બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં મુકેશ અંબાણીને ૪૭,૧૯૫ કરોડ રૂપિયાનો ફટકો : બિઝનેસ અપડેટની નિરાશામાં HDFC બૅન્ક ૩ મહિનાના તળિયે જઈને દોઢ ટકા ડાઉન : ગૅબિયન ટેક્નૉલૉજીઝનો SME IPO પ્રથમ દિવસે જ ૪૬ ગણો છલકાયો : હિન્દુસ્તાન કૉપર ૧૬ વર્ષની નવી નીચે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કી હાઇલાઇટ્સ
- નબળા પરિણામની આશંકામાં તાતાની ટ્રેન્ટ સાડાઆઠ ટકા કે ૩૮૨ રૂપિયા ડૂલ
- નાલ્કો, હિન્દાલ્કો વેદાન્તા, તાતા સ્ટીલમાં નવી ટૉપ
- કાયનેસ ટેક્નૉલૉજીઝ ૩ મહિનામાં ૭૭૦૫ની ટોચથી ૩૭૯૦ રૂપિયાના તળિયે
વેનેઝુએલાનો તેલભંડાર કબજે કર્યા પછી ટ્રમ્પનો હવે પછીનો શિકાર કોલંબિયા અને ક્યુબા બનશે એમ કહેવાય છે. વેનેઝુએલિયન એપિસોડ પછી વિશ્વબજારમાં ક્રૂડ, સોનું-ચાંદી, પ્લેટિનમ, ઇન્ડસ્ટ્રિયલ મેટલ અને અફકોર્સ, શૅરબજાર સઘળું વધવા માંડ્યું છે. એશિયન બજારો આજકાલ નવા વર્ષારંભે ક્યારેય ન જોઈ હોય એવી સ્ટ્રૉન્ગ રૅલીમાં મ્હાલી રહ્યા છે. મંગળવારે સાઉથ કોરિયા, ચાઇના, તાઇવાન દોઢ ટકો તથા સિંગાપોર એક ટકો વધીને નવા શિખરે બંધ થયા છે. હૉન્ગકૉન્ગ સવા ટકા, જપાન એક ટકાથી વધુ તો ઇન્ડોનેશિયા પોણો ટકો પ્લસ હતું. એકમાત્ર થાઇલૅન્ડ અડધો ટકો નરમ પડ્યું છે. પાકિસ્તાની શૅરબજાર આગઝરતી તેજીમાં ૧,૮૫,૪૮૧ની નવી લાઇફટાઇમ હાઈ બતાવી રનિંગમાં ૩૦૪૫ પૉઇન્ટની આગેકૂચમાં ૧,૮૫,૪૫૩ દેખાયું છે. યુરોપ પણ રનિંગમાં બહુધા અડધા ટકા આસપાસ ઉપર ચાલતું હતું. લંડન ફુત્સી પાંચ આંકડે, ૧૦,૦૦૦ ઉપરના બેસ્ટ લેવલે પહોંચી ગયો છે. જર્મન ડેક્સ પણ નવા શિખર સાથે ૨૫,૦૦૦ ભણી સરક્યો છે. બિટકૉઇન ૯૪,૦૦૦ ડૉલર વટાવ્યા બાદ સાધારણ ઘટાડામાં ૯૩,૪૯૬ ડૉલર હતો. કૉમેક્સ ગોલ્ડ અડધો ટકો વધીને ૪૪૭૩ ડૉલર તથા હાજર સોનું સામાન્ય સુધારે ૪૪૫૨ ડૉલર વટાવી ગયું છે.
સિલ્વર હાજર અને વાયદો બે ટકા વધુ ઊચકાતાં ભાવ ૭૮ ડૉલરની પાર થયો છે. લંડન ધાતુ બજાર ખાતે વાયદામાં ટીન પાંચ ટકા, કોપર સવાચાર ટકા, ઍલ્યુમિનિયમ અને ઝિંક સવાબે ટકા વધી છે. બ્રૅન્ટક્રૂડ સુધરીને ૬૨ ડૉલર પાર થયું છે. એકસાથે બધું વધતું હોય એવો વિચિત્ર સમય અત્યારે ચાલી રહ્યો છે.
