મિની બસમાં સુરતના સોની-પરિવાર સહિત કુલ નવ લોકો હતા, સુરતના વિધાતા જ્વેલર્સના માલિકની દીકરી ડ્રીમી સોનીનું મૃત્યુ
ગઈ કાલે અલકનંદા નદીમાં મિની બસ ખાબકી એ પછી ચાલી રહેલું બચાવકાર્ય.
રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર ગુરુવારે સવારે ધોલતીર વિસ્તારમાં આશરે ૧૯ મુસાફરોથી ભરેલી એક મિની બસ અલકનંદા નદીમાં પડી ગઈ હતી. ટ્રકે પાછળથી ટક્કર મારી હોવાથી ડ્રાઇવરે બસ પરથી નિયંત્રણ ગુમાવતાં આ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં ૪ જણે જીવ ગુમાવ્યા હોવાનું મનાય છે. ઘટનાસ્થળથી બે મુસાફરોના મૃતદેહ મળી આવ્યા છે અને ૮ જણ ગુમ છે. ૭ લોકો હૉસ્પિટલમાં છે. બચાવ અને વહીવટી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘાયલોને ઍર ઍમ્બ્યુલન્સ દ્વારા હૃષીકેશ લાવવામાં આવ્યા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતગ્રસ્ત વાહન એક ટેમ્પો ટ્રાવેલર છે. આ મિની બસમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના ૧૯ લોકો હતા જેમાંથી સુરતની ડ્રીમી સોની સહિત ૪ જણે જીવ ગુમાવ્યા છે.
ADVERTISEMENT
સુરતના સોની-પરિવારમાંથી એકનું મૃત્યુ, એક ગુમ
આ મિની બસમાં સુરતના સિલિકૉન પૅલેસમાં રહેતા અને વિધાતા જ્વેલર્સના માલિક ઈશ્વર સોની, તેમનાં પત્ની ભાવના સોની, ૧૭ વર્ષની દીકરી ડ્રીમી સોની, દીકરો ભવ્ય સોની અને દીકરી ચેષ્ટા સોની પણ હતાં જેમાંથી ડ્રીમીનું મૃત્યુ થયું છે; જ્યારે ઈશ્વર સોની, ભાવના અને ભવ્ય સારવાર હેઠળ છે અને ચેષ્ટા મિસિંગ છે. ઉત્તરાખંડ ખાતે તેઓ રુદ્રપ્રયાગ સહિતનાં ધાર્મિક સ્થળોએ યાત્રા કરવા નીકળ્યા હતા એ દરમ્યાન આ અકસ્માત થયો હતો.
ઈશ્વર સોનીના સાળા અને તેમની બે દીકરીઓ મિસિંગ
આ મિની બસમાં ભાવના સોનીના ભાઈ લલિતભાઈ, ભાભી હેમલતાબહેન તથા તેમની બે દીકરીઓ મૌલી અને મયૂરી પણ હતાં જેમાંથી લલિત સોની તથા તેમની બન્ને દીકરી મૌલી સોની, મયૂરી સોની મિસિંગ છે.
ઉદયપુરથી મિની બસ ભાડે કરી
સોની પરિવારે ઉત્તરાખંડ જવા મિની બસ ઉદયપુરથી કરી હતી. સુરતથી તેઓ ૧૬ કે ૧૭ જૂને મૂળ વતન ઉદયપુર જવા નીકળ્યા હતા. ત્યાર બાદ તેઓ ઉદયપુરથી ઉત્તરાખંડ તરફ પ્રવાસે ગયા હતા.

