ઝાંસીના ઝવેરીઓએ દુકાનની બહાર લગાવી દીધી છે નોટિસ
દુકાનદારોએ લગાવેલી નોટિસ
ઉત્તર પ્રદેશના ઝાંસીમાં સરાફા વેપારી મંડળે ચોરીની વધી રહેલી ઘટનાઓ પર લગામ તાણવા માટે અનોખી પહેલ કરી છે. વેપારીઓએ હવે મોં છુપાડીને આવતા ગ્રાહકોને સામાન નહીં વેચવાનો નિર્ણય લીધો છે. સુરક્ષાને ધ્યાનમાં લઈને દુકાનની બહાર સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે બુરખો હોય કે ઘૂંઘટ, ચહેરો દેખાતો નહીં હોય તો ગ્રાહકને ઘરેણાં વેચવામાં નહીં આવે. આ નિર્ણય વેપારી મંડળે સામૂહિક રીતે લીધો છે.
આ વેપારીઓએ પોલીસની સંમતિ પણ લીધી છે અને દરેક ગ્રાહકને ચહેરો દેખાય એ રીતે ખુલ્લો રાખીને જ દુકાનમાં પ્રવેશવાનો આગ્રહ કર્યો છે. વેપારીઓનું કહેવું છે કે આ નિર્ણય સેફ્ટીના દૃષ્ટિકોણથી લેવાયો છે, કેમ કે નકાબ કે બુરખાની આડમાં જ્યારે ચોરી કે ગુનો થાય છે ત્યારે આરોપીઓની ઓળખ કરવાનું મુશ્કેલ થઈ જાય છે. વેપારી મંડળના અધ્યક્ષ ઉદય સોનીએ કહ્યું હતું કે ‘સોના-ચાંદીના ભાવ વધવાની સાથે અપરાધોનું પ્રમાણ પણ વધી ગયું છે. એ જ કારણોસર વેપારીઓએ સંયુક્ત રીતે નક્કી કર્યું છે કે કોઈ પણ ગ્રાહક બુરખા કે ઘૂંઘટમાં હોય તો તેણે પણ ચહેરો ખોલીને જ દુકાનમાં ખરીદી કરવાની રહેશે. જો કોઈ ગ્રાહક આગ્રહ કરવા છતાં ચહેરો ન ખોલે તો તેમને દાગીના બતાવવા જ નહીં.’