ADVERTISEMENT
વિશ્વગુરુની હાલત આનાથી થોડીક વિપરીત કે અલગ છે. સેન્સેક્સ આગલા બંધથી ૧૦૮ પૉઇન્ટ નરમ ૮૫,૩૩૧ ખૂલી છેવટે ૩૭૬ પૉઇન્ટ ઘટી ૮૫,૦૬૩ તથા નિફ્ટી ૭૨ પૉઇન્ટની નરમાઈમાં ૨૬,૧૭૯ ગઈ કાલે બંધ થયો છે આરંભથી અંત સુધી ઢીલા બજારમાં શૅરઆંક ઉપરમાં ૮૫,૩૯૮ તથા નીચામાં ૮૪,૯૦૦ દેખાયો હતો. કમજોર માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૨૦૦ શૅર સામે ૧૯૦૨ જાતો ઘટી છે. માર્કેટકૅપ વધુ ૧.૨૧ લાખ કરોડ રૂપિયાના ઘટાડામાં ૪૭૯.૫૯ લાખ કરોડ થયું છે. મોટા ભાગનાં સેક્ટોરલ પ્લસમાં હતાં. મેટલ, પીએસયુ બૅન્ક નિફ્ટી, ફાઇનૅન્સ ઇન્ડેક્સમાં નવી ટૉપ બની છે. હેલ્થકૅર ઇન્ડેક્સ ૧.૪ ટકા, નિફ્ટી ફાર્મા ૧.૭ ટકા, નિફ્ટી આઇટી-નિફ્ટી ફાઇનૅન્સ અને પીએસયુ બૅન્ક નિફ્ટી અડધો ટકો પ્લસ હતા. સામે નિફ્ટી મીડિયા એક ટકા, એનર્જી ૧.૭ ટકા, ઑઇલ-ગૅસ સવા ટકા, કૅપિટલ ગુડ્સ ૦.૬ ટકા ઘટ્યો છે. બૅન્ક નિફ્ટી ૭૪ પૉઇન્ટ સુધર્યો છે પણ એના ૧૪માંથી ૭ શૅર નરમ હતા.
અપોલો હૉસ્પિટલ્સ ૩.૭ ટકા ઊછળીને ૭૩૪૮ બંધમાં નિફ્ટી ખાતે ઝળક્યો છે. ICICI બૅન્ક સવાબે ગણા વૉલ્યુમે ૨.૯ ટકા વધીને ૧૪૧૧ બંધમાં સેન્સેક્સ ખાતે ટૉપ ગેઇનર બની બજારને ૨૩૭ પૉઇન્ટ ફળી છે. સ્ટેટ બૅન્ક ૧૦૨૪ના શિખરે જઈ ૧.૩ ટકા વધીને ૧૦૧૯ રહી છે. બિઝનેસ અપડેટના વસવસામાં HDFC બૅન્ક ૩ મહિનાના તળિયે ૯૫૫ દેખાડી દોઢ ટકો ઘટી ૯૬૨ બંધમાં બજારને ૧૯૭ પૉઇન્ટ ભારે પડી છે. તાતાની ટ્રેન્ટ સાડાત્રણ ગણા કામકાજે નબળા પરિણામની ભીતિમાં ૩૯૯૦ થઈને ૮.૬ ટકા કે ૩૮૨ રૂપિયા તૂટી ૪૦૪૭ બંધમાં બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર બની હતી. મેક્વાયરે ITCમાં ૩૩૦ની ટાર્ગેટ પ્રાઇસથી બૅરિશ વ્યુ આપતાં ભાવ ૩૩૮ નીચે ૩ વર્ષના નવા તળિયે જઈને બે ટકા ઘટીને ૩૪૨ રહ્યો છે. કોટક બૅન્ક બે ટકા, ઇન્ડિગો ૧.૮ ટકા, અદાણી પોર્ટસ ૧.૧ ટકા ડાઉન હતી. સામે સનફાર્મા ૧.૭ ટકા, હિન્દુ. યુનિલિવર દોઢ ટકા, TCS સવા ટકો, એશિયન પેઇન્ટ્સ એક ટકા, HDFC લાઇફ ૨.૪ ટકા, તાતા કન્ઝ્યુમર ૨.૪ ટકા વધી છે. ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ નવ ગણા વૉલ્યુમે સવાનવ ટકા ઊછળીને ૧૪૬ના બંધમાં એ-ગ્રુપમાં ઝળકી છે. ક્રિસિલ ૧૦ ગણા કામકાજે ૫.૪ ટકા કે ૨૩૯નો જમ્પ મારી ૪૬૮૧ થઈ છે.
