સ્પીકરપદની ચૂંટણી ન થાય ત્યાં સુધી તેઓ કાર્યભાર સંભાળશે
કે. સુરેશ
કૉન્ગ્રેસના કે. સુરેશને ૧૮મી લોકસભાના પ્રોટેમ સ્પીકર નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ તમામ નવા ચૂંટાયેલા સંસદસભ્યોની શપથવિધિ કરાવશે. સ્પીકરપદની ચૂંટણી ન થાય ત્યાં સુધી તેઓ કાર્યભાર સંભાળશે. ૬૮ વર્ષના સુરેશ કેરલાના માવેલીકારા મત વિસ્તારમાંથી ચૂંટાયા છે. આ લોકસભામાં તેઓ સૌથી વધુ સમય ચૂંટાયેલા સંસદસભ્ય છે. ૨૪ જૂને લોકસભાની બેઠક મળશે ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તેમને શપથ લેવડાવશે. ત્યાર બાદ તેઓ વડા પ્રધાનના પ્રધાનમંડળના સભ્યો અને નવા સંસદસભ્યોને શપથ લેવડાવશે. ૨૬ જૂને નવા સ્પીકરની ચૂંટણી થશે. લોકસભાના સ્પીકરપદ માટે જે નામોની ચર્ચા છે એમાં ગત લોકસભાના સ્પીકર ઓમ બિરલા, ઓડિશાના ભર્તુહરી મહતાબ અને આંધ્ર પ્રદેશનાં સંસદસભ્ય અને આંધ્ર પ્રદેશ BJPનાં પ્રમુખ ડી. પુરન્દેશ્વરીના નામનો સમાવેશ છે.

