કેસરની ખેતી માટે ઠંડી આબોહવા અનુકૂળ આવતી હોય છે અને એટલે મોટા ભાગે કાશ્મીરમાં કેસરની ખેતી થાય છે, પરંતુ લખનઉના યુવાને લૅબોરેટરીમાં ક્રેટમાં કેસર ઉગાડ્યું છે
કેસરની ખેતી
કેસરની ખેતી માટે ઠંડી આબોહવા અનુકૂળ આવતી હોય છે અને એટલે મોટા ભાગે કાશ્મીરમાં કેસરની ખેતી થાય છે, પરંતુ લખનઉના યુવાને લૅબોરેટરીમાં ક્રેટમાં કેસર ઉગાડ્યું છે. અમેરિકાની અગ્રણી કંપનીમાં ઊંચા હોદ્દા પર કામ કરી ચૂકેલા ૩૮ વર્ષના હેમંત શ્રીવાસ્તવે ભારત પાછા આવીને કેસરની ખેતી શરૂ કરી છે. તેણે ઍરોપોનિક ટેક્નિકથી કેસરની ખેતી કરી છે. આ ટેક્નિકમાં માટીની જરૂર નથી પડતી. લૅબોરેટરીમાં જ ઠંડું વાતાવરણ સર્જીને કેસર ઉગાડ્યું છે. ભારત આવ્યા પછી કાંઈક નોખું કરવાની ઇચ્છા તો હતી જ. એવામાં એક ઑનલાઇન વિડિયો જોઈને હેમંત શ્રીવાસ્તવને કેસરની ખેતી કરવાનો વિચાર આવ્યો પણ લખનઉમાં પૂરતી જમીન નહોતી એટલે ઘરમાં જ ખેતી શરૂ કરી હતી. એ પહેલાં હેમંત કાશ્મીર ગયો અને ત્યાંના ખેડૂતો પાસેથી તેમની ખેતીની પદ્ધતિ શીખ્યો. પછી લખનઉ આવીને ઍરોપોનિક પદ્ધતિથી ખેતી શરૂ કરી. આ હાઇ-ટેક પદ્ધતિમાં છોડ હવામાં રાખીને પોષક તત્ત્વો મળી રહે એ રીતે એનાં મૂળિયાં ક્રેટમાં રાખ્યાં હતાં. એ સિવાય તેણે વર્ટિકલ ફાર્મિંગનો પણ ઉપયોગ કરીને ઓછી જગ્યામાં વધુ ઊપજ તૈયાર કરી હતી. એ માટે તેણે શરૂઆતમાં સાતથી ૧૦ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