રિલાયન્સ બજારને ૩૯૯ પૉઇન્ટ, રોકાણકારોને ૯૪,૩૮૯ કરોડ રૂપિયા નડી
વેનેઝુએલા ઉપર અમેરિકન અટૅક અને પરોક્ષ કબજા પછી અમેરિકાના આ પગલાથી ભારત તેમ જ રિલાયન્સ ફાયદામાં રહેવાની વાર્તા દમ વગરની પુરવાર થઈ રહી છે. આવા પ્રપંચી પ્રચારમાં સોમવારે રિલાયન્સ ૧૬૧૧ની સર્વોચ્ચ સપાટી બતાવી ત્યાંથી ઝડપી ઘટાડામાં ૧૫૭૫ થઈ એક ટકાના ઘટાડે ૧૫૭૭ બંધ રહી હતી. વળતા દિવસે આ શૅર બમણા વૉલ્યુમે નીચામાં ૧૪૯૭ થઈ ૪.૪ ટકા તૂટી ૧૫૦૮ બંધ થતાં બજારને ૩૯૯ પૉઇન્ટ અને રોકાણકારોને ૯૪,૩૮૯ કરોડ રૂપિયાનો માર પડ્યો છે. રિલાયન્સની જામનગર રિફાઇનરી ખાતે કુલ બાવીસ લાખ બેરલ રશિયન ક્રૂડ ભરેલાં ૩ જહાજ લોડ થયા હોવાના બ્લૂમબર્ગના અહેવાલને કંપની તરફથી સ્પષ્ટ રદિયો અપાયો હોવા છતાં એની ધારી અસર દેખાઈ નથી. ટ્રમ્પની કેવી ધાક છે એનો આ પુરાવો છે.
રિલાયન્સના ભારમાં સેન્સેક્સ ઉપરાંત ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ગઈ કાલે સવા ટકા તથા એનર્જી બેન્ચમાર્ક ૧.૭ ટકા ખરડાયો હતો. ઑઇલ અને એનર્જી સેક્ટરમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ સવાબે ટકા, ભારત પેટ્રોલિયમ પોણાબે ટકા, ગેઇલ બે ટકા, ઇન્ડિયન ઑઇલ પોણો ટકો, અદાણી ટોટલ સવા ટકો, મહાનગર ગૅસ ૪.૨ ટકા, MRPL પોણો ટકો, દીપ ઇન્ડ. ૨.૯ ટકા, ચેન્નઇ પેટ્રો ૦.૯ ટકા ડૂલ થઈ છે. આગલા દિવસે ઝમકમાં રહેલી ગાંધાર ઑઇલ ઉપરમાં ૧૭૯ થઈને સાડાત્રણ ટકાની આગેકૂચમાં ૧૭૩ થઇ છે. પેટ્રોનેટ અઢી ટકા, ONGC દોઢ ટકા, ઑઇલ ઇન્ડિયા દોઢ ટકા, જિંદલ ડ્રિલિંગ સવાબે ટકા સુધરી હતી.
