બધા શનિ-રવિ રજાની માગણી, સોમથી શુક્ર ૪૦ મિનિટ વધુ કામ કરવાની ઑફર
આરબીઆઈ
યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ (UFBU)ની છત્રછાયા હેઠળ બૅન્ક-કર્મચારીઓનાં યુનિયનોએ પાંચ દિવસના અઠવાડિયાની માગણી સાથે ૨૭ જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. ઑલ ઇન્ડિયા બૅન્ક ઑફિસર્સ કૉન્ફેડરેશન (AIBOC)એ જણાવ્યું હતું કે માર્ચ ૨૦૨૪માં ભારતીય બૅન્ક્સ અસોસિએશન (IBA) અને બૅન્કનાં યુનિયનો વચ્ચે થયેલા વેતન સુધારણા સમાધાન દરમ્યાન પહેલેથી જ સંમત થયેલી માગણી પર સરકાર તરફથી કોઈ પ્રતિભાવ ન મળવાને કારણે હડતાળનું એલાન આપવામાં આવ્યું છે.
શું માગણી છે?
ADVERTISEMENT
યુનિયનો બૅન્કો માટે પાંચ દિવસના અઠવાડિયાની રજૂઆતની માગણી કરી રહ્યાં છે, જેમાં અન્ય નાણાકીય અને સરકારી સંસ્થાઓની જેમ શનિવારની રજા હોય. હાલમાં બૅન્ક-કર્મચારીઓ ફક્ત બીજા અને ચોથા શનિવારે જ રજા લે છે. યુનિયનોના મતે અગાઉના સમાધાનના ભાગરૂપે બાકીના બે શનિવારને રજા જાહેર કરવાના હતા, પરંતુ નિર્ણય હજી સુધી અમલમાં મુકાયો નથી.
રોજ ૪૦ મિનિટ વધારે કામ કરશે UFBUએ જણાવ્યું હતું કે બૅન્ક-કર્મચારીઓએ સોમવારથી શુક્રવાર સુધી દરરોજ ૪૦ મિનિટ વધારે કામ કરવાની સંમતિ આપી દીધી છે જેથી કોઈ પણ પ્રકારના કલાકોનો બગાડ થવાનો નથી. યુનિયનોનો દાવો છે કે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI), લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન (LIC), જનરલ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન (GIC), સ્ટૉક એક્સચેન્જ, મની માર્કેટ અને કેન્દ્ર અને રાજ્ય સરકારની કચેરીઓ જેવી સંસ્થાઓ પહેલેથી જ પાંચ દિવસના સમયપત્રકનું પાલન કરે છે.


