અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનીઝ અને જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદા સાથેની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે આ ક્વૉડ સમિટમાં ભાગ લઈને મને આનંદ થયો છે

ફાઇલ તસવીર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ શનિવારે (20 મે) જાપાન (Japan)ના હિરોશિમામાં ક્વૉડ દેશો (Quad Countries)ના રાષ્ટ્રાધ્યક્ષો સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે 2024માં ભારતમાં ક્વૉડ સમિટ (Quad Summit in India)નું આયોજન કરીને અમને આનંદ થશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનીઝ અને જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદા સાથેની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે આ ક્વૉડ સમિટમાં ભાગ લઈને મને આનંદ થયો છે.
તેમણે કહ્યું કે, “ક્વાડ ગ્રુપ ઈન્ડો-પેસિફિકમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે એક મહત્ત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. તેમાં કોઈ શંકા નથી કે ઈન્ડો-પેસિફિક એ વેપાર, નવીનતા અને વૃદ્ધિનું એન્જિન છે. અમે સર્વસંમત છીએ કે ઈન્ડો-પેસિફિકની સુરક્ષા અને સફળતા માત્ર ક્ષેત્ર માટે જ નહીં, પરંતુ વિશ્વ માટે મહત્ત્વપૂર્ણ છે. રચનાત્મક એજન્ડા સાથે, અમે સહિયારા લોકતાંત્રિક મૂલ્યોના આધારે આગળ વધી રહ્યા છીએ.”
ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાનને અભિનંદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, “સંયુક્ત પ્રયાસોથી અમે મુક્ત, ખુલ્લા અને સર્વસમાવેશક ઈન્ડો-પેસિફિકના અમારા વિઝનને વ્યવહારુ પરિમાણ આપી રહ્યા છીએ. આ સમિટની સફળ અધ્યક્ષતા માટે હું ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસને શુભેચ્છા અને અભિનંદન આપું છું. 2024માં ક્વૉડ લીડર્સની સમિટની યજમાની કરીને ભારતને આનંદ થશે. ક્વાડ એ ચાર દેશોનો સમૂહ છે જેમાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનનો સામેલ છે.\
આ પણ વાંચો: રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પહેલીવાર વોલોડીમિર ઝેલેન્સકીને મળ્યા PM મોદી
અમે છેલ્લા બે વર્ષમાં સારી પ્રગતિ કરી છે: બાઇડન
આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિસે કહ્યું કે, “હું ફરીથી નજીકના મિત્રોમાં આવીને ખુશ છું. ખુલ્લા, સ્થિર, સુરક્ષિત અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક પ્રદેશ માટે એકસાથે ઊભા રહેવું મહત્ત્વનું છે. આ એક એવો વિસ્તાર છે, જ્યાં સાર્વભૌમત્વનું સન્માન કરવામાં આવે છે અને પ્રાદેશિક સંતુલન નાના અને મોટા તમામ દેશોને લાભ આપે છે.” તે જ સમયે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે, “મને લાગે છે કે લોકો આજથી 20-30 વર્ષ પછી આ ક્વૉડને જોશે અને કહેશે કે પરિવર્તન ફક્ત ક્ષેત્રમાં જ નહીં, પરંતુ વિશ્વમાં પણ ગતિશીલ છે. મારા મતે છેલ્લા બે વર્ષમાં અમે સારી પ્રગતિ કરી છે.”