Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કીમોથેરપી હવે ભૂતકાળ બનશે?

કીમોથેરપી હવે ભૂતકાળ બનશે?

Published : 21 August, 2026 07:16 AM | Modified : 21 August, 2026 01:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય વૈજ્ઞાનિકોએ માત્ર કૅન્સરના કોષોને જ ખતમ કરતી નવી સ્માર્ટ દવા બનાવી : આ નવી દવા શરીરના સારા કોષોને બિલકુલ નુકસાન પહોંચાડતી નથી એટલે દરદીએ કીમોથેરપીથી થતી આડઅસરનો સામનો કરવો નહીં પડે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કૅન્સરની પરંપરાગત કીમોથેરપીની સારવારમાં કૅન્સરની સાથે શરીરના સારા અને સ્વસ્થ કોષોને પણ મોટું નુકસાન થાય છે. આ ગંભીર સમસ્યાને કાયમી ધોરણે ઉકેલવા માટે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍડ્વાન્સ્ડ સ્ટડી ઇન સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી (IASST)ના ડૉક્ટર અસિસ બાલા અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)-ગુવાહાટીના ડૉક્ટર કે. પી. ભાબક દ્વારા RK251 નામની કૅન્સરની એક નવી સ્માર્ટ દવા બનાવવામાં આવી છે. આ દવા સારા કોષોને કોઈ જ નુકસાન પહોંચાડ્યા વિના માત્ર કૅન્સરના કોષોમાં જ સક્રિય થાય છે.

સામાન્ય રીતે કૅન્સરના કોષોમાં રીઍક્ટિવ ઑક્સિજન સ્પિશીઝ (ROS) નામનું તત્ત્વ ખૂબ વધારે માત્રામાં હોય છે. જ્યારે આ નવી સ્માર્ટ દવા કૅન્સરના કોષમાં પ્રવેશે છે ત્યારે આ તત્ત્વને કારણે દવા તરત સક્રિય થઈ જાય છે. સક્રિય થતાંની સાથે જ એમાંથી એક શક્તિશાળી રસાયણ મુક્ત થાય છે જે કૅન્સરના કોષોને બચાવતા પ્રોટીનને સીધું બ્લૉક કરીને કૅન્સરનો સંપૂર્ણ નાશ કરે છે.
પ્રાથમિક અભ્યાસમાં આ દવાએ અત્યંત જોખમી બ્રેસ્ટ-કૅન્સર સામે ખૂબ જ હકારાત્મક પરિણામો આપ્યાં છે. માછલીઓ પરના પ્રયોગમાં પણ એની કોઈ ઝેરી અસર જોવા મળી નથી. અમેરિકન કેમિકલ સોસાયટી (ACS)ના જર્નલ ઑફ મેડિસિનલ કેમિસ્ટ્રીમાં સત્તાવાર રીતે પ્રકાશિત થયેલું આ નવું સંશોધન ભવિષ્યમાં દરદીઓની સારવાર માટે અત્યંત મહત્ત્વની સિદ્ધિ સાબિત થશે.



મેલનોમા કૅન્સર માટે હવે પર્સનલાઇઝ્‌ડ વૅક્સિન


કૅન્સરની સારવારમાં મેડિકલ સાયન્સને અત્યંત ઐતિહાસિક સફળતા મળી છે. મેલનોમા નામના ગંભીર સ્કિન-કૅન્સર માટે મૉડર્ના અને મર્ક દ્વારા બનાવવામાં આવેલી પર્સનલાઇઝ્ડ મેસેન્જર રાઇબોન્યુક્લિક ઍસિડ (mRNA) કૅન્સર રસી અને કીટ્રુડા દવાની છેલ્લા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલમાં અત્યંત હકારાત્મક પરિણામો સામે આવ્યાં છે.
બન્ને કંપનીઓએ સત્તાવાર જાહેરાત કરી છે કે સર્જરી પછી રસી આપવાથી મેલનોમા કૅન્સર ફરીથી થવાનું અને અન્ય ભાગોમાં ફેલાવાનું જોખમ નોંધપાત્ર રીતે ઘટી જાય છે. આ ટ્રાયલમાં હાઈ-રિસ્ક મેલનોમા કૅન્સર ધરાવતા ૧૧૩૭ દરદીઓએ ભાગ લીધો હતો જેમની સર્જરી થઈ ચૂકી હતી. આ તમામ દરદીઓને એક વર્ષ માટે કીટ્રુડાની સાથે નવી mRNA રસી આપવામાં આવી હતી. અગાઉ પાંચ વર્ષના ડેટામાં જાણવા મળ્યું હતું કે માત્ર કીટ્રુડા લેનારા દરદીઓની સરખામણીમાં રસી લેનારાઓમાં મૃત્યુનું જોખમ ૪૯ ટકા ઓછું હતું.

શું કહ્યું મૉડર્નાએ?
કોરોના રસી બનાવનાર મૉડર્નાના પ્રમુખે જણાવ્યું હતું કે ‘આ પરિણામો રસી માટે મહત્ત્વની સિદ્ધિ છે. પરંપરાગત રસી કરતાં અલગ આ પર્સનલાઇઝ્ડ રસી ખાસ દરદીની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવે છે. એ રોગપ્રતિકારક શક્તિ વધારીને કૅન્સરના કોષોને ઓળખીને નાશ કરે છે. મંજૂરી બાદ આવતા વર્ષે જ આ રસી ઉપલબ્ધ થઈ શકે છે.’


Whatsapp-channel Whatsapp-channel

21 August, 2026 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK