કૉન્ગ્રેસના નેતાએ કહ્યું હતું કે અગ્નિવીર યોજના હેઠળ પંજાબના શહીદના પરિવારને સરકારે પૈસા ન આપ્યા હોવાથી રક્ષાપ્રધાને દેશની માફી માગવી જોઈએ, પણ હકીકતમાં અજયકુમારના પરિવારને ૯૮.૩૯ લાખ રૂપિયા મળી ચૂક્યા છે
રાહુલ ગાંધી
અગ્નિવીર યોજના અંતર્ગત શહીદના જવાનોને મોદી સરકાર તરફથી આર્થિક મદદ આપવામાં નથી આવતી એવા કૉન્ગ્રેસના નેતાએ કરેલા આક્ષેપ બાદ એને લઈને જબરદસ્ત ઊહાપોહ મચ્યો છે.
સંસદના વિશેષ સત્રમાં રાહુલ ગાંધીએ અગ્નિવીર યોજનાને લઈને સરકાર પર હુમલો કરતાં કહ્યું હતું કે ‘પંજાબના અજયકુમારના પરિવારને તેમના મૃત્યુ બાદ અગ્નિવીર યોજના અંતર્ગત આર્થિક મદદ નથી મળી. દેશના રક્ષાપ્રધાન સંસદમાં ખોટું બોલ્યા હતા. તેમણે દેશની માફી માગવી જોઈએ.’
જોકે લોકસભામાં વિપક્ષના નેતાના આ બયાન બાદ ઇન્ડિયન આર્મીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ લખી છે કે ‘અગ્નિવીર અજયકુમારના પરિવારને ૯૮.૩૯ લાખ રૂપિયા અત્યાર સુધીમાં આપી દેવામાં આવ્યા છે. બાકીના ૬૭ લાખ રૂપિયા પોલીસ-વેરિફિકેશન અને બીજી અમુક કાર્યવાહી બાદ રિલીઝ કરવામાં આવશે. આ રીતે અગ્નિવીરના પરિવારને ૧.૬૫ કરોડ રૂપિયા મળશે.’