ઑટો ઇન્ડેક્સ ગઈ કાલે ૮૨ પૉઇન્ટ નજીવો પ્લસ હતો, પણ બજાજ ઑટો ૯૭૮૨ની ઐતિહાસિક ટૉપ દેખાડી ૧.૭ ટકા વધીને ૯૬૬૪ થઈ છે. આઇશર ૭૫૬૯ના બેસ્ટ લેવલે જઈને સામાન્ય સુધારે ૭૫૦૯ તો મારુતિ સુઝુકી પોણો ટકો વધીને ૧૭,૨૯૭ હતી. ટીવીએસ મોટર્સ નજીવી પ્લસ થઈ છે. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૩૪માંથી ૨૬ શૅરની બૂરાઈમાં ૦.૬ ટકા કે ૪૩૧ પૉઇન્ટ કપાયો છે. ક્યુમિન્સ ઇન્ડિયા ૪.૨ ટકા કે ૧૭૯ રૂપિયા ઘટી અહીં ૧૮૦ પૉઇન્ટ નડી હતી. કાયનેસ ટેક્નૉલૉજી મંદીની ચાલમાં ૩૭૧૦નું નવું ઐતિહાસિક બૉટમ બતાવી ૫.૨ ટકા કે ૨૦૮ રૂપિયાના ધબડકામાં ૩૭૯૦ થઈ છે. ત્રણેક મહિના પહેલાં આ શૅર ૭૭૦૫ની ટોચે હતો. લાર્સન સાધારણ ઘટીને ૪૧૩૩ હતી. અહીં ભેલ, બેલ, મઝગાંવ ડોક, કોચિન શિપયાર્ડ, હિન્દુસ્તાન ઍરોનોટિક્સ, સીજી પાવર, ડેટા પૅટર્ન, આઇનૉક્સ વિન્ડ, વારિ એનર્જી, એલ્જી ઇક્વિપમેન્ટસ, ઝેન ટેક્નૉલૉજીઝ ઇત્યાદિ એક ટકાથી માંડીને સાડાત્રણ ટકા ડૂલ થયા છે.
સારા રિઝલ્ટમાં જીએમ બ્રુઅરીઝ નવું શિખર બતાવીને ગગડી
તાજેતરમાં એક શૅરદીઠ ૪ બોનસમાં બોનસ બાદ થયેલી અમદાવાદી કંપની એ-વન લિમિટેડ હવે ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં ગુરુવારે એક્સ સ્પ્લિટ થવાની છે. શૅર પાંચ ટકાની નીચલી સર્કિટની હૅટ-ટ્રિકમાં સોમવારે ૪૩૫ બંધ થયા પછી ગઈ કાલે પણ પાંચ ટકા તૂટી ૪૫૭ થયો છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલી પુણેની KSH ઇન્ટરનૅશનલે બીજા ત્રિમાસિક ગાળામાં ૫૦.૭ ટકા વધારામાં ૭૧૨ કરોડની આવક તથા ૧૨૯ ટકા વધારામાં ૨૯૬૦ લાખ નેટનફો બતાવ્યો છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૪૦૨ થઈને સવાત્રણ ટકા વધી ૩૭૭ બંધ હતો. કંપની પાંચના શૅરદીઠ ૩૮૪ના ભાવે ૬૨૬ કરોડનો ઇશ્યુ લાવી હતી. ઇશ્યુ માત્ર ૮૭ ટકા જ ભરાતાં OFS પોર્શન કટ કરી ભરણાને પાર લગાડવાની ફરજ પડી હતી.
સરકારની ૬૧.૮ ટકા માલિકીની NBCC ઇન્ડિયાને કુલ ૧૩૪ કરોડના બે ઑર્ડર મળ્યા છે. શૅર ગઈ કાલે ૧૨૦ વટાવી એક ટકો ઘટી ૧૧૮ હતો. તાતા મોટર્સ પૅસેન્જરની વિદેશી સબસિડી જૅગ્વાર લૅન્ડ રોવરનું ડિસેમ્બર ક્વૉર્ટરનું વેચાણ સાઇબર અટૅકની અસરમાં હોલસેલ લેવલે ૪૩ ટકા તથા રીટેલ લેવલે પચીસ ટકા ઘટ્યું છે. મતલબ કે તાતા મોટર્સ પૅસેન્જર તરફથી આ વખતે થર્ડ ક્વૉર્ટરના જે કૉન્સોલિડેટેડ રિઝલ્ટ આવશે એ અવશ્ય ખરાબ હશે. તાતા મોટર્સ પૅસેન્જરનો શૅર નીચામાં ગઈ કાલે ૩૬૦ થઈ સવા ટકો ઘટીને ૩૬૯ રહ્યા છે. બાય ધ વે, તાતા મોટર્સ ૪૩૯ જેવો થઈને દોઢ ટકો વધીને ૪૩૨ હતી. મુંબઈની જીએમ બ્રુઅરીઝે બાવીસ ટકા વધારામાં ૨૦૨ કરોડની આવક ઉપર ૯૧ ટકા વૃદ્ધિદરથી ૪૨ કરોડનો ત્રિમાસિક નફો દર્શાવતાં શૅર ૧૩૨૮ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હેવી પ્રૉફિટ બુકિંગમાં ૮ ગણા કામકાજે નીચામાં ૧૧૭૨ થઈ ૪.૩ ટકા ગગડી ૧૧૯૪ બંધ થયો છે.
