ઇતિહાસ હંમેશાં રિપીટ થતો હોય છે. જ્યારે BJP કેન્દ્રમાં સત્તામાં નહીં રહે તો તેમણે પણ આ જ પરિસ્થિતિ ભોગવવી પડશે.
ગઈ કાલે હાર્યા પછીની પ્રેસ-કૉન્ફરન્સમાં મમતા બૅનરજી.
ધોબીપછાડ હાર પછી પણ મમતા બૅનરજી જીદે ચડ્યાં: રાજીનામુ નહીં આપું; અમે હાર્યા નથી, અમને હરાવવામાં આવ્યા છે
પશ્ચિમ બંગાળમાં જબરદસ્ત હાર મળ્યા પછી મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ ગઈ કાલે કલકત્તામાં પ્રેસ-કૉન્ફરન્સ કરીને જાહેર કર્યું હતું કે તેઓ રાજીનામું નહીં આપે, કેમ કે આ જનાદેશ નથી. તેમણે કહ્યું હતું કે ‘અમને ષડ્યંત્ર કરીને હરાવવામાં આવ્યા છે એટલે હું રાજીનામું આપવા રાજભવન નહીં જાઉં.
ADVERTISEMENT
ચૂંટણી થઈ એ પહેલાંથી જ ચૂંટણીપંચ સાથે દરેક વાતે વાંધો ઉઠાવનારાં મમતા બૅનરજીએ તેમની હાર માટે દોષનો ટોપલો ચૂંટણીપંચ પર ઢોળતાં કહ્યું હતું કે ‘અસલી વિલન ચૂંટણીપંચ છે. તેમણે BJP સાથે મળીને ૧૦૦ બેઠકો લૂંટી છે. BJPએ કાઉન્ટિંગ સેન્ટરો પર કબજો કરી લીધો હતો અને મારી સાથે ગેરવર્તણૂક કરી હતી. ઉમેદવારો અને કાર્યકર્તાઓ સાથે અત્યાચાર કર્યો છે.’
પ્રેસ-કૉન્ફરન્સમાં મમતા બૅનરજીએ હારની ભડાસ કાઢવા ઉપરાંત આગામી યોજનાઓ વિશે પણ વાતો કરી હતી. જોઈએ એના કેટલાક મુદ્દાઓ.
વિદ્યાર્થીકાળથી રાજનીતિમાં છું, પરંતુ આજદિન સુધી આટલું ગંદું અને ખરાબ રાજકારણ ચૂંટણીઓમાં નથી જોયું. મારી ફરિયાદ BJP સામે જ નહીં, ચૂંટણીપંચ સામે પણ છે. ચૂંટણીમાં પૂરી સરકારી મશીનરી, વડા પ્રધાન અને ગૃહપ્રધાનના સીધા હસ્તક્ષેપ સામે મારો વિરોધ હતો.
પહેલાં મતદારયાદીમાં સુધારણાના નામે ષડયંત્ર કરીને ૯૦ લાખ મતદાતાઓને યાદીમાંથી હટાવી નાખવામાં આવ્યા હતા, જ્યારે TMCએ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો ત્યારે ૩૨ લાખ નામો પાછાં ઉમેરાયાં. જોકે ખેલ અહીં ખતમ નથી થતો. તેમણે ચોરીછૂપીથી ૭ લાખ અન્ય નામો જોડી દીધાં જેની કોઈને કાનોકાન ખબર સુધ્ધા ન થઈ. ૨૦૦૪માં હું સાવ એકલી હતી એમ છતાં ચૂંટણી સમયે આવી લૂંટ અને અત્યાચાર નહોતો થયો. આ મારા જીવનની સૌથી અત્યાચારભરી ચૂંટણી હતી.
