મુંબઈથી મહાકુંભ પહોંચેલા આ ડૉક્ટર તો ભારે નસીબદાર
ડૉ. પરેશ ભાનુશાલી
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પહોંચવું એ અત્યારે સ્વર્ગમાં પહોંચવા જેટલું અઘરું થતું જાય છે. તમે કુંભમાં જઈને શું કર્યું એ જાણવા કરતાં તમે કુંભમાં પહોંચ્યા કેવી રીતે એ પ્રશ્નનો જવાબ જાણવામાં લોકોનો રસ વધતો જાય છે. કારણ કે રોડ, ટ્રેન કે ફ્લાઇટ એ ત્રણેય માધ્યમથી કુંભમાં જઈ રહેલા લોકોને દસ-બાર કિલોમીટર ચાલવાની ગણતરી સહજ રાખવી પડી રહી છે. આજે જ્યારે મહાકુંભમાં પહોંચવા માટે લોકો મહામુશ્કેલીઓ વેઠી રહ્યા છે ત્યારે મુલુંડમાં રહેતા ડૉ. પરેશ ભાનુશાલી જે ઝડપથી મહાકુંભ પહોંચ્યા છે એ તો કોઈ ચમત્કારિક ઘટના જ અત્યારના સંજોગોમાં ગણાય. પ્રાઇમરી ઍનેસ્થેસીઓલૉજિસ્ટ અને ઇન્ટેન્સિવિસ્ટ તરીકે પ્રૅક્ટિસ કરતા ડૉ. પરેશ ભાનુશાલીએ લગભગ દોઢ મહિના પહેલાં ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હતી અને આધ્યાત્મિકતાના આ સર્વોત્કૃષ્ટ પર્વનો વ્યક્તિગત અનુભવ કરવાની તેમની ઇચ્છા જે સ્મૂધનેસ સાથે પૂરી થઈ એનો વિશ્વાસ તેમને પોતાને પણ નથી થઈ રહ્યો. ડૉ. પરેશ ભાનુશાલીએ પ્રયાગરાજ ઍરપોર્ટ પર ઊતરીને કુંભસ્થળે પહોંચવા માટે માંડ પચાસ ડગલાં ચાલવું પડ્યું હશે. મુંબઈથી સવારે ૧૧ વાગ્યાની ફ્લાઇટમાં નીકળેલા આ ડૉક્ટર બપોરે સાડાત્રણ વાગ્યે તો સંગમતટે મહાકુંભના ટેન્ટમાં આરામથી ભોજન આરોગી રહ્યા હતા.
ગઈ કાલે પ્રયાગરાજ પહોંચેલા ડૉ. પરેશ ભાનુશાલી ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં કહે છે, ‘મેં મુંબઈથી જ પ્રયાગરાજ ઍરપોર્ટથી સંગમતટ જવા સુધીની કૅબ બુક કરી લીધેલી. હું કોઈને પર્સનલી ઓળખતો નહોતો. મારી ફ્લાઇટ પણ સમયસર હતી. ફ્લાઇટમાંથી બહાર નીકળીને ઍરપોર્ટની બહાર નીકળ્યો એટલે મને મારી કૅબ મળી ગઈ હતી અને કૅબવાળાએ જ મને કહ્યું કે તમને હું છેક સુધી નહીં છોડી શકું, કારણ કે ગાડી અડધે સુધી જ જાય છે; આગળથી તમને એક બાઇકવાળો લઈ જશે અને તમારા મુકામ સુધી તો નહીં પણ જ્યાં સુધી શક્ય હશે ત્યાં સુધી મૂકી જશે. મારી પાસે તો ચૉઇસ હતી જ નહીં એટલે હું બેસી ગયો. શાસ્ત્રી બ્રિજ પાસે કૅબે મને ડ્રૉપ કર્યો અને ત્યાંથી એક બાઇક પર બેસીને આગળ વધ્યો અને સડસડાટ કોઈ પણ જાતના ટ્રાફિક કે અડચણ વિના સેક્ટર ૨૦માં મારે જ્યાં જવાનું હતું ત્યાં ગેટ પાસે પહોંચ્યો. મારે પચાસ ડગલાં પણ માંડ ચાલવું પડ્યું હશે.’
ADVERTISEMENT
ડૉ. પરેશ ભાનુશાલીને પોતાને પણ આટલી ઝડપથી કોઈ અડચણ વિના કઈ રીતે પહોંચ્યા એનું આશ્ચર્ય થઈ રહ્યું છે. તેઓ કહે છે, ‘પહેલાં તો મને આ નૉર્મલ જ લાગ્યું હતું, પણ અહીં પહોંચ્યા પછી લોકોની વાતો સાંભળું છું અને જે પ્રકારે ક્રાઉડ એકધારું આવી રહ્યું છે એ જોઉં છું ત્યારે મને પોતાને અજંપો જ થઈ રહ્યો છે. લોકોને પણ નવાઈ લાગે છે કે હું આટલો જલદી કઈ રીતે મુંબઈથી પ્રયાગરાજ પહોંચી ગયો.’