લંડન ધાતુ બજારમાં કૉપર ૧૩,૦૦૦ ડૉલરની નવી ટૉપ આંબી જતાં ઘરઆંગણે હિન્દુસ્તાન કૉપર ૫૭૪ની ફેબ્રુઆરી ૨૦૧૦ પછીની ટૉપ હાંસલ કરી ૨.૩ ટકા વધીને ૫૬૫ થયો છે.
ઍલ્યુમિનિયમમાં તેજી પાછળ નાલ્કો ૩૫૨ની લાઇફટાઇમ હાઈ બતાવી ૪.૮ ટકાની આગેકૂચમાં ૩૪૭ હતી. હિન્દાલ્કો ૯૭૧ ભણી સરકી નવા શિખર સાથે સવા ટકો વધીને ૯૪૨ રહી છે. વેદાન્તા ૬૨૮ની ઑલટાઇમ હાઈ દેખાડી એક ટકો સુધરી ૬૨૧ હતી. ચાંદીમાં વિશ્વસ્તરે બાઉન્સ બૅક આવતાં હિન્દુસ્તાન ઝિન્ક ૬૪૯ વટાવી સવાબે ટકા વધીને ૬૪૩ થઈ છે. મેટલ ઇન્ડેક્સ ઑલટાઇમ હાઈનો શિરસ્તો જાળવી રાખતાં ૩૮,૪૦૨ થઈ ૧૦૩ પૉઇન્ટ વધી ૩૭,૯૭૯ બંધ રહ્યો છે. NSEનો મેટલ બેન્ચમાર્ક પણ ૧૫માંથી ૬ શૅરના સથવારે ૧૧,૬૫૨ના બેસ્ટ લેવલે જઈને ૦.૩ ટકા વધી ૧૧,૫૨૪ હતો. તાતા સ્ટીલ બુલ-રનમાં ૧૮૮ નજીક વિક્રમી સપાટી મેળવી સાધારણ વધી ૧૮૬ બંધ આવ્યો છે. સેઇલ ૧૫૩ની નવી ટૉપ હાંસલ કરી ૩ ટકા ઘટીને ૧૪૬ હતી. મિનરલ્સ કંપની ગોવા કાર્બન ૪.૬ ટકા ઊંચકાઈ ૪૩૫ તથા મોઇલ ૩.૬ ટકાની મજબૂતીમાં ૩૮૦ હતી. કુદ્રમુખ આયર્ન ૪.૨ ટકા વધી ૪૦૩ રહી છે.
આજે બે ભરણાં, વિક્ટરીમાં રોકાણ કરતાં ટુનવાલ ઈ-મોટર્સ જોઈ લેજો
આજે SME સેગમેન્ટમાં બે ભરણાં છે. કલકત્તા ખાતેની યજુર ફાઇબર્સ ૧૦ના શૅરદીઠ ૧૭૪ની અપરબૅન્ડમાં ૧૨,૦૪૧ લાખ રૂપિયાનો ખાસ્સો મોટો BSE SME ઇશ્યુ આજે કરવાની છે. ૧૯૮૦માં સ્થપાયેલી આ કંપની ફ્લેક્સ યાર્ન, જૂટ યાર્ન, કૉટનાઇઝડ્ ફ્લેક્સ/જૂટ ફાઇબર તથા હેમ્પ ફાઇબર બનાવે છે. કંપનીએ ગયા વર્ષે ૬૭ ટકા વધારામાં ૧૪૨ કરોડની આવક ઉપર ૧૭૨ ટકા વૃદ્ધિદરથી ૧૧૬૮ લાખ નેટ નફો કર્યો છે. ચાલુ વર્ષના નવેમ્બરના અંતે ૮ મહિનામાં આવક ૭૦ કરોડ અને ચોખ્ખો નફો ૭૧૨ લાખ થયો છે. કંપનીનું દેવું માર્ચ ૨૦૨૪ના અંતે ૨૬૧૭ લાખ હતું એ ૧૫૩ ટકા વધીને ગયા વર્ષાન્તે ૬૬૧૮ લાખ થયા એ પછીના ૮ મહિનામાં ઓર વધી ૭૩૫૯ લાખ થઈ ગયું છે. ઇશ્યુ બાદ ૧૫૭૬ લાખની ઇક્વિટી વધી ૨૨૬૮ લાખ થશે. છેલ્લાં ૩ વર્ષની ઍવરેજ EPS સવાપાંચ રૂપિયા પ્લસની છે. ગયા વર્ષની કમાણી પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૩૩.૮ની તથા ચાલુ વર્ષના પ્રથમ ૮ મહિનાની કમાણી ઍન્યુલાઇઝડ કરતાં ઇશ્યુ પ્રાઇસ ૩૭ જેવો ઊંચો પીઈ બતાવે છે. ૧૨૦ કરોડ પ્લસના આ SME ઇશ્યુમાં QIB પોર્શન માંડ એક ટકા છે, રીટેલ પોર્શન ૬૫.૮ ટકા છે. લગભગ ફર્મ અલોટમેન્ટ આવશે એમ લાગે છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી.