ચૂંટણીના બે દિવસ પહેલાં જ અમારા લોકોની ધરપકડ કરી લેવામાં આવી. ઠેર-ઠેર છાપામારી કરવામાં આવી. IPS-IAS અધિકારીઓની બદલી કરી દેવામાં આવી. આ બધામાં વડા પ્રધાન અને ગૃહપ્રધાન સીધી રીતે સામેલ હતા. મેં રાજીવ ગાંધી, મનમોહન સિંહ અને વાજપેયીજીની સરકાર જોઈ છે, પણ આવો અત્યાચાર ક્યારેય નહોતો જોયો. પહેલા રાઉન્ડનું કાઉન્ટિંગ પૂરું થયું એ પછી તરત જ એવું કહેવાવા લાગ્યું કે BJP ૧૯૫-૨૦૦ બેઠકો જીતી રહી છે. અંતિમ પરિણામોની રાહ પણ ન જોઈ. BJPવાળાઓએ કાઉન્ટિંગ સ્ટેશનની અંદર ઘૂસીને કાઉન્ટિંગ એજન્ટોને મારવાનું શરૂ કરી દીધું હતું. મને કાઉન્ટિંગ સેન્ટરમાં પીઠ અને પેટ પર લાત મારી. કેન્દ્રીય સુરક્ષાબળના ૨૦૦ જવાનો અને બહારના ગુંડાઓએ મારપીટ કરી.
TMCની હારની વિસ્તૃત સમીક્ષા કરવા માટે એક ખાસ ટીમ તૈયાર કરવામાં આવશે. અમે ચૂંટણીપંચ વિરુદ્ધ પણ પગલાં લઈશું. શું કરીશું એ હમણાં નહીં કહું. હા, એ નક્કી કર્યું છે કે પાંચ સંસદસભ્યો સહિત ૧૦ લોકોની એક ફૅક્ટ-ફાઇન્ડિંગ કમિટી બનાવીશું જે ચૂંટણીપંચની ગોલમાલને ઉજાગર કરશે.
હાર પછી પણ વિપક્ષ એકજૂટ છે. મને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો ફોન આવ્યો હતો. અરવિંદ કેજરીવાલ અને ઉદ્ધવ ઠાકરે સહિત ઇન્ડી ગઠબંધનના નેતાઓએ મને સમર્થન આપ્યું છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ છઠ્ઠી મેએ મને મળવા કલકત્તા આવવાના છે. એ પછી ઇન્ડી ગઠબંધનના અન્ય નેતાઓને પણ મળીશું અને સહિયારી રણનીતિ તૈયાર કરીશું.
હવે જ્યારે મારી પાસે કોઈ પદ નથી ત્યારે હું આઝાદ પંખી છું. હું રોડ પર રહીશ. ક્યાંયથી પણ ચૂંટણી લડી શકું છું અને જનતા માટે કામ કરી શકું છું. હું એક સામાન્ય નાગરિક છું. મેં મારું આખું જીવન લોકોની સેવામાં ગાળ્યું છે એટલે હવે જે કામ કરવું છે એ મારી રીતે એક નાગરિકની રીતે કરતી રહીશ.

મમતા બૅનરજીએ ગઈ કાલે કલકત્તામાં પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન TMCના નેતાઓ સાથે હાથની સાંકળ બનાવીને હાર પછી પણ એકજૂટ હોવાનો સંદેશ આપ્યો હતો.
યાદ રહે, ઇતિહાસ હંમેશાં રિપીટ થતો હોય છે. જ્યારે BJP કેન્દ્રમાં સત્તામાં નહીં રહે તો તેમણે પણ આ જ પરિસ્થિતિ ભોગવવી પડશે. જે બંગાળમાં થયું એ ભારતની લોકશાહીનો કાળો અધ્યાય હતો.
મમતા બૅનરજી રાજીનામું ન આપે તો ગવર્નર પાસે શું વિકલ્પો છે?
ભારતની સાડાસાત દાયકાની લોકશાહીના ઇતિહાસમાં પહેલી વાર એવું બની રહ્યું છે કે કોઈ મુખ્ય પ્રધાને ચૂંટણી હાર્યા પછી પણ રાજીનામું આપવાની ના પાડી હોય. જો મુખ્ય પ્રધાન જાતે રાજીનામું ન આપે તો રાજ્યપાલ તેમના સંવિધાનિક અધિકારનો ઉપયોગ કરીને તેમને બરખાસ્ત કરી શકે. સંવિધાનના આર્ટિકલ ૧૬૪ અંતર્ગત રાજ્યપાલ બહુમત મેળવનાર પક્ષના પ્રતિનિધિની મુખ્ય પ્રધાનપદે નિયુક્તિ કરે છે અને અને બહુમત ગુમાવવાની સ્થિતિમાં આ જ આર્ટિકલ અંતર્ગત મુખ્ય પ્રધાનને બરખાસ્ત કરવાનો અધિકાર પણ આપે છે.
