ત્રણેયના મૃતદેહ તેમના પરિવારજનોને અંતિમક્રિયા માટે મોકલી દેવામાં આવ્યા હતા
બરફની નીચેથી પોતાના સાથીઓના મૃતદેહને બહાર કાઢતા જવાનો.
ગયા વર્ષના ઑક્ટોબર મહિનામાં લદ્દાખમાં આવેલા માઉન્ટ કૂન પર પવર્તારોહણ માટે ગયેલા હાઈ ઍલ્ટિટ્યૂડ વેલ્ફેર સ્કૂલ (HAWS)ના ૩૮ મેમ્બરમાંથી ચાર મેમ્બર હિમપ્રપાતને લીધે બરફની નીચે દટાઈ ગયા હતા. એમાંથી એકના મૃતદેહને બહાર કાઢવામાં એ સમયે HAWSના જવાનોને સફળતા મળી હતી, જ્યારે બાકીના ત્રણ જણ બરફની ક્રૅકમાં પડી ગયા હતા અને હિમપ્રપાતને લીધે તેઓ જ્યાં પડ્યા હતા ત્યાં બરફનો થર જામી ગયો હતો. જોકે ૨૦૨૩ની આઠમી ઑક્ટોબરે બનેલી આ ઘટનાના આઠ મહિના બાદ ૧૮ જૂને HAWSના ૮૮ જવાનોએ તેમના ત્રણ સાથીઓના મૃતદેહ શોધવાનું અભિયાન ફરી એક વાર શરૂ કર્યું હતું. ઑપરેશન RTGના નામ સાથે શરૂ કરવામાં આવેલા આ અભિયાનને પહેલી સફળતા ચોથી જુલાઈએ ત્યારે મળી જ્યારે હવાલદાર રોહિત કુમારનો મૃતદેહ ત્રીસ ફુટ બરફની નીચેથી મળી આવ્યો હતો. ત્યાર બાદ બરફની એ ક્રૅકમાં વધુ દસ ફુટ નીચે હવાલદાર ઠાકુર બહાદુરનો મૃતદેહ સાતમી જુલાઈએ મળ્યો હતો અને એના બીજા દિવસે નાયક ગૌતમ રાજબંશીની ડેડબૉડી મળી આવી હતી. લાન્સ નાયક સ્ટૅન્ઝિનનો મૃતદેહ ગયા વર્ષે હિમપ્રપાત બાદ તરત જ મળી ગયો હતો.
આ ઑપરેશનનું નામ રોહિતના R, ઠાકુર બહાદુરના T અને ગૌતમ રાજબંશીના G પરથી ઑપરેશન RTG રાખવામાં આવ્યું હતું. ત્રણેયના મૃતદેહ તેમના પરિવારજનોને અંતિમક્રિયા માટે મોકલી દેવામાં આવ્યા હતા. HAWS ઇન્ડિયન આર્મીની ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે.
ADVERTISEMENT