બીજી કંપની નવી દિલ્હી ખાતેની વિક્ટરી ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ઇન્ટરનૅશનલ પાંચના શૅરદીઠ ૪૧ના ભાવથી ૩૪૫૬ લાખ (આશરે ૩૫ કરોડ) રૂપિયાનો NSE SME ઇશ્યુ આજે લાવશે. ૨૦૧૮માં સ્થપાયેલી આ કંપની ઇલેક્ટ્રિક વ્હીકલ્સ બનાવીને વેચે છે. ગયા વર્ષે ૨.૭ ટકા વધારામાં ૫૧૦૬ કરોડની આવક ઉપર પોણાછ ટકા વધારામાં ૫૧૭ લાખ નફો કર્યો છે. પ્રથમ છ મહિનામાં ચાલુ વર્ષ આવક ૧૬૯૦ લાખ અને નફો ૧૬૨ લાખ થયો છે. ઇશ્યુ બાદ ઇક્વિટી ૧૨૦૫ લાખ થશે. કંપનીએ હવે ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સ કે ઑટોરિક્ષા બનાવવાનું શરૂ કરેલું છે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર ૧.૬૭ રૂપિયાની છે. આવી જ એક કંપની પુણેની ટુનવાલ ઈ-મોટર્સ મિડ-જુલાઈ ૨૦૨૪માં બેના શૅરદીઠ ૫૯ની ઇશ્યુ પ્રાઇસથી ૧૧૬ કરોડનો NSE SME ઇશ્યુ લાવી હતી. જોકે એનો બિઝનેસ વિક્ટરી કરતાં ઘણો મોટો હતો. ગયા વર્ષે એની આવક ૧૭૮ કરોડ તથા નેટનફો ૧૧૮૬ લાખ થયો હતો, પરંતુ ઇશ્યુ બાદ ક્યારેય એનો શૅર ૫૭.૮૦થી ઉપર ગયો નથી. ભાવ નીચામાં ૨૭ થઈ ગયો હતો. હાલ રેટ ૩૫ આસપાસનો છે. તો પછી કદમાં એનાથી નાની એવી વિક્ટરીના શૅરના ૪૧ શા માટે આપવા એ તમારે વિચારવાનું છે. વિક્ટરીમાં હાલ ગ્રેમાર્કેટ ખાતે શરૂ થયું નથી.
દરમ્યાન નવી દિલ્હીની ગૅબિયન ટેક્નૉલૉજીઝ ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૮૧ની અપરબૅન્ડ સાથે ૨૯૧૬ લાખનો BSE SME ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે રીટેલમાં ૬૨ ગણા સહિત કુલ ૪૬ ગણો ભરાયો છે. ૩૦વાળું પ્રીમિયમ ત્યાં જ ચાલે છે. નવી દિલ્હીની મૉડર્ન ડાયગ્નોસ્ટિક્સનો ૧૦ના શૅરદીઠ ૯૦ના ભાવનો ૩૬૮૯ લાખ રૂપિયાનો BSE SME ઇશ્યુ જે કુલ ૩૭૭ ગણો છલકાયો હતો એનું લિસ્ટિંગ આજે થવાનું છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૧૩ જેવું છે.