આવતી કાલે એટલે કે સાતમી મેએ પશ્ચિમ બંગાળની વિધાનસભાનો કાર્યકાળ પૂરો થાય છે. એવામાં રાજ્યપાલ મમતા પાસેથી રાજીનામું માગી શકે છે અને જો તેઓ ન આપે તો તેઓ વિધાનસભા ભંગ કરી શકે છે. વિશેષજ્ઞોનું માનવું છે કે હારેલા મુખ્ય પ્રધાન રાજીનામું આપે એ માત્ર પરંપરા છે, બાકી મમતા રાજીનામું આપે કે ન આપે, આવતી કાલે વિધાનસભા ભંગ થઈ જ જશે.
ધારો કે TMCના સમર્થકો દ્વારા નવી સરકાર બનાવવા માટે અડચણો ઊભી કરવામાં આવે અને કાનૂન-વ્યવસ્થા જોખમાય તો રાજ્યપાલ આર્ટિકલ ૩૫૬ અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન લગાવવાની હિમાયત પણ કરી શકે છે.
પ્રેસ-કૉન્ફરન્સમાં ચૂંટણીપંચ, વડા પ્રધાન અને ગૃહપ્રધાન સામે ષડ્યંત્રના આરોપો લગાવીને ચોથી મેને ગણાવ્યો ભારતીય લોકશાહીનો કાળો અધ્યાયઃ હવે તેઓ શું કરશે એના પ્લાન વિશે પણ કરી વાત
પશ્ચિમ બંગાળમાં થઈ BJPના કાર્યકરની હત્યા
પશ્ચિમ બંગાળમાં BJPની પ્રચંડ જીત બાદ તૃણમૂલ કૉન્ગ્રેસના ગુંડાઓએ BJP કાર્યકરની હત્યા કરી હતી. હાવડાના ઉદય નારાયણપુરના BJPના એક કાર્યકરને મોડી રાતે ગુંડાઓએ નિર્દય રીતે માર માર્યો હતો. પરિણામ જાહેર થયા પછી BJPના કાર્યકરો અબીલ-ગુલાલથી રમી રહ્યા હતા અને BJP કાર્યકર જાધવ બાર પણ એમાં જોડાયા હતા. પરિવારનો દાવો છે કે રાતે ૧૧ વાગ્યે ઘરે પાછા આવતા હતા ત્યારે જાધવને માર મારવામાં આવ્યો હતો. ઉદય નારાયણપુર હૉસ્પિટલમાં પહોંચ્યા પછી તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પરિવારે તૃણમૂલ કૉન્ગ્રેસના ગુંડાઓ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે જે આરોપ તૃણમૂલ કૉન્ગ્રેસે નકારી કાઢ્યો છે.
પશ્ચિમ બંગાળમાં ભૂતપૂર્વ ક્રિકેટર અશોક ડિંડા સતત બીજી વખત વિધાનસભ્ય બન્યો
ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અશોક ડિંડાએ સતત બીજી વખત ભારતીય જનતા પાર્ટી તરફથી પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી જીતી છે. હાલમાં તેણે પશ્ચિમ બંગાળના મોયના વિધાનસભા મતવિસ્તારમાં ઑલ ઇન્ડિયા તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)ના ચંદન મંડલને ૧૬,૨૪૧ મતોના માર્જિનથી હાર આપી હતી. ભારત માટે પચીસ મૅચ રમનાર અશોક ડિંડાએ અગાઉની વિધાનસભા ચૂંટણીમાં મોયના સીટ પર TMCના વિધાનસભ્ય સંગ્રામ કુમાર દોલાઈને ૧૨૬૦થી વધુ મતોના માર્જિનથી હરાવ્યા હતા. સંગ્રામ કુમાર પોતે એ ચૂંટણી પહેલાં આ વિધાનસભા સીટ પર ૧૨,૦૦૦ થી વધુ મતોના માર્જિનથી જીત્યા હતા.
