લોકસભાની ચૂંટણી પહેલાં વિપક્ષોના INDIA ગઠબંધનની રૅલી ગઈ કાલે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાઈ હતી,
સુનીતા કેજરીવાલ
INDIA ગઠબંધનની રૅલીમાં આપવામાં આવી હમ સાથ સાથ હૈંની દુહાઈ : રૅલીમાં ‘લોકતંત્રને બચાવો, દેશને બચાવો’ના નારા લગાવવામાં આવ્યા : જેલમાંથી અરવિંદ કેજરીવાલે આપી દેશને ૬ ગૅરન્ટી
લોકસભાની ચૂંટણી પહેલાં વિપક્ષોના INDIA ગઠબંધનની રૅલી ગઈ કાલે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાઈ હતી, જેમાં જેલમાં બંધ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મોકલેલો પત્ર વાંચીને તેમનાં પત્ની સુનીતા કેજરીવાલે રાષ્ટ્રીય રાજકારણમાં એન્ટ્રી મારી હતી.
આ રૅલીમાં કૉન્ગ્રેસનાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી-વાડ્રા, મલ્લિકાર્જુન ખડગે, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના ઉદ્ધવ ઠાકરે, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને આમ આદમી પાર્ટી (AAP)નાં સુનીતા કેજરીવાલ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત હતા. ચૂંટણી જીતવા માટે મોદી સરકાર સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરે છે એમ જણાવીને સુનીતા કેજરીવાલે ત્યાં હાજર લોકોને કહ્યું હતું, ‘મોદીજીએ મારા પતિને જેલમાં નાખી દીધા છે, શું તેમણે ઠીક કર્યું છે? તમારા કેજરીવાલને તેઓ વધારે દિવસ જેલમાં નહીં રાખી શકે. તમારા કેજરીવાલ શેર છે, કરોડો લોકોના મનમાં વસે છે.’
ADVERTISEMENT
પ્રિયંકા ગાંધી-વાડ્રાએ મૂકી INDIAની પાંચ માગણી
૧. ચૂંટણીપંચે આ ચૂંટણીમાં તમામ પક્ષોને સમાન અવસર મળે એ સુનિશ્ચિત કરવું જોઈએ.
૨. ચૂંટણીપંચે વિપક્ષી દળો પર ED, CBI અને IT દ્વારા થતી કાર્યવાહી રોકવી જોઈએ.
૩. હેમંત સોરેન અને અરવિંદ કેજરીવાલને તાત્કાલિક છોડી
મૂકવામાં આવે.
૪. વિપક્ષી દળોને આર્થિક રીતે કમજોર કરવાની કોશિશ બંધ થવી જોઈએ.
૫. BJPને ઇલેક્ટોરલ બૉન્ડ દ્વારા જે ફન્ડ મળ્યું છે એની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસ કરાવવી જોઈએ.
જેલમાંથી અરવિંદ કેજરીવાલની ૬ ગૅરન્ટી
૧. આખા દેશમાં ૨૪ કલાક વીજળી, કોઈ પાવર-કટ નહીં.
૨. ગરીબોને મફત વીજળી અપાશે.
૩. દરેક ગામમાં શાનદાર સરકારી સ્કૂલ બનાવાશે.
૪. દરેક ગામમાં મોહલ્લા ક્લિનિક અને દરેક જિલ્લામાં સરકારી મલ્ટિ સ્પેશ્યલિટી હૉસ્પિટલ બનાવાશે.
૫. સ્વામીનાથન રિપોર્ટના આધારે દરેક ખેડૂતને મિનિમમ સપોર્ટ પ્રાઇસ અપાશે.
૬. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો.
કોણે શું કહ્યું?
કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પહેલાં મૅચ-ફિક્સિંગ કરી રહ્યા છે. ચૂંટણીપંચમાં તેમણે પોતાના બે માણસોને બેસાડી દીધા છે. બે મુખ્ય પ્રધાનોને ચૂંટણી પહેલાં જેલમાં પૂરી દીધા છે. અમારાં અકાઉન્ટ ચૂંટણી ટાણે ફ્રીઝ કરાવી દીધાં છે. આ બધું પહેલાં તેઓ કરી શકતા હતા, પણ આ બધું મૅચ-ફિક્સિંગ છે. તેઓ દેશના સંવિધાનને ખતમ કરવા માગે છે. તમારા ધનને લૂંટવા માગે છે.
ઉદ્ધવ ઠાકરે
કલ્પના સોરેન અને સુનીતા કેજરીવાલ અમારી બહેનો છે. જ્યારે આ તાનાશાહી સરકાર સામે આ બે બહેનો લડી રહી છે ત્યારે અમારા જેવા ભાઈ કેવી રીતે પાછળ હઠી શકે? હું BJPને પડકાર આપું છું કે તમે તમારા બૅનર પર લગાવી દો કે અમારી સાથે જે પાર્ટીઓ છે એ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED), સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને ઇન્કમ ટૅક્સ (IT) છે. BJP ભ્રષ્ટ જનતા પાર્ટી છે અને ઇલેક્ટોરલ બૉન્ડમાં કરોડો રૂપિયાનાં ડોનેશન એણે મેળવ્યાં છે.