ક્રિકેટ બોર્ડે અને KKRએ પ્રચંડ વિરોધને શાંત કરવા મુસ્તફિઝુર રહમાનને IPL 2026માંથી આઉટ કરી દીધો એ પછી શાહરુખ ખાનને ગદ્દાર કહેનારા BJPના નેતા સંગીત સિંહ સોમે કહ્યું... ૧૦૦ કરોડ સનાતનીઓની જીત
મુસ્તફિઝુર રહમાન
ભારત-બંગલાદેશ વચ્ચેના તનાવ વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ના એકમાત્ર બંગલાદેશી પ્લેયર મુસ્તફિઝુર રહમાનને બહાર કરવો પડ્યો છે. પાડોશી દેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર સામે રોષ ભભૂકી ઊઠ્યો છે એના કારણે બંગલાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનને ભારતીય ટુર્નામેન્ટમાંથી બહાર કરવા જબરદસ્ત વિરોધ શરૂ થયો હતો. આ વિરોધને કારણે મુસ્તફિઝુર રહમાનનો IPL 2026ના કરારનો ભોગ લેવાયો હતો.
ધાર્મિક સંતોથી લઈને નેતાઓ સુધી તમામે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને ટીમના માલિક શાહરુખ ખાન પર છેલ્લા એક અઠવાડિયામાં ભારે અને સતત શાબ્દિક પ્રહાર કર્યા હતા. આ પ્રચંડ વિરોધને શાંત કરવા ક્રિકેટ બોર્ડે KKRને આ બંગલાદેશી પ્લેયરને રિલીઝ કરવાની સૂચના આપી હતી.
ADVERTISEMENT
ક્રિકેટ બોર્ડના સચિવ દેવજિત સૈકિયાએ કહ્યું હતું કે ‘તાજેતરના ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને ક્રિકેટ બોર્ડે KKRને એના બંગલાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહમાનને ટીમમાંથી રિલીઝ કરવાનો નિર્દેશ આપ્યો છે અને બોર્ડ તેના રિપ્લેસમેન્ટ માટે મંજૂરી આપશે.’
૩૦ વર્ષના મુસ્તફિઝુર રહમાને ૨૦૧૬થી ૨૦૨૫ દરમ્યાન પાંચ ટીમ માટે ૬૦ મૅચ રમીને ૬૫ વિકેટ લીધી હતી. પોતાની પહેલી જ સીઝનમાં તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ૧૬ મૅચમાં ૧૭ વિકેટ ઝડપી હતી. કલકત્તા માટે તે પહેલી વખત રમવાનો હતો.
કોલકાતા નાઇટ રાઇડર્સે શું કહ્યું?
કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ ગઈ કાલે એક નિવેદન જાહેર કર્યું હતું જેમાં લખ્યું હતું કે ‘KKR પુષ્ટિ આપે છે કે ક્રિકેટ બોર્ડે અમને આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સીઝન પહેલાં મુસ્તફિઝુર રહમાનને ટીમમાંથી મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ રિલીઝ બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયાના નિર્દેશ પર યોગ્ય પ્રક્રિયા અને પરામર્શ પછી કરવામાં આવી છે. નિયમો અનુસાર ક્રિકેટ બોર્ડ અમને રિપ્લેસમેન્ટ ખેલાડી આપશે અને વધુ માહિતી યોગ્ય સમયે પૂરી પાડવામાં આવશે.’ મિની ઑક્શન 2026માં કોલકાતા નાઇટ રાઇડર્સે ૧૩ ખેલાડીઓને ખરીદ્યા હતા. એમાંથી બે કરોડ રૂપિયાની બેઝ-પ્રાઇસવાળા મુસ્તફિઝુર રહમાનને ૯.૨૦ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. મિની ઑક્શનમાં KKR માટે એ ત્રીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો.
શું KKRને મુસ્તફિઝુર રહમાન પર ખર્ચવામાં આવેલા ૯.૨ કરોડ રૂપિયા પાછા મળશે?
IPL નિયમો હેઠળ એક વાર ખેલાડીને ટીમમાં સામેલ કરવાની પ્રક્રિયા થઈ જાય પછી ફ્રૅન્ચાઇઝીનું પર્સ લૉક થઈ જાય છે. જોકે મુસ્તફિઝુર રહમાનનો કેસ અનોખો છે, કારણ કે તેને બાહ્ય કારણોસર ક્રિકેટ બોર્ડના કહેવા પર રિલીઝ કરવામાં આવી રહ્યો છે. IPL ઑપરેશનલ માર્ગદર્શિકા અનુસાર જ્યારે ક્રિકેટ બોર્ડ કોઈ ખેલાડીને બિનક્રિકેટિંગ કારણોસર દૂર કરવા માટે હસ્તક્ષેપ કરે છે ત્યારે ફ્રૅન્ચાઇઝી સામાન્ય રીતે ખેલાડી પર ખર્ચેલી સંપૂર્ણ રકમ તેના પર્સમાં પાછી મેળવવા માટે હકદાર હોય છે.
ક્રિકેટ બોર્ડે ભારતની બંગલાદેશ-ટૂર ફરી હોલ્ડ પર મૂકી
ક્રિકેટ બોર્ડે ટીમ ઇન્ડિયાની આ વર્ષની બંગલાદેશની નિર્ધારિત ટૂર અસ્થાયી રૂપે મુલતવી રાખી છે. બંગલાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ શુક્રવારે જાહેરાત કરી હતી કે એ ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં ભારત સામેની વાઇટ-બૉલ સિરીઝનું યજમાન બનશે. બંગલાદેશમાં લઘુમતી ધરાવતા હિન્દુઓ પર હુમલાના અહેવાલો વચ્ચે બન્ને દેશ વચ્ચે તનાવની સ્થિતિ ઊભી થઈ છે. ગયા વર્ષે બંગલાદેશમાં ગૃહયુદ્ધની સ્થિતિને કારણે સિરીઝને મુલતવી રાખવી પડી હતી. દેવજિત સૈકિયાએ કહ્યું કે ‘બંગલાદેશમાં સિરીઝ રમવા માટે ભારતીય ટીમની કોઈ પ્રતિબદ્ધતા નથી. સરકારના નિર્ણય અનુસાર આગળનો નિર્ણય લઈશું.’


