મમતા બૅનરજીને લખ્યો ઓપન લેટર, ન્યાય અપાવવામાં થતા વિલંબ માટે આક્રોશ વ્યક્ત કર્યો
હરભજન સિંહ
કલકત્તામાં ટ્રેઇની ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં ન્યાય મળવામાં થઈ રહેલા વિલંબના પગલે આમ આદમી પાર્ટી (AAP)ના સંસદસભ્ય અને ક્રિકેટર હરભજન સિંહને ગુસ્સો આવ્યો છે. તેણે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી, દેશની જનતા અને રાજ્યના ગવર્નરને ઓપન લેટર લખ્યો હતો જેને તેણે સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો.

ADVERTISEMENT

આ પત્રમાં હરભજન સિંહે જણાવ્યું છે કે ‘મેં આ પત્રમાં કલકત્તાની ઘટનામાં પીડિતાને જલદી ન્યાય મળે એની અપીલ કરી છે. આ હિંસાત્મક ઘટના છે જેના વિશે કંઈ કહી શકાય એમ નથી. આ ઘટનાએ અંતરાત્માને હલાવી દીધો છે. આ માત્ર એક સ્ટુડન્ટ સાથે બનેલી ઘટના નથી, પણ સમાજમાં રહેતી તમામ મહિલાની સુરક્ષા પર પ્રહાર છે. આપણા સમાજમાં વ્યાપ્ત બૂરાઈનું આ પ્રતિબિંબ છે. આ એ અલાર્મ છે જે દર્શાવે છે કે અધિકારીઓ દ્વારા આપણી સિસ્ટમમાં બદલાવ લાવવાની જરૂર છે. આ ઘટનાને એક અઠવાડિયા કરતાં વધારે સમય થયો છે છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. ડૉક્ટરો વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે અને હું તેમના સપોર્ટમાં છું. મેડિકલ સમાજ સાથે છું, તેઓ મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમની સુરક્ષા દાવ પર છે. આવામાં આપણે કેવી રીતે આશા રાખીએ કે તેઓ પૂર્ણ પ્રતિબદ્ધતાથી કામ કરી શકશે? આ કેસમાં સરકારી તપાસ એજન્સી પણ જલદી કાર્યવાહી કરીને ન્યાય અપાવે એવી મારી અપીલ છે.’
ગવર્નરે બોલાવી બેઠક
હરભજન સિંહે લખેલા પત્ર બાદ ગવર્નર સી. વી. આનંદ બોઝે એક ઇમર્જન્સી બેઠક બોલાવી છે. એમાં બંગાળના વિવિધ સમાજના વર્ગોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
મમતા બૅનરજી વિશે વિવાદિત પોસ્ટ લખનાર સ્ટુડન્ટની ધરપકડ
સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ પર મમતા બૅનરજીના વિરોધમાં પોસ્ટ મૂકનાર કીર્તિ શર્મા નામના બૅચલર ઑફ કૉમર્સ કોર્સના બીજા વર્ષના સ્ટુડન્ટની કલકત્તા પોલીસે ધરપકડ કરી હતી. કીર્તિએ સોશ્યલ હૅન્ડલ પર તેણે લખેલી ત્રણ પોસ્ટમાં ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની જેમ મમતા બૅનરજીની હત્યા કરવામાં આવે એવી ભાવના વ્યક્ત કરી હતી. આ મુદ્દે પોલીસે કહ્યું હતું કે આરોપીએ કલકત્તાની આર. જી. કર હૉસ્પિટલના મુદ્દે ત્રણ વિવાદિત પોસ્ટ મૂકી હતી અને એમાં પીડિતાની તસવીર અને આઇડેન્ટિટી જાહેર કરી હતી. આ પોસ્ટમાં તેણે મુખ્ય પ્રધાન મમતા બૅનરજીના જીવને જોખમમાં મૂકે એવું લખાણ હતું. આ લખાણ ઉશ્કેરણીજનક હતું અને એનાથી સમાજમાં વૈમનસ્ય પેદા થઈ શકે એમ હતું. આથી તેની ધરપકડ કરાઈ છે.
TMCના નેતાની ગુંડાગીરી : મમતા બૅનરજીને દોષ આપનારાની આંગળીઓ તોડી નાખીશું
તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)ના સિનિયર નેતા ઉદયન ગુહાએ મમતા બૅનરજી સામે આંગળી ચીંધનારાની આંગળીઓ તોડી નાખવાની ધમકી આપતો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. વિડિયોમાં તેઓ એમ કહેતા દેખાઈ રહ્યા છે કે કલકત્તાની ઘટના સંદર્ભે જે લોકો મમતા બૅનરજી ભણી આંગળી ચીંધે છે અને રાજીનામાની માગણી કરે છે તેઓ કદી સફળ નહીં થાય, મમતા બૅનરજી સામે આંગળી ચીંધનારાઓની આંગળીઓ તોડી નાખવામાં આવશે.
ડૉક્ટરોએ માનવસાંકળ રચી, પોલીસને રાખડી બાંધી

