G7ના લીડર્સ સાથે યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કી પણ જોડાશે
પશ્ચિમ જપાનના હત્સુકઈચીમાં ગઈ કાલે ગ્રુપ-ફોટો માટે પોઝ આપી રહેલા G7ના લીડર્સ (ડાબેથી જમણે)- યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડન્ટ ચાર્લ્સ માઇકલ, ઇટલીના વડા પ્રધાન જ્યૉર્જિયા મેલોની, કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો, ફ્રેન્ચ પ્રેસિડન્ટ ઇમૅન્યુઅલ મૅક્રૉન, જૅપનીઝ વડા પ્રધાન ફુમિયો કિશિદા, અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડન, જર્મન ચાન્સેલર ઓલફ સ્કોલ્ઝ, બ્રિટનના વડા પ્રધાન રિશી સુનક અને યુરોપિયન કમિશનના પ્રેસિડન્ટ ઉર્સુલા વોન ડેર લેયેન (તસવીર : એ.પી./પી.ટી.આઇ.)
દુનિયાના સૌથી સમૃદ્ધ દેશોના લીડર્સ રશિયા પર વધુ આકરા પ્રતિબંધ લાગુ કરવા માટે ગઈ કાલે સંમત થયા હતા. G7ની મીટિંગ માટે જપાન આવેલા આ લીડર્સે ચીન સાથેના વેપાર પર નિર્ભરતા ઘટાડવા પર પણ ભાર મૂક્યો હતો.
G7ના લીડર્સ સાથે યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કી પણ જોડાશે. G7ના લીડર્સે રશિયાને એવી કોઈ પણ વસ્તુની નિકાસ ન કરવાનો સંકલ્પ કર્યો હતો, જેનાથી એને યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં મદદ મળી શકે, જેમાં ઇન્ડસ્ટ્રિયલ મશીનરી, ટૂલ્સ અને અન્ય ટેક્નૉલૉજી પણ સામેલ છે. કેમ કે રશિયા એનાં વૉર મશીન્સને ફરીથી તૈયાર કરવામાં ઉપયોગ કરી શકે છે. આ નેતાઓએ એક જૉઇન્ટ સ્ટેટમેન્ટમાં આ વાત જણાવી હતી.
ADVERTISEMENT
ચીનની વાત છે તો G7ના નેતાઓ એને આર્થિક સુરક્ષા માટે સતત ખતરા તરીકે જોઈ રહ્યા છે. જોકે આ લીડર્સે સ્પષ્ટ જણાવ્યું હતું કે ‘અમારી પૉલિસી ચીનને નુકસાન પહોંચાડવાની નથી. અમે ચીનની આર્થિક પ્રગતિ અને વિકાસને ખોરવી માગતા નથી.’