અમિત શાહે જગન્નાથજીના મંદિરમાં દર્શન કરીને પરિવાર સાથે પતંગોત્સવની કરી ઉજવણી
નરેન્દ્ર મોદીએ પોંગલ ઊજવી અને ગોસેવા પણ કરી દિલ્હીમાં તેમજ અમદાવાદમાં અમિત શાહે પરિવારજનો સાથે ઉતરાણની મજા માણી હતી.
ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં કેન્દ્રીય પ્રધાન એલ. મુરુગનના ઘરે પોંગલ સમારોહમાં ભાગ લીધો હતો. તેમણે અહીં ગોસેવા પણ કરી હતી. પોંગલ અને મકરસંક્રાન્તિ બન્ને પર્વોમાં ગાયને અનાજ ખવડાવવાનું અનેરું માહાત્મ્ય છે. તેમણે આ પ્રસંગે દેશભરના નાગરિકોને મકરસંક્રાન્તિ, ભોગાલી બિહુ અને પોંગલની શુભેચ્છાઓ આપતાં કહ્યું હતું કે ‘આ સમયે દેશના અલગ-અલગ હિસ્સાઓમાં લોહડી, મકરસંક્રાન્તિ, ભોગાલી બિહુ, પોંગલ જેવાં પર્વોને લઈને ઉત્સાહ છે. આ તહેવાર આપણને પ્રકૃતિ, પરિવાર અને સમાજ વચ્ચે સંતુલન બનાવવાનો રસ્તો ચીંધે છે. આ પર્વ ખાસ એટલા માટે પણ છે કે આપણે ખેડૂતો પ્રત્યે આભાર વ્યક્ત કરી શકીએ. તેઓ ખૂબ મહેનત કરીને દેશને પોષે છે. ’
અમિત શાહે જગન્નાથજીના મંદિરમાં દર્શન કરીને પરિવાર સાથે પતંગોત્સવની કરી ઉજવણી: અમદાવાદની પોળની ઉતરાણનો લહાવો માણ્યો ભૂપેન્દ્ર પટેલે : હર્ષ સંઘવીએ સુરતમાં પરિવારજનો સાથે ઉડાડી પતંગ
ADVERTISEMENT
ગઈ કાલે કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન અમિત શાહે અમદાવાદના જગન્નાથજી મંદિરમાં પૂજા-અર્ચના કરીને પરિવાર સાથે પતંગોત્સવની ઉજવણી કરી હતી. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની પોળમાં જઈને પોળની ઉતરાણનો લહાવો માણ્યો હતો, જ્યારે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સુરતમાં પતંગ ઉડાડી હતી.
અમદાવાદમાં અમિત શાહે જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત તેમણે ગૌપૂજા કરી હતી. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આસ્થા ઓપલ, અર્જુન ગ્રીન અપાર્ટમેન્ટ અને અભિષેક અપાર્ટમેન્ટ ખાતે પરિવારજનો, કાર્યકર્તાઓ અને નાગરિકો સાથે પતંગોત્સવની ઉજવણી કરી હતી.
અમદાવાદની પોળોની ઉતરાણની મજા કંઈક ઓર જ હોય છે ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના વાડીગામ વિસ્તારની પોળમાં જઈને પતંગ ઉડાડી હતી. ભૂપેન્દ્ર પટેલે અસ્સલ અમદાવાદી અંદાજમાં ખેંચીને પતંગ કાપી હતી. ભૂપેન્દ્ર પટેલનો આ અંદાજ જોઈને પોળવાસીઓ દંગ રહી ગયા હતા એટલું જ નહીં, તેમનો વિડિયો પણ વાઇરલ થયો હતો. ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સહિત દેશવાસીઓને ઉતરાણની શુભકામના પાઠવી હતી.
નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સુરતના મગદલ્લા વિસ્તારમાં પરિવારજનો સાથે પતંગ ઉડાડીને હર્ષોલ્લાસ સાથે મકરસંક્રાન્તિની ઉજવણી કરી હતી. આ ઉપરાંત પિપલોદમાં ગોવર્ધન હવેલીમાં ગૌમાતાને ઘાસ ખવડાવીને ગૌપૂજન કર્યું હતું. કાઇપો છે...ના નારા પણ હર્ષ સંઘવીએ લગાડ્યા હતા.
ડાંગના શબરીધામમાં પ્રભુ શ્રી રામ અને માતા શબરીના મિલન દિવસની ઉજવણી
પ્રભુ શ્રી રામ અને માતા શબરીના મિલન દિવસની ઉજવણી પ્રસંગે ગઈ કાલે ઉતરાણના દિવસે ગુજરાતના ડાંગમાં આવેલા શબરીધામ ખાતે શ્રી રામ આગમન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પંપા સરોવરથી શબરીધામ સુધી શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ અને ગામજનો જોડાયા હતા. શબરીધામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત સરકારના પ્રધાન મંડળના નરેશ પટેલ, ડાંગના પ્રભારી મંત્રી ડૉ. જયરામ ગામિત સહિતના મહાનુભાવો, શબરીધામના સ્વામી અસીમાનંદજી, સ્વામી દત્તનાથ મહારાજ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં પતંગની દોરીથી ત્રણ લોકોના જીવનની દોરી કપાઈ
ઉતરાણનું પર્વ ૩ પરિવારો માટે જીવલેણ બન્યું હતું. ગઈ કાલે ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ પતંગની દોરીથી ૮ વર્ષના બાળક સહિત ૩ વ્યક્તિના જીવનની દોર કપાઈ જતાં પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી. એટલું જ નહીં, પતંગની દોરીથી સાંજે ૪ વાગ્યા સુધીમાં ગુજરાતમાં ૩૪૦થી વધુ પક્ષીઓ ઘાયલ થયાં હતાં.
અમદાવાદમાં ઊંધિયું-જલેબી લેવા લાઇનો લાગી

ગુજરાતભરમાં ઉતરાણની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી અને અમદાવાદના જગપ્રસિદ્ધ ઊંધિયા-જલેબીની જ્યાફત શહેરીજનોએ મન મૂકીને માણી હતી અને હજારો કિલો ઊંધિયું અને જલેબીની મિજબાની કરી હતી. શહેરના અનેક વિસ્તારમાં ઊંધિયા-જલેબીની દુકાનો, સ્ટૉલ પર બનતી ગરમાગરમ જલેબી અને ઊંધિયું લેવા માટે શહેરીજનોની લાઇનો લાગી હતી.
તસવીર ઃ જનક પટેલ