ગઈ કાલે કલકત્તામાં વિરોધ કરતા ડૉક્ટર્સે આર. જી. કર મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલમાં જીવ ગુમાવનારી ટ્રેઇની ડૉક્ટરનું પૂતળું બનાવીને એને રાખડી બાંધી હતી
કલકત્તામાં ગઈ કાલે રક્ષાબંધનના દિવસે મોટી સંખ્યામાં ડૉક્ટરો અને હેલ્થકૅર પ્રોફેશન સાથે સંકળાયેલા કર્મચારીઓએ માનવસાંકળ રચી હતી. આના કારણે ઘણા રસ્તા બ્લૉક થયા હતા. ડૉક્ટરોએ પોલીસ અધિકારીઓના હાથમાં રાખડી બાંધી હતી અને બદલામાં પોલીસોએ તેમને ટૉફી ગિફ્ટમાં આપી હતી. આ વિરોધ-પ્રદર્શનમાં સિનિયર અને જુનિયર ડૉક્ટરો સામેલ થયા હતા. ૧૯૬૦માં ગ્રૅજ્યુએટ થયેલા ડૉક્ટરો પણ હાથમાં પ્લૅકાર્ડ લઈને ન્યાયની માગણી કરી રહેલા જોવા મળ્યા હતા. ૧૯૬૪માં ડૉક્ટર બનેલા એક પીઢ પ્રોફેશનલે કહ્યું હતું કે આર. જી. કર હૉસ્પિટલમાં જે થયું છે એ વિચારી શકાય એવું નથી. અમારે ન્યાય જોઈએ છે.

કોલકાતા હાઈ કોર્ટના વકીલો પણ ગઈ કાલે ટ્રેઇની ડૉક્ટર સાથે થયેલા જઘન્ય બનાવના વિરોધમાં રસ્તા પર ઊતર્યા હતા
ગઈ કાલે કલકત્તાના વકીલોએ પણ વિરોધ નોંધાવ્યો હતો અને કલકત્તાની સડકો પર હાથમાં બૅનરો લઈને સૂત્રોચ્ચાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ડૉક્ટરોને ન્યાય મળવો જોઈએ. દોષીઓને સખત સજા થવી જોઈએ.
TMCના સંસદસભ્યની નફટાઈ કોઈ દરદી મૃત્યુ પામે તો અમે ડૉક્ટરોને નહીં બચાવીએ
દરદીઓના આંદોલન સામે અમે ડૉક્ટરોને નહીં બચાવીએ એવી ધમકી TMCના સંસદસભ્ય અરુપ ચક્રવર્તીએ આપી છે. તેમણે જણાવ્યું હતું કે ‘આંદોલનના નામે હૉસ્પિટલોમાં જુનિયર ડૉક્ટરો હડતાળ પર છે, તમે તમારા બૉયફ્રેન્ડ સાથે ઘરે જઈ શકો છો, પણ જો કોઈ દરદી ઉપચારના અભાવે મૃત્યુ પામે અને એ પછી તેમના સંબંધીઓ આંદોલન કરે તો એવી પરિસ્થિતિમાં અમે ડૉક્ટરોને નહીં બચાવીએ.’


