અર્જુન રામ મેઘવાલની કાયદાપ્રધાન તરીકે નિમણૂક, વિધાનસભાની ચૂંટણીઓ માટેની સોગઠાબાજી કે ન્યાયતંત્ર સાથેના ઘર્ષણને કારણે આ બદલાવ થયો હોઈ શકે
અર્જુન રામ મેઘવાલ અને કિરેન રિજિજુ
કેન્દ્રીય કૅબિનેટમાં ગઈ કાલે ઓચિંતો મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. અર્જુન રામ મેઘવાલની નવા કાયદાપ્રધાન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ મંત્રાલય ગુમાવનારા કિરેન રિજિજુને હવે અર્થ સાયન્સિસ મંત્રાલયનો પોર્ટફોલિયો આપવામાં આવ્યો છે. મેઘવાલને તેમના અત્યારના પોર્ટફોલિયો સિવાય કાયદા અને ન્યાય મંત્રાલયમાં રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. તેઓ અત્યારે સંસદીય બાબતોના અને સાંસ્કૃતિક બાબતોના રાજ્ય કક્ષાના પ્રધાન છે.
આ ફેરફાર બાદ તરત જ રિજિજુએ ન્યાય આપવામાં સુગમતાની ખાતરી કરવામાં ખૂબ જ સપોર્ટ આપવા બદલ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડીવાય ચન્દ્રચુડ, સુપ્રીમ કોર્ટના જજિઝ અને અન્ય જજિઝનો આભાર વ્યક્ત કર્યો હતો.
ADVERTISEMENT
કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહની પાસે અર્થ સાયન્સિસ મંત્રાલય હતું.
કાયદાપ્રધાન તરીકે રિજિજુએ સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટના જજિઝની નિમણૂક માટેની કૉલેજિયમ સિસ્ટમની ખૂબ ટીકા કરી હતી. તેમણે આ સિસ્ટમ ટ્રાન્સપરન્ટ ન હોવાનો પણ દાવો કર્યો હતો. એટલું જ નહીં, કેટલાક નિવૃત્ત જજો ભારત વિરોધી ગૅન્ગમાં સામેલ હોવાનું જણાવતા તેમના સ્ટેટમેન્ટની આકરી ટીકા કરવામાં આવી હતી. રિજિજુને સાતમી જુલાઈ, ૨૦૨૧ના રોજ કાયદાપ્રધાન બનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: PM મોદીએ ઓરિસ્સાને આપી 8000 કરોડના પ્રૉજેક્ટની ભેટ, વંદે ભારતને બતાવી લીલી ઝંડી
જુડિશ્યરી સાથેના ઘર્ષણને પબ્લિક પ્લૅટફૉર્મ પર લાવ્યા
સરકાર અને જુડિશ્યરી વચ્ચે ઘર્ષણ કંઈ પહેલી વખત નથી. આના પહેલાં પણ અનેક વખત પાવર ક્લૅશ થઈ ચૂક્યા છે. જોકે, સામાન્ય રીતે આ ઘર્ષણ અંદરખાને જ શાંત થઈ જતું હતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી એમ ન થઈ શક્યું. કોલેજિયમ સિસ્ટમને લઈને કિરેન સતત જ્યુડિશ્યરી સામે સવાલો કરતા રહ્યા હતા. કાયદા પ્રધાનનાં સ્ટેટમેન્ટ્સને સુપ્રીમ કોર્ટે ગંભીરતાથી લીધાં હતાં.
અરુણાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી પર ફોકસ
આવતા વર્ષે એપ્રિલમાં જ અરુણાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે એટલે શક્ય છે કે એની તૈયારીઓ માટે રિજિજુને ફ્રી કરવામાં આવ્યા હોય. કાયદાપ્રધાન હોવાના કારણે તેઓ એટલો સમય અરુણાચલ પ્રદેશમાં આપી શકે એમ નથી. બીજી તરફ રાજસ્થાનમાં પણ આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. અર્જુન રામ મેઘવાલ રાજસ્થાનના બિકાનેરથી એમપી છે એટલે શક્ય છે કે રિજિજુનું ફોકસ અરુણાચલ પ્રદેશમાં કરીને અને બીજી બાજુ રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મેઘવાલનું પ્રમોશન કરીને બીજેપી રાજકીય ફાયદો મેળવવાની આશા રાખી રહી હોય.
બ્યુરોક્રેટમાંથી પૉલિટિશ્યન બનનારા અર્જુન રામ મેઘવાલે ગઈ કાલે ચાર્જ સંભાળ્યા બાદ સ્પષ્ટ જણાવ્યું હતું કે ન્યાયતંત્રની સાથે કોઈ જ ઘર્ષણ નથી અને તેમની પ્રાયોરિટી તમામને ઝડપી ન્યાય મળે એની ખાતરી કરવાની છે.
હવે કાયદા નહીં, પરંતુ અર્થ સાયન્સિસ માટેના પ્રધાન. કાયદા પાછળના સાયન્સને સમજવું સરળ નથી. હવે (તેઓ) સાયન્સિસના કાયદા સમજવાની મથામણ કરશે. ગુડ લક માય ફ્રેન્ડ.
કપિલ સિબલ, રાજ્યસભાના સભ્ય


