આ પૅકેજ ૧૨ રાત ૧૩ દિવસનું હશે; આ ખાસ ટ્રેનમાં ૭૦૦ લોકો સવાર થઈ શકશે
જ્યોતિર્લિંગ
જ્યોતિર્લિંગનાં દર્શન કરવા ઇચ્છતા લોકો માટે ઇન્ડિયન રેલવે કૅટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC) દ્વારા ખુશખબરી છે. એક ભારત, શ્રેષ્ઠ ભારત અભિયાન અંતર્ગત ભારત ગૌરવ ટ્રેનોની શરૂઆતમાં ૭ જ્યોતિર્લિંગ અને શિર્ડીના સાંઈબાબાનાં દર્શન કરી શકાય એવું ખાસ પૅકેજ લૉન્ચ કર્યું છે. આ પૅકેજ ૧૨ રાત ૧૩ દિવસનું હશે. આ ખાસ ટ્રેનમાં ૭૦૦ લોકો સવાર થઈ શકશે.
ટ્રેન ૩૧ મેએ ઝારખંડના ધનબાદથી શરૂ થશે અને હજારીબાગ રોડ, કોડરમા, ગયા, રાજગીર, બિહાર શરીફ, બખ્તિયારપુર, પટના, આરા, બક્સર, દિલદારનગર અને પંડિત દીનદયાલ ઉપાધ્યાય સ્ટેશન પર તીર્થયાત્રીઓને લેવા માટે રોકાશે.
આ યાત્રા દરમ્યાન મધ્ય પ્રદેશના મહાકાલેશ્વર અને ઓમકારેશ્વર; ગુજરાતના નાગેશ્વર અને સોમનાથ; મહારાષ્ટ્રના ત્ર્યંબકેશ્વર, ભીમાશંકર અને ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગનાં દર્શન થઈ શકશે. સાત જ્યોતિર્લિંગોની સાથે શિર્ડીના સાંઈબાબા અને દ્વારકામાં દ્વારકાધીશ મંદિરનાં પણ દર્શન થઈ શકશે.


