આપ્યા છે.
સ્કૂલ દ્વારા શીખવવામાં આવતી ABCDમાં K ફૉર કાબા, M ફૉર મસ્જિદ અને N ફૉર નમાજ એવા શબ્દો શીખવવામાં આવી રહ્યા હતા. સ્ત્રી માટે ઔરત શીખવવામાં આવી રહ્યું હતું જેમાં W for Womanમાં હિજાબ પહેરેલી મહિલાનો ફોટો છે, K for Kaabaમાં મક્કાના કાબાનો ફોટો છે, N for Namazમાં નમાજ પઢતી વ્યક્તિનો ફોટો છે. એક છોકરીના કાકાએ તેને ઘરે આ બધું વાંચતી જોઈ ત્યારે આ માહિતી બહાર આવી હતી.
ADVERTISEMENT
વિશ્વ હિન્દુ પરિષદ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના લોકો સ્કૂલમાં પહોંચ્યા હતા અને મૅનેજમેન્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને હંગામો મચાવ્યો હતો. પોલીસે પહોંચીને મામલો સંભાળ્યો હતો અને બાળકોને વહેંચવામાં આવેલું ઇસ્લામિક સાહિત્ય જપ્ત કર્યું હતું.
રાયસેનના જિલ્લા શિક્ષણ અધિકારી ડી. ડી. રજકે મીડિયાને માહિતી આપતાં કહ્યું હતું કે ‘આ મામલો ગંભીર છે. સરકારી માર્ગદર્શિકા મુજબ શાળામાં આવી સામગ્રીનો ઉપયોગ કરી શકાતો નથી. આ મામલે તપાસ ચાલી રહી છે. આમાં જે પણ દોષી જણાશે તેની સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે.’


