ખતરનાક હનીમૂન મર્ડરની તપાસમાં પોલીસને નવો ઍન્ગલ મળ્યાનો દાવો : સોનમે ઇન્દોરમાં ફ્લૅટ પણ ખરીદી રાખ્યો છે
ફાઇલ તસવીર
મેઘાલયમાં હનીમૂન દરમ્યાન ઇન્દોરના ટ્રાન્સપોર્ટર રાજા રઘુવંશીની હત્યા પ્રકરણે તપાસ કરી રહેલા અધિકારીઓ માની રહ્યા છે કે મુખ્ય આરોપી સોનમ રઘુવંશીએ આખું કાવતરું ઘડી કાઢ્યું હતું અને તેણે રાજ કુશવાહા અને અન્ય કૉન્ટ્રૅક્ટ કિલર્સનો માત્ર ઉપયોગ કર્યો હતો. સોનમ ત્રીજી જ કોઈ વ્યક્તિ સાથે નાસી જવાની હતી અને તેણે ઇન્દોરમાં એક ફ્લૅટ પણ ખરીદી રાખ્યો હતો.
રાજ કુશવાહાને ફસાવ્યો
ADVERTISEMENT
રાજ કુશવાહા વિશે પોલીસનું કહેવું છે કે રાજ કુશવાહા મુખ્ય સૂત્રધાર નહોતો. રાજ કુશવાહાને સોનમ પર ક્રશ હતો, પણ સોનમે તેને પ્રેમજાળમાં ફસાવ્યો હતો અને તેણે અજાણતાં સોનમને ભાગવામાં મદદ કરી હશે. આ કેસમાં તે પ્યાદું બની ગયો છે. રાજે છઠ્ઠી જૂને સોનમને ઉત્તર પ્રદેશ જવા કૅબની વ્યવસ્થા કરી હતી. સોનમ ગાઝીપુરમાં મળી આવી હતી. સોનમે રાજને પ્રેમનાં વચનો આપીને અને કિલર્સને નાણાકીય લાભ માટે લલચાવીને તેના પ્લાનમાં સામેલ કર્યા હતા.
પોતાના ફ્લૅટમાં છુપાઈ
અધિકારીઓએ ખુલાસો કર્યો કે સોનમે ઇન્દોરમાં એક ફ્લૅટ ખરીદીને રાખ્યો છે. રાજાની હત્યા બાદ તે આ ફ્લૅટમાં છુપાયેલી રહી હતી. આ ફ્લૅટ તેણે જ પસંદ કર્યો હતો. ખરીદી માટે નાણાંની ચુકવણી પણ તેણે જ કરી હતી અને પરિવારજનો તથા હત્યાના પ્લાનમાં સામેલ લોકોથી આ વાતને અજાણ રાખી હતી. પોલીસને શંકા છે કે જ્યારે તેના પરિવારે રાજાના ગુમ થવાની ફરિયાદ કરી અને પોલીસે મેઘાલયમાં રાજાની તથા સોનમની શોધખોળ હાથ ધરી ત્યારે સોનમ ઇન્દોરમાં જ રહી હતી. જ્યારે તેને અહેસાસ થયો કે તેની યોજના નિષ્ફળ જવાની છે પછી જ તે ઇન્દોરથી ભાગી ગઈ હતી.
૫૦૦૦ રૂપિયાની ગ્રોસરી ખરીદી હતી
સોનમે ઇન્દોરના ફ્લૅટમાં આશરે ૫૦૦૦ રૂપિયાની ગ્રોસરી ખરીદીને રાખી હતી. આ ફ્લૅટ દેવાસ નાકા વિસ્તારમાં આવેલો છે. સોનમ ૨૫ મેથી ૭ જૂન સુધી ઇન્દોરમાં જ રહેતી હતી.
ખોટી ઓળખ હેઠળ ત્રણ ફોન ખરીદ્યા
આ કેસની તપાસ કરનારા અધિકારીઓએ જણાવ્યું હતું કે સોનમે સહ-આરોપી આનંદ કુર્મીના દસ્તાવેજોનો ઉપયોગ કરીને એક નૉર્મલ હૅન્ડસેટ અને બે ઍન્ડ્રૉઇડ સ્માર્ટફોન મળીને કુલ ત્રણ મોબાઇલ ફોન ખરીદ્યા હતા. રાજે ફોન ખરીદવામાં મદદ કરી હતી. જે મોબાઇલ શૉપમાંથી ફોન ખરીદવામાં આવ્યા હતા એની જાણકારી મેળવી લેવાઈ છે. પોલીસ આ દુકાનો સુધી પહોંચી છે. મેઘાલયમાં બધા ફોન અને સિમ કાર્ડનો નાશ કરવામાં આવ્યો હતો.
પોલીસ સોનમ સુધી કેવી રીતે પહોંચી?
ઉત્તર પ્રદેશના પોલીસ-અધિકારીના જણાવ્યા અનુસાર ૯ જૂને ગાઝીપુરમાં હાઇવે ઢાબા પાસે સોનમે થોડા સમય માટે તેનો મોબાઇલ ફોન ચાલુ કર્યો હતો જેનાથી તે ક્યાં છે એની જાણ પોલીસને થઈ હતી. રાજાની હત્યા પછી સોનમે પોતાનો ફોન બંધ કરી દીધો હતો અને રાજ કુશવાહા અને અન્ય લોકોનો સંપર્ક કરવા માટે ઉધાર લીધેલા મોબાઇલનો ઉપયોગ કર્યો હતો. ઢાબા માલિક પાસેથી ફોન લઈને સોનમે તેના ભાઈને ફોન કરતાં પહેલાં સંભવતઃ કોઈ સંબંધીનો નંબર શોધવા માટે તેનો ફોન ચાલુ કર્યો હતો. આમ સોનમનો ફોન ચાલુ થતાં પોલીસને જાણ થઈ હતી અને તે ઢાબા સુધી પહોંચી હતી.
રાજાના કિલર્સ એક મહિલાને મારીને તેની ડેડ-બૉડી સળગાવી દેવાના હતા, એને સોનમનો મૃતદેહ ગણાવવાની યોજના હતી
રાજા રઘુવંશીના હત્યારાઓએ રાજાની હત્યા બાદ બીજી એક મહિલાને પણ મારી નાખવાની યોજના બનાવી હતી. આ મૃતદેહને બાળી નાખીને એને સોનમનો મૃતદેહ હોવાનું દર્શાવવાની યોજના બનાવી હતી. આમ કરવાથી સોનમને છુપાઈ રહેવા માટે વધારે સમય મળે એવો પ્લાન હતો.
આ સંદર્ભમાં મેઘાલય પોલીસના પોલીસ-સુપરિન્ટેન્ડેન્ટ વિવેક સૈયમે જણાવ્યું હતું કે ‘રાજા રઘુવંશીના હત્યારાઓએ એક અજાણી મહિલાની હત્યા કરીને તેના મૃતદેહને રાજાની પત્ની સોનમના સ્કૂટરમાં મૂકવાની, એને બાળી નાખવાની અને એને સોનમના મૃતદેહ તરીકે રજૂ કરવાની યોજના બનાવી હતી. હત્યારાઓએ વૈકલ્પિક રીતે લોકોને એવું ઠસાવવાની યોજના બનાવી હતી કે સોનમ નદીમાં તણાઈ ગઈ છે.’


